બૉલીવુડની એક પછી એક ફિલ્મો ફ્લૉપ જઈ રહી છે. તાપસી પન્નુ હોય કે આમિર ખાન અને કરીના કપૂર, તમામની ફિલ્મો બૉક્સ ઓફિસ પર અત્યંત નબળું પ્રદર્શન કરી રહી છે. જોકે, તેમ છતાં અમુક અભિનેતાઓનું વલણ હજુ પણ નરમ પડ્યું નથી. તાજેતરમાં જ અભિનેતા અર્જુન કપૂરે ફિલ્મોનો બહિષ્કાર કરતા લોકોને પાઠ ભણાવવાની વાત કરી હતી, હવે આલિયા ભટ્ટ એક નિવેદન આપીને ચર્ચામાં આવી છે.
આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કરીના કપૂરના રસ્તે ચાલીને કહ્યું હતું કે જો લોકોને તે પસંદ ન હોય તો તેની ફિલ્મો જોવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે જોવા મળશે.
આલિયા ભટ્ટે મિડ-ડેને આપેલ એક ઇન્ટરવ્યૂમાં નેપોટિઝ્મ અંગે વાત કરતાં કહ્યું કે, “હું બોલી-બોલીને પોતાનો બચાવ કરી શકતી નથી. જો તમે મને પસંદ ન કરતા હોવ તો મારી ફિલ્મો ન જુઓ. હું તેમાં કશું કરી શકતી નથી.”
સ્ટાર કિડ અંગે થતા ટ્રોલિંગને લઈને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે, “લોકો કંઈક ને કંઈક કહેતા રહે છે. મેં ગંગુબાઈ નામની હિટ ફિલ્મ આપી. જીત કોની થઇ? મારી. કમ સે કમ જ્યાં સુધી મારી કોઈ ફિલ્મ ફ્લૉપ નહીં થઇ જાય, હું મારી ફિલ્મો દ્વારા હું એ સાબિત કરતી રહીશ કે હું જ્યાં છું ત્યાં યોગ્ય છું. આ વાહિયાત ચર્ચાઓ છે, જેનું કોઈ કારણ નથી.”
અહીં એ નોંધવું જોઈએ કે વર્ષ 2020માં અભિનેત્રી કરીના કપૂર ખાને પણ નેપોટિઝ્મની ચર્ચામાં આવી જ વાત કરી હતી. જોકે, તેની ત્યારે જેટલી અસર ન હતી થઇ તેટલી અસર હમણાં કરીના-આમિરની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા વખતે જોવા મળી હતી અને લોકોએ કરીનાનો જૂનો વિડીયો ફેરવવા માંડ્યો હતો.
કરીના કપૂરે બરખા દત્તને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “અમને દર્શકોએ (સ્ટાર કે સેલિબ્રિટી) બનાવ્યા છે, બીજા કોઈએ નહીં. જે લોકો આંગળી ચીંધી રહ્યા છે તેમણે જ આ નેપોટિસ્ટિક સ્ટારને અહીં સુધી પહોંચાડ્યા છે. તમે જઈ રહ્યા છો ને ફિલ્મો જોવા, ન જાવ. તમને કોઈ દબાણ નથી કરી રહ્યું. મને એ ખબર નથી પડતી. મને આ આખી ચર્ચા જ વિચિત્ર પ્રકારની લાગે છે.”
જોકે, હમણાં લાલ સિંઘ ચઢ્ઢા રિલીઝ થવા પહેલાં દેશભરમાં સોશિયલ મીડિયા પર બહિષ્કાર શરૂ થઇ જતાં કરીનાની શાન ઠેકાણે આવી હતી અને કહ્યું હતું કે, લોકોએ બહિષ્કાર કરવો ન જોઈએ. હું ઇચ્છુ છું કે લોકો મને અને આમિરને મોટા પડદે જુએ. મારી અપીલ છે કે લોકો બહિષ્કાર ન કરે. કારણ કે લોકોએ આ ફિલ્મ પાછળ બહુ મહેનત કરી છે.”
જોકે માત્ર કરીના કપૂર કે આલિયા ભટ્ટ જ નહીં, આવું નિવેદન તો આમિર ખાને પણ અગાઉ આપ્યું હતું. પીકે ફિલ્મના સોશિયલ મીડિયા પર થતા વિરોધને લઈને આમિર ખાનને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે, જો કોઈને ફિલ્મ પસંદ ન હોય તો તેમણે ન જોવી જોઈએ.