ગાંધીનગરના સાદરામાં (Sadra) હિંદુ દેવી-દેવતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર મુસ્લિમ સગીરે માફી માંગી છે. જાહેરમાં હિંદુ સંગઠનોની વચ્ચે તેણે ભૂલ સ્વીકારીને માફી માંગી હતી અને હવે ફરી આ પ્રકારનું કૃત્ય ન થાય તેની બાંહેધરી આપી હતી.
હિંદુ સંગઠનોએ આ માફી સ્વીકારીને આગળ કાર્યવાહી ન કરવાનું નક્કી કર્યું છે. બીજી તરફ પોલીસે પણ FIR વગેરેની કાર્યવાહી કરી નથી.
વિડીયોમાં તે કહેતો જોવા મળે છે કે, હું (નામ) સાદરા ગ્રામજનો તથા હિંદુ સમાજની બે હાથ જોડીને માફી માગું છું. માફી માંગવાનું કારણ એ છે કે મેં હિંદુ સમાજના ભગવાન શ્રીરામચંદ્ર અને માતા સીતા વિશે ખોટી ટિપ્પણી કરી હતી. તે બદલ તમે તમામ ગ્રામજનો તથા સનાતન ધર્મના લોકો મને માફ કરશોજી.
તેણે આગળ કહ્યું, “હું અને મારો પરિવાર ખાતરી આપીએ છીએ કે હવે પછી કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવું કાર્ય કરીશ નહીં.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ સગીરે એક ઇન્સ્ટાગ્રામ કૉમેન્ટમાં ભગવાન રામ અને માતા સીતા વિશે અત્યંત અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. જેને લઈને હિંદુ સંગઠનોએ ચિલોડા પોલીસ મથકે પહોંચીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી.
(સંપાદકીય નોંધ: આરોપી સગીર હોવાના કારણે તેની ઓળખ જાહેર કરવામાં આવેલ નથી.)