હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટી દ્વારા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે કાર્યક્રમની પરવાનગી ન આપવામાં આવ્યા બાદ આ મામલે તેલંગાણા હાઈકોર્ટમાં પણ અપીલ કરવામાં આવી હતી. જોકે, તેલંગાણા હાઈકોર્ટે પણ યુનિવર્સીટી કેમ્પસમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની અનુમતિ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે યુનિવર્સીટી કેમ્પસનો ઉપયોગ રાજનીતિક મંચ તરીકે કરવો ન જોઈએ.
આ પહેલાં ઉસ્માનિયા યુનિવર્સીટી તંત્રે પણ રાહુલ ગાંધીને કાર્યક્રમની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. પરવાનગી રદ કરતા યુનિવર્સીટી પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે વર્ષ 2017થી કેમ્પસમાં રાજનીતિક બેઠકો સહિતની બિન-શૈક્ષણિક ગતિવિધિઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.
હાઈકોર્ટે બુધવારે (4 એપ્રિલ 2022) રાહુલ ગાંધી માટેના પ્રસ્તાવિત કાર્યક્રમને યુનિવર્સીટી કાઉન્સિલના પ્રસ્તાવનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ઉસ્માનિયા યુનિવર્સીટી ખાતે સાતમી મેના રોજ એક કાર્યક્રમ પ્રસ્તાવિત થયો હતો. જોકે, યુનિવર્સીટી તરફથી કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમનું કહેવું હતું કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માંગે છે અને તેની પરવાનગી આપવી જોઈએ.
આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે, ભલે આ કાર્યક્રમને એક સંવાદ ગણાવવામાં આવી રહ્યો હોય પરંતુ તેની પાછળ રાજનીતિક ઈરાદાઓ હોય તે બાબત અવગણી શકાય નહીં. યુનિવર્સીટીનું પરિસર રાજનીતિક માધ્યમ તરીકે વપરાવું જોઈએ નહીં. યુનિવર્સીટીમાં રાજનીતિક કાર્યક્રમો કરવા યુનિવર્સીટીના એક્ઝીક્યુટીવ કાઉન્સિલના પ્રસ્તાવની વિરુદ્ધ છે અને જેથી તેની અનુમતિ આપી શકાય નહીં.
બીજી તરફ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરનાં પુત્રી કવિતાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધી તેમની યાત્રા પાછળનો મકસદ પૂછ્યો હતો. તેલંગાણાની સત્તાધારી પાર્ટી TRSનાં વિધાન પરિષદના સભ્ય કવિતાએ રાહુલ ગાંધીની મુલાકાત રાજકીય ગણાવી છે. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીએ ક્યારેય પણ તેલંગાણાના હિતોની વાત કરી નથી. તેઓ અહીં ઉસ્માનિયા યુનિવર્સીટીમાં શા માટે આવવા માંગે છે તે સમજાતું નથી. અમે તેમને ખેડૂતોના મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માટે અપીલ કરી હતી. પરંતુ હવે તેઓ રાજકારણ રમવા માટે આવી રહ્યા છે.”
During paddy crop issue, we urged him(Rahul Gandhi) to raise the issue in Parliament &to support farmers of Telangana but he didn’t. But now he is planning something in Warangal, coming here to do politics only: TRS MLC K Kavitha over the Cong leader’s visit to Osmania University pic.twitter.com/5oXXv7Li6J
— ANI (@ANI) May 4, 2022
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં ઉસ્માનિયા યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે અનુસાર યુનિવર્સીટી કેમ્પસમાં કોઈ પણ રાજકીય કે બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે. તેનાં એક વર્ષ પહેલાં હાઈકોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સીટી કેમ્પસમાં રાજકીય અને સાર્વજનિક કાર્યક્રમોની પરવાનગી ન આપવા માટે આદેશ કર્યો હતો.
અહીં નોંધનીય બાબત એ પણ છે કે દેશના મુદા ભાગના રાજકીય મુદ્દાઓમાં એકસરખું સ્ટેન્ડ લેતી બે પાર્ટીઓ TRS અને કોંગ્રેસ રાહુલ ગાંધીની યાત્રા મામલે સામસામે આવી ગઈ છે. તેમજ તેલંગાણાની સત્તાધારી પાર્ટીએ તો રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકારણ રમવાનો પણ આરોપ લગાવ્યો છે.