નવસારીમાં (Navsari) આવેલા દરગાહ રોડ વિસ્તારમાં રહેતા હિંદુઓ પર 7 ડિસેમ્બરની રાત્રે 150થી 200 મુસ્લિમ યુવાનોના ટોળાએ હિંદુઓ અને ખાસ કરીને મહિલાઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપ છે કે વાહન પાર્કિંગ બાબતે ધમાલ કર્યા બાદ ટોળું હિંદુ વિસ્તારોમાં ધસી આવ્યું હતું અને મહિલાઓને ગાળો ભાંડીને, તેમની છેડતી કરીને મારી નાખવાની અને વિસ્તારમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી. બીજી તરફ, આ મામલે તપાસ બાદ પોલીસનું કહેવું છે કે મામલામાં કોઈ ધાર્મિક એન્ગલ નથી, પરંતુ વાહન પાર્કિંગની બાબતમાં બબાલ થઈ હતી.
સ્થાનિક વ્યક્તિ અને આ હુમલાના પીડિત ચંદન રાઠોડે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ઘટના શનિવારે (7 ડિસેમ્બર) રાત્રે બનવા પામી હતી. તેમણે જણાવ્યું કે, વાહન પાર્કિંગ બાબતે સ્થાનિક મુસ્લિમ યુવક સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમો લાઠી-દંડા લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપ છે કે, 100-150ના મુસ્લિમ ટોળાંએ મહિલાઓને જાતિવિષયક ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
‘કાફિરો ચાલ્યા જાઓ, આ અમારો વિસ્તાર..’
પીડિતના જણાવ્યા અનુસાર, દરગાહ રોડ પર મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે, જે આવી ઘટનાઓમાં એકઠા થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ ટોળાંએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને ‘કાફિરો અહીંથી ભાગી જાઓ, આ અમારો વિસ્તાર છે. આ તો બસ હજુ શરૂઆત છે.’ કહીને મારપીટ પણ કરી હતી. આ ઉપરાંત આરોપ છે કે, તેમણે હિંદુ મહિલાઓને ‘કપડાં કાઢીને મારીશું’ જેવી ધમકી પણ આપી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, એકઠા થયેલા લોકોએ જાતિવિષયક ગાળો પણ આપી હતી.
આરોપ છે કે, ટોળાંએ હિંદુ મહિલાઓને ‘તમે લોકો ધં* કરો છો, તમે લોકો #$@ છો, ભાગી જાઓ અહીંથી’ જેવા શબ્દો ઉચ્ચારીને જાતિવિષયક અપમાન કરી ધમકી આપી હતી. ઉપરાંત એકઠા થયેલા ટોળાંએ મહિલાઓ સાથે મારપીટ કરી હોવાનો પણ આરોપ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ઘટના બાદ મહિલાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી કરીને કાર્યવાહીની માંગણી કરી છે. મહિલાઓએ અરજીમાં કેટલાક મુસ્લિમ શખ્સોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. ઑપઇન્ડિયા પાસે અરજીની નકલ ઉપલબ્ધ છે.
અરજીમાં શાહનવાઝ ભંડારી (મુખ્ય આરોપી), એઝાઝ શેખ, શોએબ શેખ, સુફિયાન સલીમ અને રફીક પટેલના પુત્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે, આ લોકોના નેતૃત્વમાં 100-150 મુસ્લિમો એકઠા થઈ ગયા હતા. હાલ નવસારી ટાઉન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, હજુ સુધી FIR નોંધાઈ નથી. હાલ હિંદુ સમુદાયના લોકો FIR થવાની રાહ જોઈ રહ્યા છે. હિંદુ સંગઠનો પણ ઘટના બાદ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
નવરાત્રિ, ગણેશોત્સવમાં પણ હિંદુઓને કરવામાં આવે છે પ્રતાડિત- ફરિયાદી
ફરિયાદી ચંદન રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, દરગાહ રોડ પર મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. અહીં તેમની એક દરગાહ પણ આવેલી છે, જેની બાજુમાં જ એક હિંદુ મંદિર પણ સ્થિત છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, છેલ્લાં ત્રણ વર્ષથી કટ્ટરપંથી મુસ્લિમો તેમને એક પણ તહેવાર ઉજવવા નથી દેતા. તેમણે જણાવ્યું કે, ગણેશ પંડાલમાં પણ સ્થાનિક મુસ્લિમો અડચણ ઊભી કરે છે અને ભજન-કીર્તન બંધ કરી દેવાનું દબાણ કરે છે. તેમણે ઘણી વખત સ્થાનિક મુસ્લિમોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ તેમ છતાં હિંદુઓના તહેવારો પર તેઓ અડચણ ઊભી કરે છે.
