Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીને ભણાવનાર શિક્ષકનું નિધન: કાયમ લખતા હતા પત્ર, મગરમચ્છવાળો કિસ્સો પણ...

    પીએમ મોદીને ભણાવનાર શિક્ષકનું નિધન: કાયમ લખતા હતા પત્ર, મગરમચ્છવાળો કિસ્સો પણ સંભળાવ્યો હતો

    પીએમ મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે.

    - Advertisement -

    વડનગરની શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભણાવનાર તેમના શિક્ષક રાસવિહારી મણિયારનું નિધન થયું છે. તેઓ વડનગરની બીએન વિદ્યાલયમાંથી આચાર્ય પદેથી વયનિવૃત્ત થયા હતા. પીએમ મોદીએ તેમના શિક્ષકના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

    પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું.’

    આ સાથે વડાપ્રધાને તેમના શિક્ષક સાથેનો એક વિડીયો પણ શૅર કર્યો હતો. આ વિડીયોમાં પીએમ મોદીને તેમના શિક્ષકનું સન્માન કરતા અને તેમના ચરણસ્પર્શ કરતા જોઈ શકાય છે. જોકે, આ વિડીયો તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારનો છે. આ સાથે તેમણે તે જ સમયની એક તસ્વીર પણ શૅર કરી અને લખ્યું કે, ‘દિવગંત આત્માની શાંતિ માટે પ્રાર્થના…ૐ શાંતિ:.’ 

    - Advertisement -

    પીએમ મોદીના આ શિક્ષક તેમને અવારનવાર પત્ર લખતા રહેતા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “મને જ્યારે મન થાય ત્યારે હું પત્ર લખું છું. હું જવાબો મળવાની કે બીજી કોઈ બાબત વિશે નથી વિચારતો. મને લખવું ગમે છે.” 

    પીએમ મોદીએ પણ તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમના શિક્ષકનો ઉલ્લેખ કર્યો હતો. ઓગસ્ટ 2016માં તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડાપ્રધાને જીવનમાં શિક્ષકોનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, “મારા એક શિક્ષક, હવે તેમની 90 વર્ષની ઉંમર થઇ ગઈ, પરંતુ આજે પણ દર મહિને તેમનો મને પત્ર આવે છે. હાથેથી લખેલો પત્ર આવે છે. મહિનાભરમાં તેમણે જે પુસ્તકો વાંચ્યાં હોય તેનો ઉલ્લેખ કરે છે. આ મહિનામાં મેં શું કર્યું, તેમની નજરમાં એ ઠીક હતું કે નહીં, આજે પણ તેઓ મને વર્ગખંડમાં ભણાવતા હોય તેવી અનુભૂતિ થાય છે. 90 વર્ષની ઉંમરે પણ તેમના અક્ષર બહુ સારા છે.”

    જોકે, પીએમ મોદીના અક્ષર વિશે તેમના શિક્ષકે પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી વિશે વાત કરતાં તેમના શિક્ષકે કહ્યું હતું કે, “તેઓ સારા વિદ્યાર્થી હતા. અક્ષર થોડા ખરાબ હતા, પણ ભણવામાં સારા હતા. પ્રવૃતિઓમાં પણ સક્રિય રહેતા હતા. તેઓ શિસ્તતાના આગ્રહી હતા અને ક્યારેય અશિસ્ત વ્યવહાર ચલાવી લેતા નહીં.” 

    બાળપણમાં પીએમ મોદી મગરમચ્છનું બચ્ચું ઘરે લઇ આવ્યા હતા, જેનો પણ ઉલ્લેખ તેમના શિક્ષકે કર્યો હતો. તેમણે કહ્યું હતું, “મારું ઘર નરેન્દ્રના ઘરેથી 2-3 મિનિટના જ અંતરે હતું. તેઓ દરરોજ નજીકના તળાવમાં સ્નાન માટે જતા હતા. એકવાર તેઓ મગરનું બચ્ચું ઘરે લઇ આવ્યા હતા. સ્વાભાવિક રીતે તેમનાં માતા ડરી ગયાં હતાં અને જ્યાંથી તેઓ તેને પકડી લાવ્યા હતા ત્યાં મૂકી આવવા માટે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની (મગરની) માતા ચિંતા કરતી રાહ જોતી હશે. પછી મોદીએ માતાના કહેવા અનુસાર પાછું છોડી આવ્યા હતા.”

    વડાપ્રધાન અહીં સુધી પહોંચ્યા તેને લઈને તેઓ કહેતા કે, “વડનગર જેવાં ગામનો એક માણસ ઓબામાને મળે અને બંને ભાઈઓ હોય તે રીતે વાત કરે, એ જ તેમના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે. આ તેમણે 25-30 વર્ષ સુધી કરેલા પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે જેના કારણે તેઓ અહીં સુધી પહોંચી શક્યા છે.” આજે 96 વર્ષની વયે રાસવિહારી મણિયારનું નિધન થયું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં