હાલ ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે (Israel) મંગળવારે (24 સપ્ટેમ્બર) દક્ષિણ લેબનાનમાં (South Lebanon) આતંકી સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah) વિરુદ્ધ સૌથી મોટો હવાઈ હુમલો (Air Strike) કર્યો. આ હુમલામાં ઇઝરાયેલે હિઝબુલ્લાહ આતંકવાદીઓ જ્યાં હથિયાર છુપાવી રાખતા હતા એવાં ઘરો પર નિશાન સાધ્યા હતા. જોકે એરસ્ટ્રાઇક કરતાં પહેલાં ઇઝરાયેલે સ્થાનિકોને તે વિસ્તાર છોડી દેવાની ચેતવણી પણ આપી હતી. હુમલામાં 500થી લોકોનાં મૃત્યુ અને 1600થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યા હતા.
ઇઝરાયેલે કરેલ આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહે 25 સપ્ટેમ્બરે તેના ટોચના કમાન્ડર ઇબ્રાહિમ મોહમ્મદ કોબેસ્સીના મૃત્યુની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહે કોબેસ્સીને ‘જેરૂસલેમના માર્ગ પર શહીદ થયો’ એમ કહીને શહીદ ગણાવ્યો હતો. જોકે આ વાક્ય હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા આતંકીઓ માટે વાપરવામાં આવે છે.
ઇઝરાયેલી સૈન્ય અનુસાર કોબેસ્સી સિવાય પણ તેના દળના જ ઓછામાં ઓછા અન્ય બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ પર સતત થઇ રહેલ ઇઝરાયેલના હુમલા તથા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ એક વર્ષથી ચાલી રહેલ આ સંઘર્ષથી વિશ્વના મધ્ય પૂર્વ ભાગ અસ્થિર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ ફ્રાન્સની વિનંતી પર ઇઝરાયેલ અને આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે મધ્ય પૂર્વના લેબનાનમાં લડાઇ અને તણાવ મામલે 25 સપ્ટેમ્બરે સાંજે બેઠક યોજવાની જાહેરાત કરી હતી. આ અંગે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે X પર પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી હતી.
The situation in Gaza is a non-stop nightmare that threatens to take the entire region with it.
— António Guterres (@antonioguterres) September 24, 2024
Lebanon is at the brink.
The people of Lebanon, the people of Israel and the people of the world cannot afford Lebanon to become another Gaza.
તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ગાઝાની પરિસ્થિતિ એ એક અવિરત ચાલી રહેલ દુઃસ્વપ્ન સમાન છે જે સમગ્ર પ્રદેશ માટે ચિંતાજનક છે. લેબનોન પડી ભાંગવાની અણી પર છે. લેબનાનના લોકોને, ઇઝરાયેલના લોકોને અને વિશ્વના લોકોને લેબનાન બીજું ગાઝા બનશે તે પરવડી શકશે નહીં.”
આ ઉપરાંત બ્રિટને લેબનાનમાં હાજર રહેલા તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે લેબનાન છોડી દેવા માટે સૂચના આપી હતી તથા તેના નાગરિકોને બૈરુત (લેબનાનની રાજધાની) મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આગળ ‘ખરાબ દિવસો’ની આગાહી કરતા કહ્યું હતું, “હું ઇઝરાયેલની નીતિ સ્પષ્ટ કરવા માંગુ છું. અમે ધમકીની રાહ જોતા નથી, અમે તેનાથી આગળ છીએ”. આ સિવાય એક વિડીયોમાં વડાપ્રધાન નેતન્યાહુએ લેબનાનના નાગરિકોને કહ્યું કે ઇઝરાયેલનું અભિયાન તેમની વિરુદ્ધ નથી. આ સિવાય તેમણે હિઝબુલ્લાહ સામાન્ય લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયાથી જ ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ આતંકીઓના પેજર્સ અને અન્ય સાધનો પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ સિવાય હિઝબુલ્લાહના અડ્ડાઓ પર હુમલો કરીને તેના રોકેટ લોન્ચર્સ સહિતના અત્યાધુનિક હથિયારો તબાહ કરવામાં આવ્યાં હતાં.