Friday, November 22, 2024
More
    હોમપેજદેશLAC નજીક ઑલ વેધર રોડ, વિશ્વની સૌથી ઊંચી ટનલ….જે લદ્દાખ માટે નેહરુએ...

    LAC નજીક ઑલ વેધર રોડ, વિશ્વની સૌથી ઊંચી ટનલ….જે લદ્દાખ માટે નેહરુએ કહ્યું હતું- ‘ઘાસનું તણખલું નથી ઊગતું’, ત્યાં મોદી રાજમાં મજબૂત થઈ રહ્યું છે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    મોટી-મોટી વાતો કરવી જુદી વાત છે અને જમીન પર કામ કરવું જુદી વાત. એક સમયે આપણે સરકારની ભૂલના કારણે જમીન ગુમાવી હતી, આજે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બની રહ્યું છે. કોણ કહે છે વિકાસ નથી થયો? 

    - Advertisement -

    એક હતા મહાન દાર્શનિક રાજનેતા જવાહરલાલ નેહરુ. મોહનદાસ ગાંધીની કૃપાથી પછીથી આપણા પહેલા વડાપ્રધાન બન્યા. હમણાં એક ચાવાળો સામાન્ય માણસ વડાપ્રધાન છે. બંનેની સરખામણી કરીએ તો કોંગ્રેસી ગુલામો ઉકળી ઉઠે છે. વાત એક રીતે સાચી પણ છે. સરખામણી કરવી એ નરેન્દ્ર દામોદરદાસ મોદીનું અપમાન છે. પણ હવે વાત નીકળી જ છે તો આગળ વધારીએ. 

    નેહરુના વડપણ હેઠળ આપણે 1962માં ચીન સામે લડ્યા અને એવો દૂર્ભાગ્યપૂર્ણ પરાજય વેઠવો પડ્યો, જેનાથી પ્રથમ પ્રધાનમંત્રીની કારકિર્દી પર એક ડાઘ લાગી ગયો, જે આજે પણ સાફ થઈ શક્યો નથી. અક્સાઈ ચીન આપણે ગુમાવ્યું અને ત્યાં ચીન કબજો કરી બેઠું. નેહરુની અણઘડ નીતિઓ અને તેમના અમુક સાથીઓની બેદરકારી કે વધારે પડતી હોંશિયારીની દેશે કિંમત ચૂકવી. આ ભૂલો માટે પછીથી ‘હિમાલયન બ્લન્ડર’ નામનો એક શબ્દ બહુ પ્રચલિત બન્યો, જે ખરેખર તે સમયે ભારતીય સેનામાં બ્રિગેડિયર રહી ચૂકેલા જે. પી દળવીના એક પુસ્તકનું નામ છે. પુસ્તકમાં તેમણે વિગતવાર, વિસ્તૃત વર્ણન કર્યું છે અને આ યુદ્ધનું વિશ્લેષણ કર્યું છે. વસાવવા અને વાંચવા જેવું પુસ્તક છે. 

    1962ના યુદ્ધની અને નેહરુની નીતિઓની વાત કરવાથી વિષયાંતર થઈ જશે, પણ તે સમયનું તેમનું એક બયાન બહુ જાણીતું છે. 1962માં ચીન સામે યુદ્ધ થયું પણ તે પહેલાં તેના ભણકારા ઘણાં વર્ષોથી વાગતા રહેતા હતા. સંસદમાં ચર્ચા ચાલતી, સેનાઓ અંદરોઅંદર તૈયારી કરતી, ચીન સાથે પણ ઘણી વખત વાતચીતો થઈ હતી, તિબેટ સરહદને લઈને પણ વિવાદો ચાલતા રહ્યા. આવા સમયે નેહરુએ આ ‘ઐતિહાસિક’ નિવેદન કર્યું હતું. 

    - Advertisement -

    10 સપ્ટેમ્બર, 1959ના દિવસે જ્યારે રાજ્યસભામાં ભારત-ચીનના તણાવભર્યા સંબંધોને લઈને ચર્ચા થતી હતી ત્યારે એક પ્રશ્નના જવાબમાં તત્કાલીન વડાપ્રધાન અને વિદેશ મંત્રી જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, લદાખ ઊંચાઈ પર આવેલી એવી જગ્યા છે, જ્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી. 

