રાજસ્થાન (Rajasthan)ની ભાજપ સરકારે રાજ્યની શાળાઓમાં બાળકોને ભણાવવામાં આવતાં અમુક પુસ્તકો પરત ખેંચી લીધાં છે. જેમાંથી એક પુસ્તક ‘અદ્રશ્ય લોગ: ઉમ્મીદ ઔર સાહસ કી કહાનિયાં’ પણ છે, જે વિવાદિત IAS હર્ષ મંદરે લખ્યું છે. આ પુસ્તકના (Book) એક પ્રકરણમાં 2002ના ગોધરા કાંડનો (Godhra Kand) ઉલ્લેખ છે, પરંતુ તેમાં હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો છે.
જાણવા મળ્યા અનુસાર, રાજસ્થાન શિક્ષણ મંત્રાલયે 9થી 12માં બનાવવામાં આવતાં પુસ્તકો ‘જીવન કી બહાર’, ‘ચિટ્ટી એક કુત્તા ઔર ઉસકા જંગલ’ અને 11-12માં બનાવવામાં આવતાં ‘અદ્રશ્ય લોગ: ઉમ્મીદ ઔર સાહસ કી કહાનિયાં’ અને ‘જીવન કી બહાર (ધોરણ 11–12 માટે)’ એમ કુલ ચાર પુસ્તકો પરત મંગાવી લીધાં હતાં. આ તમામ એક મહિના પહેલાં શાળાઓમાં વહેંચવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
આ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. તેમજ તમામ શાળાઓના પ્રિન્સિપાલને કહેવામાં આવ્યું છે કે તેઓ આ પાઠ્યપુસ્તકો એકઠાં કરીને ખંડ કાર્યાલયમાં જમા કરે. પુસ્તકો પરત મેળવવા પાછળ ‘તકનીકી કારણો’ જણાવવામાં આવ્યાં છે અને કહેવામાં આવ્યું છે કે તેના કાગળ અને છાપકામની ગુણવત્તાનું આકલન કરવામાં આવશે.
આ પુસ્તકોમાંથી ‘અદ્રશ્ય લોગ’ પુસ્તક ચર્ચામાં છે, જેમાં એક ‘નૌ લંબે સાલ’ નામનું એક પ્રકરણ છે. જેમાં ગોધરા કાંડને લઈને પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો છે.
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે પહેલાં દાવો કર્યો હતો કે ગોધરામાં ટ્રેનમાં લાગેલી આગ આતંકવાદી ષડ્યંત્રનું પરિણામ હતી, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમજ વિશેષ કોર્ટમાં એ સાબિત થયું ન હતું. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કારસેવકો પર હુમલા બાદ ‘અંડરકવર’ પોલીસ અધિકારીઓએ એક ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડીને 14 યુવકોને કોઈ સ્પષ્ટીકરણ આપ્યા વગર પકડી લીધા હતા.
હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવતાં લખવામાં આવ્યું કે, ટ્રેનના ડબ્બામાં આગ લગાડવામાં આવ્યા બાદ સાંજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુસ્લિમ પુરુષો, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી હતી. આ પુસ્તકમાં તત્કાલીન ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે.
આ અંગે રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું કે, પાછલી અશોક ગેહલોત સરકારમાં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું હતું, પણ હવે હટાવી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પુસ્તકમાં ગોધરા કાંડ વિશે જુઠ્ઠાણું ફેલાવીને સમાજને વહેંચવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પુસ્તકમાં ગોધરાની ટ્રેન સળગાવનારાઓનું મહિમામંડન કરવામાં આવી રહ્યું છે અને હિંદુઓને ગુનેગારની જેમ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ગુજરાતની તત્કાલીન સરકાર વિરુદ્ધ પણ ખોટી બાબતો લખવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણમંત્રી ગોવિંદસિંઘ ડોટાસરાએ આ પુસ્તક પસંદ કર્યું હતું અને અગાઉની કોંગ્રેસ સરકારમાં જ આ કામ થયું હતું, એટલે પુસ્તકો ખરીદી લેવામાં આવ્યાં અને શાળાઓમાં વહેંચાઈ પણ ગયાં હતાં. બીજી તરફ, ડોટાસરાએ આરોપો નકારી દીધા છે અને કહ્યું કે તેમણે આ પુસ્તકનું અનુમોદન કર્યું ન હતું.
નોંધવું જોઈએ કે હર્ષ મંદર એક વિવાદિત પૂર્વ IAS અધિકારી છે. તેઓ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના અમુક જિલ્લાઓમાં કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલ એક NGO ચલાવે છે. CAA દરમિયાન પણ તેઓ પ્રોપગેન્ડા ફેલાવતી ટોળકીમાં સામેલ હતા. તેમની સંસ્થાઓ પણ કાયમ વિવાદમાં રહી છે અને ગત વર્ષે જ ગૃહ મંત્રાલયે તેમના NGO વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.