મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોપાલની ખાનગી શાળામાં ભણાવતા શિક્ષક કાસિમ રેહાને ત્રણ વર્ષની બાળકીનો રેપ કર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપી શિક્ષક શાળામાં કોંપ્યુટર ભણાવતો હોવાનું સામે આવ્યું છે. ઘટના ત્યારે સામે આવી, જયારે બાળકીએ તેની માતાને ગુપ્તાંગના ભાગે ઘા બતાવ્યા. આ મામલે કાસીમની ધરપકડ કરી લેવામાં આવી છે, તો બીજી તરફ ખાનગી સ્કૂલ પર ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયત્ન કરવાના આરોપ પણ લાગી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગત 16 સપ્ટેમ્બર 2024ની છે. કમલા નગર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક પરિવારે પોતાની ત્રણ વર્ષની બાળકીને નજીકની સ્કૂલમાં ભણવા મૂકી હતી. તેવામાં ગત સોમવારે જયારે બાળકી શાળાએથી ઘરે આવી ત્યારે તેની માતાને અજુગતું લગતા તેમણે તપાસ કરી. તપાસ કરતા જ માતાને બાળકીના ગુપ્તાંગના ભાગે ઘા જોવા મળ્યા. માતાએ પૂછા કરતા બાળકીએ કાસિમ રેહાને તેની સાથે કરેલી હરકત કહી સંભળાવી. ઘટના વિષે જાણીને બાળકીના પરિવાર માથે જાણે આભ ફાટી પડ્યું.
#WATCH | Bhopal, Madhya Pradesh: Bhopal Police Commissioner, Harinarayan Chari Mishra says, "A complaint was filed in the Kamlanagar police station regarding molestation with a 3.5-year-old girl…The accused in this incident is the teacher of the school who has been arrested by… pic.twitter.com/B1EfgqLNYK
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 18, 2024
બાળકીની વાત સાંભળી તેના માતાપિતા તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા અને શાળા પ્રશાસનને ઘટના વિશે માહિતી આપી. જોકે પરિવારે આરોપ લગાવ્યો કે તેમની બાળકી સાથે થયેલી બર્બરતા પર શાળાએ ધ્યાન ન આપ્યું અને ઉલટાનું તેઓ ઘટના પર ઢાંકપિછોડો કરવા લાગ્યા. જે બાદ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને જઈ સ્કૂલમાં કોમ્પ્યુટર અને આઈટી ભણાવતા કાસિમ રેહાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ દાખલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી.
શાળા પર ઢાંકપિછોડો કરવાનો આરોપ, મેડીકલમાં ઘટનાની પુષ્ટિ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાને લઈને પરિજનો દ્વારા શાળા પર પણ આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે સ્કૂલના પ્રિન્સીપાલ અને પ્રશાસન પર ઘટનાને દબાવવાના પ્રયત્ન કરવાના આરોપ લગાવ્યા હતા. જોકે બીજી તરફ શાળાએ તમામ આરોપો નકારી કાઢ્યા છે. શાળાના પ્રિન્સીપાલ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે બાળકીના માતા પિતા અમને મળવા જ નથી આવ્યા. અમને પોલીસ દ્વારા ઘટનાની જાણ થઈ છે. પ્રિન્સીપાલનું કહેવું છે કે તેઓ ઘટનામાં પીડિત પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
બીજી તરફ પોલીસ ફરિયાદ બાદ બાળકીનું મેડીકલ કરાવવામાં આવતા તેમાં પણ તેની સાથેના દુષ્કૃત્યની પુષ્ટિ થઈ છે. આ મામલે પોલીસ કમિશનર હરિનારાયણ મિશ્રએ મીડિયાને જણાવ્યું હતું કે, “પ્રાથમિક મેડિકલ તપાસમાં પુષ્ટિ થયા બાદ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. તેના વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી તે જ સ્કૂલમાં ભણાવતો હતો. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.”
ઘટનાને લઈને સરકાર પણ હરકતમાં
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને સરકાર પણ હરકતમાં આવી છે. આ મામલે શિક્ષણ મંત્રી ઉદય પ્રતાપ સિંઘે કહ્યું છે કે, “આ અપરાધ દંડનીય છે, વ્યક્તિ તો દોશી છે જ, પણ જો પ્રશાસન પણ દોશી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રદેશ ખૂબ મોટો છે, આખા પ્રદેશમાં લગભગ 50 હજારથી વધુ શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં લગભગ સવા કરોડ બાળકો ભણે છે. તેવામાં આ પ્રકારની ઘટનાઓ પડકારજનક છે. પરંતુ સરકાર આ મામલે ગંભીરતાથી કામ લઈને કામગીરી કરશે.”
નોંધનીય છે કે ત્રણ વર્ષની બાળકીનો રેપ કરવા મામલે પરિવારની ફરિયાદ પર પોલીસે આરોપી કાસિમ રેહાન વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો ઉપરાંત પોક્સો સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. આરોપી હાલ પોલીસની ન્યાયિક કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.