ગુરુવારે (3 ઑક્ટોબર) ઉત્તર પ્રદેશ પોલીસે ગાઝિયાબાદ પાસે આવેલા ડાસના દેવી મંદિરમાં હિંદુ બનીને ઘૂસનારા ત્રણ મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તે પણ જાણવા મળ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ મથુરા જિલ્લાના રહેવાસી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિંહાનંદના ભાષણની એક ક્લિપ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરે ફરતી કર્યા બાદ UPમાં અન્ય ઠેકાણે હિંસાની ઘટનાઓ બની હતી.
અહેવાલો અનુસાર, ડાસના દેવી મંદિરમાં ઘૂસી ગયેલા ત્રણેય આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે અને તેમણે હિંદુ નામોનો ઉપયોગ પણ કર્યો હતો. આ ઉપરાંત પૂજારી યતિ નરસિંહાનંદના નેતૃત્વવાળા મંદિરમાં પ્રવેશ મેળવવા માટે તેમણે પોતે રામલીલામાં અભિનય કરતા હોવાનો દાવો પણ કર્યો હતો.
આ આખો ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે પયગંબર મોહમ્મદ વિશે આપેલા ભાષણને લઈને યતિ નરસિંહાનંદને ટાર્ગેટ કર્યા હતા અને તેમના વિરુદ્ધ ઇસ્લામવાદીઓને ઉશ્કેર્યા પણ હતા. પરિણામ સ્વરૂપ ઇસ્લામવાદીઓ અને કટ્ટરપંથીઓએ અનેક સ્થળોએ આ ઘટનાને લઈને હોબાળો કર્યો છે અને ડાસના મંદિરના પૂજારીને ‘સર તન સે જુદા’ની ધમકીઓ પણ મળી રહી છે.
હિંદુ નામ સાથેના ફેક આધાર કાર્ડ સાથે ઘૂસી રહ્યા હતા મંદિરમાં
માહિતી અનુસાર, ત્રણેય આરોપીઓ મુસ્લિમ સમુદાયના હોવા છતાં ડાસના દેવી મંદિરમાં પ્રવેશ મેળવવા માટે હિંદુ નામ ધારણ કરીને આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી હિંદુ નામ ધરાવતાં ફેક આધાર કાર્ડ પણ મળી આવ્યાં હતાં. આ ઘટના વિશે જણાવતા ACP લિપિ નગાયચને જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન મંદિરમાં ડ્યુટી પર તહેનાત પોલીસને જાણવા મળ્યું હતું કે, ત્રણ લોકો હિંદુ નામ ધરાવતા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા, જ્યારે તેઓ મૂળ રીતે મુસ્લિમ હતા. તેઓ રામલીલા પ્રદર્શન માટે અહીં પહોંચ્યા હતા.”
પોલીસના જણાવ્યા અનુસાર, “પૂછપરછ બાદ આ ત્રણેય લોકોની ધરપડક કરી લેવામાં આવી છે અને તેમની સામે છેતરપિંડી કરવા અને પૂજાસ્થળને અપવિત્ર કરવા સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. મંદિરમાં રામલીલા કરનારા ગ્રુપને જાણ નહોતી કે તેઓ મુસ્લિમ છે.”
આરોપીઓ હિંદુ આસ્થાનું કરવા માંગતા હતા અપમાન- FIR
ગુરુવારે પોલીસે ત્રણેય મુસ્લિમ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 298 (પૂજાસ્થળને અપવિત્ર કરવું) અને 319(2) (ખોટી ઓળખ સાથે છેતરપિંડી કરવી) હેઠળ FIR નોંધી હતી. FIRમાં જણાવાયું છે કે, “ત્રણેય લોકોનો ઇરાદો હિંદુ ધર્મનું અપમાન કરવાનો હતો અને તે માટે જ તેઓ મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.”
ઘટના વિશે જણાવતા યતિ નરસિંહાનંદે કહ્યું કે, મુસ્લિમ શખ્સોને ડાસના દેવી મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “તે લોકો અહીં કોઈ ઉપદ્રવ કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસે સમયસર તેમની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના વિશેની તમામ તપાસ થવી જોઈએ.”
