Monday, December 23, 2024
More

    સંસદ ભવનમાં ઈજાગ્રસ્ત થયા ભાજપ સાંસદ પ્રતાપ સારંગી, કહ્યું- રાહુલ ગાંધીએ ધક્કો માર્યો

    સંસદ ભવનમાં ડૉ. આંબેડકર મુદ્દે ચાલતા વિવાદ અને તેમાં વિપક્ષી સાંસદોના પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટી સાંસદ અને પૂર્વ મંત્રી પ્રતાપ સારંગીને ઈજા પહોંચી છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. 

    સંસદ ભવનમાંથી વ્હિલ ચેર પર તેમને બહાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે પ્રતાપ સારંગીએ કહ્યું કે, હું ઊભો હતો. મારી બાજુમાં અન્ય એક સાંસદ ઊભા હતા. રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો અને તેઓ મારી ઉપર પડ્યા, જેના કારણે મને પણ ઈજા પહોંચી. 

    તેમણે જણાવ્યું કે, દાદર પર આ ઘટના બની હતી. તેમને આંખના ભાગે ઈજા પહોંચી છે. સંસદના કર્મચારીઓ પછીથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. 

    બીજી તરફ, રાહુલ ગાંધીએ પોતાનો બચાવ કરતાં વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, તેમને અંદર જવાથી રોકવામાં આવી રહ્યા હતા. “ભાજપના સાંસદો મને અંદર જવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, મને ધમકાવી રહ્યા હતા. અંદર જવાનો અમારો અધિકાર છે.”