યોગી મોડેલ અપનાવતાં મંત્રી વિક્રમાદિત્ય સિંઘે (Vikramaditya Singh) કરેલી ખાણીપીણીની દુકાનો પર માલિકોનાં નામ દર્શાવવાના આદેશની જાહેરાત બાદ રેલો આવતાં હિમાચલની કોંગ્રેસ સરકારે (Himachal Pradesh Government) ફેરવી તોળ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે (Congress) તેડું મોકલ્યા બાદ અને સોશિયલ મીડિયા પર પણ લિબરલ-વામપંથી ગેંગ સામી ફરી વળ્યા બાદ કહેવામાં આવ્યું કે આવો કોઈ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે (26 સપ્ટેમ્બર) હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડરો માટે એક પોલિસી બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે ચોખવટ કરતાં કહ્યું કે, “હજુ સુધી રાજ્ય સરકારે સ્ટોલ પર વેન્ડરોને નેમપ્લેટ કે અન્ય ઓળખની વિગતો જાહેર કરવાનો આદેશ આપવા મામલે કોઈ નિર્ણય કર્યો નથી.”
પ્રવક્તાએ જણાવ્યું કે, સમિતિમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના ધારાસભ્યો છે અને તે સરકારને કોઈ પણ ભલામણ સોંપતાં પહેલાં તમામ હિતધારકો સાથે ચર્ચા કરશે. તેમજ કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં પૂરતી વિચારણા કરવામાં આવશે.
અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડની નારાજગી બાદ આ યુ-ટર્ન લેવામાં આવ્યો છે. જે અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલના પ્રભારી રાજીવ શુક્લા સાથે વાતચીત કરી હતી અને મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુ અને મંત્રી વિક્રમાદિત્ય સિંઘને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાજીવ શુક્લાએ બંને નેતાઓ સાથે વાતચીત કરીને સંદેશ પહોંચાડ્યો હતો.
નોંધવું જોઈએ કે આ પહેલાં ગુરુવારે (26 સપ્ટેમ્બર) સમાચાર આવ્યા હતા કે હિમાચલમાં વિક્રમાદિત્ય સિંઘે આદેશ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ છે અને આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળવા માટે તેમને કહેવામાં આવ્યું છે.
રાજીવ શુક્લાએ પણ પછીથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હજુ સુધી હિમાચલ સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યું, “મેં મુખ્યમંત્રી અને વિક્રમાદિત્ય સિંઘ બંને સાથે વાત કરી છે. હકીકત એ છે કે એક સમિતિ બનાવવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય એ છે કે સ્ટ્રીટ વેન્ડરો માટે એક પોલિસી બનાવીને તેમને લાયસન્સ આપવામાં આવે અને નિયમન કરવામાં આવે, જેથી તેમને કોઈ હેરાનગતિ ન થાય. તેમનાં નામો દર્શાવવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.”
તેમણે આગળ યોગી સરકારની ટીકા કરતાં કહ્યું કે, “યોગી પેટર્ન જેવું કશું જ નથી. ત્યાં બધું જ રાજકીય અને સાંપ્રદાયિક થઈ ગયું છે. હું સ્પષ્ટ કરવા માંગું છું કે હિમાચલના મુખ્યમંત્રી તરફથી આવા (નામ પ્રદર્શિત કરવાના) કોઈ આદેશ પસાર કરવામાં આવ્યા નથી.
વિક્રમાદિત્ય સિંઘે આપ્યો હતો આદેશ
હમણાં કોંગ્રેસ નેતાઓ ભલે ડાહી-ડાહી વાતો કરતા હોય પરંતુ હકીકત એ છે કે વિક્રમાદિત્ય સિંઘે આ આદેશ આપવામાં આવશે તેવું જાહેર જ કરી દીધું હતું.
એક ફેસબુક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, “હિમાચલમાં લારીધારકોના ભોજનાલય અને ફાસ્ટફૂડ સ્ટોલ પર માલિકની ID લગાવવામાં આવશે, જેથી લોકોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય. આ માટે ગઈકાલે જ અર્બન ડેવલપમેન્ટ એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકમાં નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. જય શ્રીરામ.”
પરંતુ જેવી આ જાહેરાત થઈ કે સોશિયલ મીડિયા પર કોંગ્રેસી ગેંગે વિલાપ શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ હાઈકમાન્ડના ધ્યાને આવતાં તેમણે પણ ઠપકો આપ્યો હતો.