નોંધનીય છે કે, આ પહેલાં મે, 2023માં મોહસિન નામના એક વ્યક્તિને 2 સગીરાઓ સાથે ડાસના દેવી મંદિરમાં ઘૂસવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, એક સગીરા હિંદુ સમુદાયની હતી અને અન્ય એક મુસ્લિમ સમુદાયની હતી. ત્રણેયે હિંદુ સગીરાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મંદિરમાં પ્રવેશ મેળવ્યો હતો.
અનેક સ્થળોએ મુસ્લિમ ટોળાંની હિંસા
શુક્રવારે (4 ઑક્ટોબર)ના રોજ કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોના એક ટોળાંએ ડાસના દેવી મંદિરની બહાર ભારે ઉત્પાત મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગાઝિયાબાદ પોલીસે તરત કાર્યવાહી શરૂ કરીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. જોકે, ઝુબૈરની ઉશ્કેરણી બાદ મુસ્લિમ કટ્ટરપંથી ટોળાંએ બુલંદશહરમાં પણ ભારે હોબાળો કર્યો હતો. હોબાળા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતાં મુસ્લિમ ટોળું ભડકી ઉઠ્યું હતું અને પોલીસ પર જ હુમલો કરી દીધો હતો.
दिनांक 04.10.2024 को डासना मंदिर पर कुछ लडको द्वारा मंदिर के बाहर हल्ला किया जा रहा था जिनको पुलिस बल द्वारा तत्काल संज्ञान लेते हुए खदेड़ दिया गया था । मंदिर परिसर के आस-पास पूर्णतः शान्ति बनी हुई है । वहाँ पर और अधिक पुलिस बल लगा दिया गया है ।(1/2)@Uppolice pic.twitter.com/ubk92VFUAR
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) October 4, 2024
બુલંદશહરના સિકંદરાબાદમાં મુસ્લિમ ટોળાંએ ભડકાઉ નારા પણ લગાવ્યા હતા. જુમ્માની નમાજ બાદ અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ કટ્ટરપંથીઓ એકઠા થઈ ગયા હતા અને ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હતા. પોલીસે પથ્થરમારો અને હિંસા આચરનારા 8 લોકોની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ કહેવાય રહ્યું છે.
આ ઉપરાંત યતિ નરસિંહાનંના નિવેદનને લઈને મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ કટ્ટરપંથીઓએ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFIની રાજકીય પાંખ SDPIના કાર્યકર્તાઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે અહીં મુસ્લિમ ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.
યતિ નરસિંહાનંદ પર લગાવ્યો ‘ઇશનિંદા’નો આરોપ
નોંધનીય છે કે, 29 સપ્ટેમ્બર, 2024ના રોજ યતિ નરસિંહાનંદે ગાઝિયાબાદના હિંદુ ભવનમાં એક ભાષણ આપ્યું હતું. તેમના આ ભાષણને લઈને જ મુસ્લિમ કટ્ટરપંથીઓ હોબાળો કરી રહ્યા છે અને તેમને ‘સર તન સે જુદા’ની ધમકી આપી રહ્યા છે. મોહમ્મદ ઝુબૈરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની વિડીયો પોસ્ટ કરીને મુસ્લિમોને ઉશ્કેર્યા બાદ અનેક સ્થળોએ હિંસાના સમાચાર પણ સામે આવ્યા છે.
ભાષણમાં યતિ નરસિંહાનંદે કહ્યું હતું કે, “હજારો વર્ષો પહેલાં રાવણે એક નાની ભૂલ કરી હતી, તોપણ આપણે આજ સુધી તેના પૂતળાનું દહન કરીએ છીએ. પરંતુ હવે તેવા ગુનેગારો પેદા થયા છે કે, તેની સામે રાવણનું અસ્તિત્વ જ ફિક્કું લાગવા લાગે છે. હું આ મંચ પરથી તમામ હિંદુઓને કહેવા માંગુ છું કે, જો તમારે પૂતળું સળગાવવું જ છે તો મોહમ્મદના પૂતળાનું દહન કરો.” જોકે, હવે ડાસના દેવી મંદિરના પૂજારીના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે, ઇસ્લામવાદીઓ તેમને કથિત ‘ઇશનિંદા’ના આરોપસર ‘સર તન સે જુદા’ની ધમકી આપી રહ્યા છે.