ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં ચોરીનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા એક પ્રાચીન બાલાજી હારાજના મંદિરમાં ગત 9 મેના રોજ ચોરી થઇ હતી. પરંતુ હવે ચોરી થયેલી અષ્ટ ધાતુની 14 મૂર્તિઓને ચોર રવિવારે એક ચિઠ્ઠી લખીને મહંતના આવાસની બહાર ફરી પાછી મૂકી ગયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોરોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, “અમને રાત્રે બિહામણાં સપનાં આવે છે, અમે ઊંઘી નથી શકતા. તેથી આ મૂર્તિઓ અમે મહંતના આવાસ બહાર મૂકી રહ્યા છીએ.”
કર્વી પોલીસ મથકના SHO રાજીવ કુમાર સિંહે સોમવારે (16 મે 2022) જણાવ્યું હતું કે, “નવમી મેની રાત્રે તરોંહા સ્થિત પ્રાચીન બાલાજી મંદિરમાંથી અષ્ટ ધાતુની 16 મૂર્તિઓ ચોરી થઇ ગઈ હતી, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. આ મામલે મહંત રામબાળકે અજ્ઞાત ચોરો વિરુદ્ધ એક FIR દાખલ કરાવી હતી.” પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોરી કરવામાં આવેલ 16 માંથી 14 મૂર્તિઓ રવિવારે રહસ્યમય સંજોગોમાં મહંત રામબાળકના આવાસની બહારથી મળી આવી હતી.
બાલાજી મંદિરમાંથી થોડા દિવસો પહેલાં ચોર 16 કિંમતી મૂર્તિઓ ઉઠાવીને લઇ ગયા હતા. જેને લઈને મહંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગભગ ત્રણસો વર્ષ જૂની અતિપ્રાચીન મૂર્તિઓ ચોરી થઇ છે. જેમાંથી એક મૂર્તિ અષ્ટધાતુની, ત્રણ મૂર્તિઓ તાંબાની, ચાર મૂર્તિઓ પિત્તળની, છ મૂર્તિઓ રાધા-કૃષ્ણ અને છ મૂર્તિઓ શાલિગ્રામની હતી. આ ચાંદીના ઘરેણાં હતાં. આ મામલે પોલીસે ચાર સંદિગ્ધોને પકડ્યા હતા પરંતુ નાટકીય રીતે ચોરોએ મૂર્તિઓ પરત કરી દીધી હતી. આ મામલે પોલીસ આગળ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2019માં રામજન્મભૂમિ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી ઘટના સામે આવી હતી. ભગવાન રામની 140 વર્ષ જૂની અષ્ટધાતુ મૂર્તિને નજરબાગ વિસ્તારના માધુરીકુંજમાંથી ચોર્યા પછી ચોર ચોરેલી મૂર્તિઓ 5મા દિવસે પરત કરી ગયો હતો.
મૂર્તિ ચોરનાર ચોરે જણાવ્યું હતું કે, જ્યારથી તેણે ચોરી કરી ત્યારથી તેના શરીરમાં એક અજીબ દર્દ થવા લાગ્યું હતું. તેને ગભરાટ સાથે ડરામણા સપના આવી રહ્યા હતા. તે લાંબો સમય સુધી મૂર્તિ પોતાની પાસે રાખી શક્યો નહીં અને માધુરી કુંજ મંદિર જઈને ભગવાન રામની ચોરેલી મૂર્તિઓ મંદિરના પૂજારીને સોંપી દીધી હતી. મૂર્તિ સોંપ્યા બાદ તેમના શરીરની પીડા મટી ગઈ હતી.
નવાઝે દાનપેટીમાં નાંખ્યું હતું કૉન્ડોમ, દીવાલમાં માથું પછાડીને મૃત્યુ પામ્યો હતો
2021માં, કર્ણાટકના મેંગલુરુમાં સ્વામી કોરાગજ્જાના મંદિરના દાન પેટીમાંથી કોન્ડોમ મળ્યું હતું. જેના ત્રણ દિવસ પછી અચાનક અન્ય સમુદાયના બે છોકરાઓ મંદિરમાં આવ્યા અને પૂજારીની સામે માફી માટે વિનંતી કરવા લાગ્યા હતા. બંનેએ પૂજારીને કહ્યું કે તેણે પોતાના પાર્ટનર નવાઝ સાથે મળીને થોડા દિવસો પહેલા મંદિરના દાન પેટીમાં કોન્ડોમ નાંખ્યું હતું.
દાનપેટીમાં કોન્ડોમ નાંખ્યા પછી તેને એક દિવસ લોહીની ઉલટી થઈ અને પછી મળદ્વારમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. અંતે તે તેના ઘરની દિવાલો પર માથું મારતા મૃત્યુ પામ્યો હતો. મરતી વખતે તેણે તેમને કહ્યું કે કોરગજ્જા તેમનાથી ગુસ્સે છે. જે બાદ બાકીના બે અબ્દુલ રહીમ અને અબ્દુલ તૌફીકે પણ ડરી જઈને મંદિરે જઈને પૂજારીની માફી માંગી હતી.