Friday, November 22, 2024
More

    ‘એજન્ડાપ્રેરિત રિપોર્ટ, પોતાના દેશ પર જ ધ્યાન આપો’: અમેરિકી સંસ્થાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર કર્યું હતું ડહાપણ, સરકારનો કડક શબ્દોમાં જવાબ

    ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના એક કમિશને પ્રકાશિત કરેલા રિપોર્ટને કેન્દ્ર સરકારે કડક શબ્દોમાં નકારી દીધો છે અને કહ્યું છે કે તે પોલિટિકલ એજન્ડા ચલાવવા માટે લાવવામાં આવ્યો છે, જેમાં ભારત વિરુદ્ધ જાણીજોઈને ખોટો નરેટિવ ઘડવાનો પ્રયાસ થયો છે. 

    ગુરુવારે (3 ઑક્ટોબર) અઠવાડિક પ્રેસવાર્તા દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે આ રિપોર્ટ પર સરકાર તરફે પક્ષ મૂક્યો હતો. 

    તેમણે કહ્યું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ પર અમારા વિચાર જગજાહેર છે. તે એક પક્ષપાતી સંગઠન છે, જેના પોતાના રાજકીય એજન્ડાઓ છે. તે કાયમ ખોટાં તથ્યોનો સહારો લઈને નરેટિવ ઘડવાનો પ્રયાસ કરતું રહે છે. અમે આ રિપોર્ટને નકારી કાઢીએ છીએ, જે બીજું કાંઈ નહીં કરે પણ USCIRFની શાખને જ આગળ જતાં નુકસાન કરશે.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે USCIRFને પણ વિનંતી કરીએ છીએ કે આવા એજન્ડાપ્રેરિત પ્રયાસોથી તેઓ દૂર રહે. તેના કરતાં તેઓ અમેરિકામાં જ માનવાધિકારના વિષયો પર વધુ કામ કરવામાં પોતાનો સમય રોકે તે સલાહભર્યું છે.” 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાની આ સંસ્થાએ એક રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાં હોવાનાં રોદણાં રડ્યાં હતાં. પરંતુ હવે કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે.