તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને (UNGA) સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન શહબાઝ શરીફે કાશ્મીર, આર્ટિકલ 370 અને ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવતો હોવાનાં રોદણાં રડ્યા બાદ ભારતીય અધિકારીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને હવે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) પોતાના સંબોધનમાં પાકિસ્તાનને ફટકાર્યું છે.
વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા થતો સરહદપારનો આતંકવાદ ક્યારેય સફળ થશે નહીં અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સાથે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની આજે જે કાંઈ હાલત છે તે તેનાં પોતાનાં કર્મોના કારણે છે, તેના માટે ભારત કે દુનિયાને દોષ આપવાનું તેઓ બંધ કરી દે.
તેમણે UNGAમાં સંબોધન કરતાં કહ્યું, “અનેક દેશો અમુક એવા સંજોગોના કારણે પાછળ રહી ગયા છે, જેની ઉપર નિયંત્રણ તેમના હાથમાં નથી હોતું. પરંતુ અમુક એવા પણ છે, જેમણે જાણીજોઈને એવા વિકલ્પો પસંદ કર્યા છે, જેનાં દુષ્કર પરિણામો ભોગવવાં પડ્યાં હોય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ અમારું પાડોશી પાકિસ્તાન છે.”
#WATCH | New York | At the UNGA, EAM Dr S Jaishankar says, "Many countries get left behind due to circumstances beyond their control but some make conscious choices with disastrous consequences. A premier example is our neighbour Pakistan. Unfortunately, their misdeeds affect… pic.twitter.com/TUw4tYLrc7
— ANI (@ANI) September 28, 2024
આગળ તેમણે ઉમેર્યું, “દુર્ભાગ્યે તેમની આ કરતૂતો અન્યોને પણ અસર કરે છે અને ખાસ કરીને પાડોશીને વધુ અસર થાય છે. જ્યારે આ પ્રકારની નીતિઓ લોકોનામાં કટ્ટરતા કે ધર્માંધતા ભરી દે ત્યારે પછી તેની GDP પણ કટ્ટરપંથ કેટલો છે અને કેટલો આતંકવાદ પેદા કરે છે તેની ઉપર જ મપાય છે.”
વિદેશ મંત્રીએ કહ્યું કે, “આજે દુનિયા જોઈ શકે છે કે પાકિસ્તાને અન્યોને નુકસાન પહોંચાડવા માટે પેંતરા કર્યાં તે હવે તેમના જ સમાજને નુકસાનકારક સાબિત થઈ રહ્યાં છે. તેઓ દુનિયાને દોષ આપી શકે નહીં, આ માત્ર તેમનાં કર્મ છે.”
પાકિસ્તાનના વડાપ્રધાને UNGAમાં સંબોધન કરતી વખતે આર્ટિકલ 370 પરત લેવાની વાત કહી હતી અને કાશ્મીરીઓની સરખામણી પેલેસ્ટેનિયનો સાથે કરીને કહ્યું હતું કે, કાશ્મીરના લોકો પણ સદીઓથી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સાથે ભારતમાં ‘હિંદુ સુપ્રીમિસ્ટ’ એજન્ડા હેઠળ મુસ્લિમોને હેરાન કરવામાં આવતાં હોવાનાં ગપ્પાં ચલાવ્યાં હતાં.
#WATCH | New York, US | 79th session of the UN General Assembly | EAM Dr S Jaishankar says, "We heard some bizarre assertions from this very forum yesterday. Let me make India's position very clear – Pakistan's policy of cross-border terrorism will never succeed. And it can have… pic.twitter.com/eLzwy6ahu5
— ANI (@ANI) September 28, 2024
આ બાબત પર વિદેશ મંત્રીએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે, “અમારી વચ્ચેનો વિવાદ માત્ર એક જ કિસ્સામાં ખતમ થઈ શકે એમ છે, પાકિસ્તાન ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી ભારતીય જમીન ખાલી કરી દે. બીજું, વર્ષોથી જે પાકિસ્તાને આતંકવાદ સાથે ઘરોબો કેળવી લીધો છે, તેને છોડી દે.”
તેમણે કહ્યું, “UNGAના મંચ પર અમુક વિચિત્ર અને હાસ્યાસ્પદ દાવાઓ કરવામાં આવ્યા. હું બહુ સ્પષ્ટપણે ભારતનો પક્ષ મૂકી રહ્યો છું. પાકિસ્તાનનું ક્રોસ બોર્ડર ટેરેરિઝમ ક્યારેય સફળ થશે નહીં. તેમણે ક્યારેય સજામાંથી મુક્તિ મળશે તેની આશા રાખવી નહીં. ઉપરથી જે કૃત્યો કરવામાં આવશે તેનો સ્પષ્ટ પ્રતિકાર કરવામાં આવશે.”