અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) નજીકના માણસ અને વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર (White House Trade Advisor) પીટર નવારોએ (Peter Kent Navarro) ફરી ભારત વિશે જુઠ્ઠાણું ફેલાવવા દોટ મૂકી છે. પણ આ વખતે થયું એવું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝરોએ તેના જુઠ્ઠાણાંને પકડી પાડ્યું અને કોમ્યુનિટી નોટ મૂકીને ફેક્ટચેક કરી નાખ્યું. આ ઘટનાને લઈને હવે નવારો ઈલોન મસ્કની પાછળ પડ્યો છે અને મસ્ક પર ‘પ્રોપગેન્ડા’ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યો છે. નવારોએ પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તે માત્ર નફાખોરી માટે ખરીદે છે અને તેની કમાણીથી રશિયાનું ‘વૉર મશીન’ ચાલે છે.
FACTS: India highest tariffs costs U.S. jobs. India buys Russian oil purely to profit/Revenues feed Russia war machine. Ukrainians/Russians die. U.S. taxpayers shell out more. India can't handle truth/spins @washpo
— Peter Navarro (@RealPNavarro) September 5, 2025
Leftist American fake news. QED. https://t.co/9UwdodYBEe
ટ્રમ્પના એડવાઇઝર નવારોએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “Facts: ભારતના સૌથી વધુ ટેરિફથી અમેરિકી નોકરીઓ ખતમ થઈ રહી છે. ભારત રશિયન ઓઈલ માત્ર નફા માટે ખરીદે છે અને આ આવક રશિયાના ‘વૉર મશીન’ને પોષણ આપે છે. અમેરિકી કરદાતાઓએ વધુ ચૂકવણી કરવી પડી રહી છે. ભારત સત્ય અને જુઠ્ઠાણાંને સહન કરી શકતું નથી.” તેની આ પોસ્ટના ગણતરીના કલાકોમાં કોમ્યુનિટી નોટ આવી ગઈ હતી.
Xનું ફેક્ટચેક અને અમેરિકા પર સવાલ
નવારોએ પોસ્ટ કર્યાના ગણતરીના કલાકોમાં જ X પ્લેટફોર્મે તેની પોસ્ટ પર કોમ્યુનિટી નોટ જોડી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતની રશિયન ઓઈલની ખરીદી ‘ઉર્જા સુરક્ષા’ માટે છે, ન માત્ર નફા માટે. નોટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ભારત કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી કરી રહ્યું. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને અન્ય મિનરલ્સની આયાત કરે છે, જે તેની નીતિને ‘હિપોક્રેટિકલ’ એટલે બેવડા ધોરણોની બનાવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના ફેક્ટચેક બાદ નવારો ભડકી ઉઠ્યો અને ઈલોન મસ્ક પર શાબ્દિક હુમલો કરવા લાગ્યો. તેણે બીજી એક પોસ્ટ કરીને લખ્યું કે, “વાહ! ઈલોન મસ્ક લોકોની પોસ્ટમાં પ્રોપગેન્ડા ફેલાવે છે. નીચે દર્શાવેલી નોટ પણ એવી જ છે. એકદમ હલકી. ભારત રશિયા પાસેથી નફો મેળવવા માટે જ ઓઈલ ખરીદે છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તે પહેલાં તે (ભારત) કોઈ ઓઈલ ખરીદતું ન હતું. ભારત સરકારનું સ્પિન મશીન ખૂબ ઝડપે ચાલી રહ્યું છે. યુક્રેનિયનોને મારવાનું બંધ કરો. અમેરિકન નોકરીઓ છીનવી લેવાનું બંધ કરો.”
Wow. @elonmusk is letting propaganda into people's posts. That crap note below is just that. Crap. India buys Russia oil solely to profiteer. It didn't buy any before Russia invaded Ukraine. Indian govt spin machine moving high tilt. Stop killing Ukranians. Stop taking… https://t.co/Uj1NMUrVOM
— Peter Navarro (@RealPNavarro) September 6, 2025
જોકે, નવારોની આ બીજી પોસ્ટ પણ Xએ ના મૂકી. આ પોસ્ટનું પણ ફેક્ટચેક કરી દેવામાં આવ્યું અને સાથે સ્પષ્ટ શબ્દોમાં લખવામાં પણ આવ્યું કે, ભારતનો ઉર્જા વેપાર તેનો ‘સાર્વભૌમ નિર્ણય’ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ નથી. પ્લેટફોર્મે ફરી અમેરિકાનાં બેવડાં ધોરણો પર ભાર મૂક્યો અને અમેરિકા પર જ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા.
ઉલ્લેખનીય છે કે ‘કોમ્યુનિટી નોટ્સ’ એ Xનું એવું ફીચર છે, જેની મદદથી યુઝરો કોઈ પણ પોસ્ટનું ફેક્ટચેક કરી શકે છે. તેના ‘કોન્ટ્રિબ્યુટર’ એક્સના જ યુઝરો હોય છે. જો કોઈ કોમ્યુનિટી નોટને અમુક કરતાં વધુ રેટિંગ મળે તો પ્લેટફોર્મ તેને પોસ્ટની નીચે મૂકી દે છે, જેથી પોસ્ટ વાંચનાર દુનિયાભરના યુઝરો સાચી માહિતી, સાચો સંદર્ભ જાણી શકે.
નોંધનીય છે કે, નવારો અગાઉ પણ આવી પાયાવિહોણી વાતો કરી ચૂક્યો છે. આ પહેલાં પણ તેણે ભારતમાં જાતિવાદને ઉશ્કેરવા માટે બ્રાહ્મણોને ટાર્ગેટ કર્યા હતા. ભારતે પીટર નવારોના આક્ષેપોને સીધા નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે, આ નિવેદન સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ એક ‘વિશેષ ભાગીદારી’ પર આધારિત છે અને ભારત આ ખોટા આક્ષેપોને કોઈ જવાબ આપશે નહીં.


