Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી? સતત બે...

    પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી? સતત બે નોટીસ બાદ પણ હાજર ન રહ્યા, ઉપરથી આપી ધમકી

    પાકિસ્તાનની ઉચ્ચ તપાસ એજન્સી ઇમરાન ખાનને બે વખત નોટીસ પાઠવી ચૂકી છે, પરંતુ ઇમરાન ખાન હાજર રહ્યા નથી.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સત્તા ભલે છોડવી પડી હોય પણ મુશ્કેલીઓ તેમનો પીછો છોડવાનું નામ લઇ રહી નથી. હવે અહેવાલો મળી રહ્યા છે કે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની શીર્ષ તપાસ એજન્સી ઇમરાન ખાનની ધરપકડ કરી શકે છે. 

    પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શુક્રવારે (19 ઓગસ્ટ 2022) ઇમરાન ખાનને બીજી વખત નોટીસ પાઠવી હતી. તે પહેલાં બુધવારે ઇમરાનને નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. આ નોટીસ ગેરકાયદે ફન્ડિંગ મામલેના એક કેસમાં પાઠવવામાં આવી હતી. 

    સતત બે નોટીસ બાદ પણ ઇમરાન ખાન હાજર ન રહેતાં હવે એજન્સી ઇમરાન ખાનને ઉઠાવી લઇ જાય તેવી શક્યતા છે. આ મામલે મીડિયા અહેવાલોમાં એજન્સી FIAના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ઇમરાન ખાનને વધુ એક નોટીસ પાઠવવામાં આવશે. જો ત્રણ નોટીસ બાદ પણ તેઓ સંતોષકારક જવાબ ન આપે તો ઇમરાન ખાનની ધરપકડ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

    - Advertisement -

    FIAને ઇમરાન ખાનની પાર્ટી સાથે સબંધિત પાંચ કંપનીઓ વિશે જાણકારી મળી હતી જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન અને બેલ્જીયમ જેવા દેશોમાંથી સંચાલિત થઇ રહી છે અને જેનો ઉલ્લેખ પાકિસ્તાનના ઈલેક્શન કમિશનને સોંપવામાં આવેલ રિપોર્ટમાં કરવામાં આવ્યો ન હતો. 

    એજન્સીએ કેસમાં હાજર થવા માટે પાઠવેલી નોટીસના જવાબમાં ઇમરાન ખાને બુધવારે FIAને આ નોટીસ પરત લેવા માટે કહ્યું હતું અને સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. ઇમરાને કહ્યું કે, તેઓ એજન્સીને જવાબ આપવા માટે કે કોઈ પણ માહિતી આપવા બાધ્ય નથી. તેમજ તેમણે કહ્યું હતું કે, જો બે દિવસની અંદર નોટીસ પરત લેવામાં નહીં આવે તો તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. ઇમરાન ખાને નોટીસ બાદ એક લેખિત જવાબમાં આ વાતો કહી હતી. 

    બીજી તરફ, એજન્સીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ચૂંટણી પંચથી માહિતી છુપાવવા બદલ ઇમરાન ખાનને દોષી પુરવાર કરવા માટે તેમની પાસે પૂરતા સબૂતો છે. તેમજ એમ પણ જણાવવામાં આવ્યું કે, ત્રીજી અને અંતિમ નોટીસ આગામી અઠવાડિયે મોકલવામાં આવશે. 

    આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફે નિયમો વિરુદ્ધ વિદેશી ફન્ડિંગ મેળવ્યું હતું, જેમાં એક ભારતીય મૂળની મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મામલે ઇમરાનની પાર્ટીને કારણદર્શક નોટીસ પણ પાઠવવામાં આવી હતી. 

    ચૂંટણીપંચે નોટીસ પાઠવીને પાર્ટી પાસેથી જવાબ માંગ્યો હતો કે શા માટે ફંડ જપ્ત કરવામાં નહીં આવે અને કહ્યું હતું કે ઇમરાન ખાન કાયદા હેઠળ પોતાની જવાબદારીનું નિર્વહન કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. બીજી તરફ, ઇમરાન ખાન ઈલેક્શન કમિશનના મુખ્ય કમિશનર પર તેમની પાર્ટી સાથે અન્યાય કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં