
ગુજરાત ATSએ પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (JeM) મોડ્યુલનો પર્દાફાશ કરીને વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ 3 જુલાઈએ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછ દરમિયાન આ પાંચ શખસોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ ATSએ સઘન ઑપરેશન હાથ ધરીને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડીયાલ ગામ તેમજ અન્ય વિસ્તારોમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે આ કેસમાં પકડાયેલા કુલ આતંકીઓની સંખ્યા હવે 13 થઈ ગઈ છે.
ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખાલી અયુબ સુનસરા, શફી રઈસ મુખી (શાફી ચાપી) અને મોહમ્મદ હસન કરડીયા તરીકે થઈ છે. આ તમામ આરોપીઓને મહેસાણા જિલ્લાના કડી ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તમામ આરોપીઓના 24 જુલાઈ સુધીના ATS કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
Gujarat ATS have arrested five more accused associated with the terror organisation Jaish-e-Mohammed from various districts of the state
— ANI (@ANI) July 17, 2026
The arrested accused are – Bilal Abid Shera, Mohammed Aiyub Kadiwal aka Mohammed Khadiyasan, Mohammed Shafi Mukhi aka Shafi Chapi, Mohammed… pic.twitter.com/BypxsLm2TD
ગુજરાતમાં ટાઈમ બૉમ્બ બનાવી બ્લાસ્ટ કરવાનું કાવતરું
સરકારી વકીલના જણાવ્યા અનુસાર આ આતંકીઓ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ છેલ્લા છ મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને અવાવરૂ જગ્યાઓ પર ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) બનાવીને તેના અંદાજે 6થી 7 વાર ટ્રાયલ બ્લાસ્ટ પણ કરી ચૂક્યા હતા. જોકે, તેમની કેટલીક વિસ્ફોટક બનાવવાની ટ્રાયલ નિષ્ફળ રહી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે બૉમ્બ બનાવવાની આ સામગ્રી તેઓ ક્યાંથી લાવતા હતા અને કઈ જગ્યાએ છુપાવતા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આ આતંકીઓ પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર અને તેના ટોચના આકાઓ સાથે સીધા સંપર્કમાં હતા. ભારતીય સેનાના ‘ઑપરેશન સિંદૂર’ બાદ ભારે નુકસાન પામેલું જૈશ સંગઠન ફરીથી પોતાનું નેટવર્ક ઊભું કરવા મથી રહ્યું હતું અને આ મોડ્યુલ તેનો જ એક ભાગ હતું. આ ઉપરાંત અગાઉ પકડાયેલા અમીન નામના આતંકીએ આ નવા પકડાયેલા શખસોને ઉર્દૂ ભાષામાં લખાયેલું જેહાદી સાહિત્ય પૂરું પાડ્યું હતું, જેને રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે.
ATSની વધુ પૂછપરછ અને તપાસ ચાલુ
ગુજરાત ATS હાલ આ પાંચેય આતંકીઓને હેડક્વાર્ટર લાવીને સઘન પૂછપરછ કરી રહી છે. અગાઉ ઝડપાયેલા આતંકીઓ બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્ય પ્રદેશના દેવાસમાંથી પકડાયા હતા. હવે આ નવા આરોપીઓની મદદથી આતંકી નેટવર્કના અન્ય કયા સભ્યો ગુજરાતમાં સક્રિય છે, તેમને ક્યાંથી ફંડિંગ મળતું હતું અને તેમના આગામી ટાર્ગેટ કયા હતા, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

