
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 17 ઑક્ટોબરને શનિવારની રાત્રે નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન પોતાના પરિવાર સાથે ઈસનપુરથી ગરબા જોવા જઈ રહેલાં ભારતીય જનતા પાર્ટીનાં (BJP) મહિલા કોર્પોરેટરની છેડતી અને તેમના પરિવાર સાથે હેરાનગતિનો મામલો સામે આવ્યો છે. વેજલપુર પોલીસ શોએબ શાહ ફકીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા કોર્પોરેટર, તેમનો દીકરો અને અન્ય પરિવારજનો કારમાં ગરબા સ્થળે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફતેવાડી કેનાલ નજીક આગળ જઈ રહેલો બર્ગમેન વાહનચાલક ફોન પર વાત કરતા કરતા બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. વારંવાર હોર્ન મારવા છતાં સાઈડ ન આપતા સામાન્ય તકરાર થઈ હતી.
મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી
તે સમયે સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ શોએબે અદાવત રાખીને આગળ જઈને મોટી બબાલ કરી હતી. સરખેજ જવાના ટર્નિંગ નજીક પહોંચતા જ શોએબે તેની ગાડી કોર્પોરેટરની કાર આગળ આડી મૂકી દીધી હતી. તેણે તાત્કાલિક ફોન કરીને પોતાની સાસુ અને અન્ય બે મિત્રોને ત્યાં બોલાવી લીધા હતા.
આ ટોળાએ ભેગા થઈને મહિલા કોર્પોરેટર અને તેમના પરિવારને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યારે મહિલા કોર્પોરેટરે ગાડીનો કાચ નીચે કરીને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શોએબએ તમામ મર્યાદાઓ ઓળંગીને મહિલા સાથે અભદ્ર ચેનચાળા કર્યા હતા અને તેમનો હાથ પકડીને કારમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
કાર પર હુમલો અને તોડફોડ કરવાનો પ્રયાસ
આરોપીઓએ કારનો દરવાજો બળજબરીથી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અને કારનો સાઈડ મિરર તોડી નાખ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને મહિલા કોર્પોરેટરે તુરંત જ ઈમરજન્સી હેલ્પલાઈન 112 પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી.
ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મહિલા કોર્પોરેટરની ફરિયાદના આધારે છેડતી, ગંભીર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે મુખ્ય આરોપી શોએબ શાહ ફકીર સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરીને જેલહવાલે કર્યા છે.

