એશિયાઈ સિંહો (Asiatic Lions) ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે. આ સિંહો ગુજરાતનું ગૌરવ છે તથા ‘ગીર રક્ષિત વિસ્તાર’માં (Gir Somnath) જ જોવા મળે છે. ત્યારે આ સિંહો અને અન્ય પ્રાણીઓના જતન અને સંવર્ધન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે (Central Government) એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુના લગભગ 1.8 લાખ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ (Eco Sensitive Zone) જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર ટેક્નોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરે છે. ત્યારે રાજ્ય સરકારે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ માટે કરેલી દરખાસ્તના આધારે કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ની આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું હતું.
સિંહોની અવરજવરવાળા 4 કોરિડોર આવરી લેવાયા
ઉલ્લેખનીય છે કે વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિમી અને વધુમાં વધુ 9.50 કિમી રાખવામાં આવ્યું છે. તથા નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીઓના રિવર કોરિડોર અને સિંહોના અવરજવરવાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે.
‘ઇકો-સેન્સિટિવ ઝોન’ અંતર્ગત 196 ગામોનો સમાવેશ
‘ઇકો-સેન્સિટિવ ઝોન’ અંતર્ગત ત્રણ જિલ્લાના કુલ 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. જે જિલ્લાઓમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. તથા અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો અને ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાને મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો નિયમ છે. પરંતુ જ્યાં સુધી રક્ષિત વિસ્તારનો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર ન થયો હોય ત્યાં સુધી રક્ષિત વિસ્તારની ફરતે 10 કિમી ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ અમલમાં રહે છે. જેથી ગીર રક્ષિત વિસ્તારની ફરતે પણ 10 કિમી સુધી ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ અમલમાં હતો.
ઉલ્લેખનીય છે કે સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના આધારે કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ની આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું હતું.