થોડા દિવસ પહેલાં આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (Assam) ત્રણ રાજ્યોમાં એક સાથે ઑપરેશન ચલાવીને વૈશ્વિક આતંકી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ એટલે ABTના 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોને ભારત સાથે જોડતો સિલીગુડી કોરિડોર આ આતંકવાદીઓના નિશાના પર હોવાનું સામે આવ્યું છે. તેઓ પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની ફિરાકમાં હતા. જોકે તેઓ તેમના મનસૂબા પાર પાડે તે પહેલાં જ ‘ઑપરેશન પ્રઘાત’ (Operation Praghat) અંતર્ગત સુરક્ષા અભિયાન ચલાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા છે.
આસામ STFએ ઘટસ્ફોટ કર્યો છે કે, પકડાયેલા આતંકવાદીઓમાં બાંગ્લાદેશથી આવેલો સાદ રાડી ઉર્ફે શબ શેખને કેરળથી (Kerala) પકડવામાં આવ્યો હતો. તે સિલીગુડી કોરિડોરને (જેને Chicken’s Neck તરીકે પણ ઓળખવામાં આવે છે) ટાર્ગેટ કરવાના ફિરાકમાં રહેલા ABTનો માસ્ટરમાઈન્ડ છે. આ કોરિડોર પૂર્વોત્તર ભારતને દેશ સાથે જોડી રાખતો એક સંકડો ભૂભાગ છે. તેના એક તરફ નેપાળ, એક તરફ ભૂતાન તો એક તરફ બાંગ્લાદેશ છે.
આ મામલે પશ્ચિમ બંગાળના (West Bengal) DGP સુપ્રતિમ સરકારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “તેઓ ચિકન નેક/સિલીગુડી કોરિડોરમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવાની યોજના બનાવી રહ્યા હતા. ફરહાન નામનો આતંકવાદી આ સ્લીપર સેલનો લીડર હતો. જે આતંકવાદીઓ ઝડપાયા છે, તેમને સ્થાનિક લોકોની ભરતી કરીને પશ્ચિમ બંગાળમાં સ્લીપર સેલ એક્ટિવ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આતંકવાદીઓ મુર્શિદાબાદ અને અલીપુરદ્વારના યુવાનોને વધુ ટાર્ગેટ કરી રહ્યા હતા.” પોલીસે આતંકવાદીઓ પાસેથી 16 GBની પેનડ્રાઈવ, 4 મોબાઈલ ફોન સહિતની સામગ્રી જપ્ત કરી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
અલ-કાયદા સાથે સંકળાયેલું છે ATB
ઉલ્લેખનીય છે કે ABT આતંકી સંગઠન અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકળાયેલું છે. આસામ STFના વડા પાર્થ સારથી મહંતની આગેવાની હેઠળ ‘ઓપરેશન પ્રઘાત’ કેરળ અને પશ્ચિમ બંગાળ પોલીસ દળોની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. STFએ આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા જેમાં ABTના 8 આતંકીઓને ઝડપ્યા હતા. જેમાંનો એક મોહમ્મદ સાદ રાદીને (32 વર્ષ) નવેમ્બરમાં ભારત મોકલવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય આસામ અને પશ્ચિમ બંગાળમાં સ્લીપર સેલ એક્ટિવ કરવાનો હતો. ત્યારપછી તે કેરળ જતો રહ્યો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત 5 આતંકવાદીઓ મિનારુલ શેખ (40), મોહમ્મદ અબ્બાસ અલી (33), અબ્દુલ કરીમ મંડલ (30), હમીદુલ ઈસ્લામ (34) અને ઈનામુલ હક (29) આસામમાંથી ઝડપાયા હતા. STFના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલ મોજીબર રહેમાન (46) અને નૂર ઇસ્લામ મંડલે (40) ABT અને AQIS જેવા આતંકવાદી સંગઠનોમાં યુવાનોને ભરતી કરાવવા પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ આતંકવાદીઓ હિંદુ નેતાઓની હત્યા કરવાની ફિરાકમાં હોવાનો ખુલાસો પણ પૂછપરછ દરમિયાન થયો હતો.
શું છે ચિકન નેક અને તેનું મહત્વ
Chicken’s Neck એટલે કે સિલિગુડી કોરિડોરની વાત કરીએ તો તે પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોને દેશ સાથે જોડતો એક મહત્વપૂર્ણ ભૂભાગ છે. તે ભારત માટે રણનીતિક રૂપે અતિ મહત્વનું સ્થાન છે. માત્ર 22 કિલોમીટર પહોળો આ ધરતીનો ટુકડો કેટલો સંવેદનશીલ છે તે એ વાતથી જ સમજી શકાય છે કે તે નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન એમ ત્રણ દેશોની સીમાને અડીને આવેલો છે. જો આ ક્ષેત્રમાં કોઈ નવાજૂની થાય તો પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેંડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા અને મિઝોરમ (જેમને ‘સેવન સિસ્ટર્સ’થી પણ ઓળખવામાં આવે છે) એમ સાત રાજ્યો એક ઝાટકે ભારતથી અલગ થઈ શકે.