સ્થાનિકોનું કહેવું છે કે, નવરાત્રિ દરમિયાન મંદિરમાં ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી સ્થાનિક મુસ્લિમો તેમને આ બાબતે ખૂબ હેરાન કરે છે અને માનસિક ત્રાણ પણ છે. તેમણે કહ્યું કે, ગરબા દરમિયાન કેટલાક મુસ્લિમો બાઇક લઈને પંડાલમાં ઘૂસી જાય છે અને કાર્યક્રમને બંધ કરવાની ધમકી આપી દે છે. તેમણે જણાવ્યું કે, ગરબા કરી રહેલી બહેન-દીકરીઓની સાથે પણ તેઓ દુર્વ્યવહાર કરે છે અને છેડતી કરે છે.
આ ઉપરાંત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોસત્વને લઈને હિંદુ સમાજે તોરણ બાંધતાં તેનો પણ સ્થાનિક મુસ્લિમોએ વિરોધ કર્યો હતો અને તોરણ કાઢવા માટેની ધમકી આપી હતી. ફરિયાદી અનુસાર, ત્રણ વર્ષથી તેઓ આ બધું સહન કરતા રહ્યા છે, પરંતુ હવે આવા બનાવો વધતા હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાહનવાઝ ભંડારી અને શોએબ શેખ નામના શખ્સો દરેક ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવે છે અને ટોળાં એકઠા કરે છે.
આ ઉપરાંત પીડિત હિંદુ મહિલાઓએ પણ વિડીયો બનાવીને પોતાની આપવીતી જણાવી છે. એક મહિલાએ વિડીયોમાં કહ્યું છે કે, “શું હિંદુ છીએ તે અમારો ગુનો છે? તેઓ ગળાં કાપી નાખવાની વાત કરે છે. અહીંથી અમને ભગાડવાની વાત કરે છે. હવે બાંગ્લાદેશ જેવું ભારતમાં પણ થવા જઈ રહ્યું છે. હિંદુઓને ભારતમાં પણ રહેવાનો અધિકાર નથી. રામ મંદિરનો તહેવાર મનાવ્યો તોપણ તે લોકોએ ‘અહીં કોઈ તહેવાર નહીં ઉજવાવવાનો’ કહીને ધમકીઓ આપી હતી. અહીં બાંધેલા તોરણ પણ હટાવી લીધાં હતાં.” અન્ય એક મહિલાએ કહ્યું કે, “અમને જાતિવિષયક ગાળો આપી, છાતી પર હાથ લગાવ્યા અને ‘તમે @$& છો, હિંદુ છો’ કહીને મારપીટ કરી.”
ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠન સાથે પણ વાતચીત કરી હતી. સંગઠને જણાવ્યું છે કે, હાલ તેઓ સંપૂર્ણપણે પીડિતોની સાથે છે અને પોલીસ અધિકારીઓને અરજી કરીને કાર્યવાહી કરવા માટેની માંગણી કરી રહ્યા છે. ફરિયાદીઓ સાથે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ DySP કચેરી જઈને કાર્યવાહીની માંગણી પણ કરી છે.
કોઈ હુમલો નહીં, બોલાચાલી થઈ હતી: ધાર્મિક એન્ગલ પણ નહીં- નવસારી પોલીસ
જોકે, પોલીસે હુમલાની વાત નકારી દીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, અગાઉ હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ હુમલાની કોઈ વાત નથી અને વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જે મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. દરમ્યાન, હિંદુઓ વિરુદ્ધ કોઈ ધાર્મિક ટિપ્પણી થઈ હોવાની વાતને પણ પોલીસે નકારી છે અને વાયરલ વિડીયોમાં જે પ્રકારે વાત કહેવામાં આવી, તેવી વાતો પણ ન કહેવાઈ હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને ST/SC એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(નવી વિગતો સામે આવ્યા બાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.)