    નેહરુએ કહ્યું હતું કે, ‘અમને જ્યારે એક વર્ષ પહેલાં 1958માં ખબર પડી કે લદ્દાખના ઉત્તર પૂર્વ ખૂણે યેહોંગ સુધી રસ્તા બની ગયા છે તો અમે ચિંતિત થઈ ગયા હતા. અમને ખબર ન હતી કે એ ક્યાં બનાવવામાં આવ્યો છે. માનનીય સાંસદે પૂછ્યું છે કે તમને અગાઉથી કેમ ખબર ન હતી? આ પ્રશ્ન બરાબર છે પણ હકીકત એ છે કે આપણે એ ક્ષેત્રના 10૦ માઈલ અંદર પણ નથી. આ એક નિર્જન ક્ષેત્ર છે અને કોઇ પણ પ્રકારના પ્રશાસનને આધીન નથી. ત્યાં કોઇ રહેતું નથી અને 17 હજાર ફિટ ઊંચો એવો વિસ્તાર છે કે ઘાસનું તણખલું પણ ઉગતું નથી.’

    10 સપ્ટેમ્બર, 1959ના રોજ રાજ્યસભામાં જવાહરલાલ નેહરુએ આપેલો જવાબ

    હમણાં દેશના વડાપ્રધાન સંસદમાં કહે કે ચીને હાલ આપણી એક ઇંચ જમીન પણ કબજે કરી નથી તો કોંગ્રેસીઓ હોહા કરી મૂકે છે, જ્યારે વડાપ્રધાન જે કહે છે તેના પુરાવા છે. બીજી તરફ, નેહરુના આવા બાલિશ નિવેદનનો બચાવ કરનારાઓ પણ તમને મળશે. પણ કહેવાનો અર્થ એટલો જ છે કે દેશના વડાપ્રધાન જો કોઈ વિસ્તાર વિશે આવું કહે તો તેના પ્રત્યે તેમની અને તેમની સરકારની ગંભીરતા કેટલી હશે એ સમજી શકાય એમ છે. આ બાબતનો પુરાવો પછીથી મળ્યો પણ ખરો, જ્યારે ચીને આપણી ભૂમિ કબજે કરી લીધી. 

    તે નેહરુકાળ હતો, આ મોદીકાળ છે. 

    આજે આ લદ્દાખ અને આસપાસના વિસ્તારોથી માંડીને છેક અરુણાચલ પ્રદેશ સુધી સરહદ પર તેજગતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનાં કામો ચાલી રહ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં પૂરજોશથી આ કામો થાય છે ને એ હવે તો નરી આંખે દેખાય છે. 

    આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સમાચાર આવ્યા, જે જણાવે છે કે ચીન સરહદે BRO દ્વારા ‘બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ’ પૂર ગતિ સાથે ચાલી રહ્યા છે અને લેહ જવા માટે ત્રીજો રૂટ બનાવવાનું કામ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ રસ્તો મહત્ત્વનો એટલા માટે પણ છે કારણ કે તે તૈયાર થઈ ગયા પછી ઓલ વેધર કનેક્ટિવિટી મળશે. 

    રિપોર્ટ જણાવે છે કે, હાલ લેહ જવા માટે ત્રણ રૂટ છે. પહેલો વાયા શ્રીનગર-કારગિલ થઈને જાય છે. બીજો રસ્તો મનાલી-રોહતાંગ થઈને જાય છે. આ રસ્તો આગળ જઈને બે ભાગમાં વહેંચાય જાય છે અને એક રૂટ પદમ અને નીમુ થઈને લેહ સાથે જોડ છે અને બીજો હિમાચલ પ્રદેશના બારાલાચા લા અને લદ્દાખમાં તંગલાંગ લાના પહાડોને પાસ કરીને લેહને જોડે છે. પણ સમસ્યા એ છે કે આ બંને રૂટ પાસે ઓલ વેધર કનેક્ટિવિટી નથી. પણ નવો રસ્તો બની રહ્યો છે, તે બારેમાસ કોઇ પણ પરિસ્થિતિમાં ઉપયોગમાં લઇ શકાશે. 

    હાલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO, જે રક્ષા મંત્રાલય હેઠળ આવે છે અને સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે) આ ત્રીજા રૂટ પાછળ કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં નીમુ-પદમ-દરચા રોડના ચાર કિલોમીટરના અનકટ ભાગને જોડવામાં આવશે અને મનાલી-દરચા-પદમ-નીમુ એક્સિસ પર શિંકુ લા ટનલ પર 4.1 કિલોમીટરનું બાંધકામ કરવામાં આવશે. બંને કાર્યો હાલ પ્રાથમિક ધોરણે કરવામાં આવી રહ્યાં છે. જેમાંથી 4 કિલોમીટરના અનકટ ભાગને દોડવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે અને રોડ પણ તૈયાર થઈ ગયા છે. બાકીનું વધેલું કામ આગામી અમુક અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે. 

    વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે શિંકુ લા 

    શિંકુ લા ટનલની વાત આવી છે તો નોંધીએ કે ગત જુલાઈમાં જ દ્રાસની મુલાકાત વખતે PM મોદીએ આ ટનલના બાંધકામ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ વિશ્વની સૌથી ઊંચી ટનલ (લગભગ 15,800 ફિટ પર) હશે, જેનું કામ પણ પૂર્ણગતિએ થઈ રહ્યું છે અને આગામી અમુક અઠવાડિયાંમાં પૂર્ણ પણ થઈ જશે. આ ટનલ બન્યા પછી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 60 કિલોમીટર જેટલું ઘટી જશે અને નીમુ-દરચા રોડને પણ કનેક્ટિવિટી આપશે. આ આખો રૂટ એ લેહ જવા માટેનો ત્રીજો રૂટ હશે, જે ઓલ વેધર કનેક્ટિવિટી ધરાવશે. 

    એક્સપ્રેસના રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે, પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલની (વાસ્તવિક નિયંત્રણ રેખા, જે ચીન સાથેની સરહદ છે) સમાનાંતરે ભારતીય બાજુએ આવેલા રોડની કનેક્ટિવિટી સ્થાપિત કરવા માટે હાલ BRO કામ કરી રહ્યું છે અને આ સૌથી પહેલી પ્રાથમિકતા છે. વધુ વિગતો જોઈએ તો, 255 કિમી લાંબા દરબક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ સિવાય હાલ LACની સમાનાંતર અન્ય 2 રોડ પણ છે. એક રોડ લેહ અને ડેમચોકને કારુ અને ન્યોમા સાથે જોડે છે અને બીજો દરબકથી ન્યોમા વાયા ચુશુલ જાય છે, જે પેંગોંગ લેકની દક્ષિણે સ્થિત છે. 

    પૂર્વ લદ્દાખમાં લેહ-ડેમચોક રોડની કનેક્ટિવિટી હાલ BRO માટે પ્રાથમિકતા છે અને તેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્લસ, રોડ એ રીતે બનાવવામાં આવ્યા છે કે ભવિષ્યમાં ડબલ લેન પણ કરી શકાય. આ બધાં જ કામો લદ્દાખમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્કર તૈયાર કરવા માટે અને LAC સુધી વધુ સારી કનેક્ટિવિટી મળી શકે તે માટે કરવામાં આવી રહ્યાં છે. 

    2020થી કામ ગતિમાં, સરકારે 30% વધાર્યું BROનું બજેટ 

    રિપોર્ટ જણાવે છે કે 2020થી લદ્દાખ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે અને છેલ્લાં ચાર વર્ષમાં તો અનેક રસ્તા, પુલો, ટનલથી માંડીને એમ્યુનેશન ડેપો વગેરે નિર્માણ પામ્યાં છે. બાકી જે કામ રહ્યું છે તેને પણ BRO દ્વારા પ્રાથમિક ધોરણે હાથ પર લઈને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. સરકાર કેટલી ગંભીર છે તેનો અંદાજો એ બાબત પરથી પણ લગાવી શકાય તેમ છે કે આ વર્ષનું BRO માટેનું બજેટ ₹6500 કરોડ ફાળવવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 30% જેટલું વધુ છે. 

    હજુ આગામી મહિનાઓમાં BRO અરૂણાચલ પ્રદેશમાં 1800 કિલોમીટર લાંબો ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઈ રહ્યું છે. જે બોમડિલા, નફરા, હૂરી અને વિજયનગરને જોડશે. આ હાઈવેના નિર્માણ માટે કેન્દ્ર સરકારે લગભગ 6 હજાર કરોડનું ફંડ ફાળવ્યું છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં અખનૂર-પૂંછ નેશનલ હાઈવે પર 2.79 કિલોમીટર લાંબી એક ટનલ બનાવવામાં આવી રહી છે, જે ભારત-ચીન સરહદ પરના લિપુલેખ પાસને કનેક્ટિવિટી આપશે. આ ટનલ તૈયાર થઈ ગયા બાદ રાજૌરી અને પૂંછ પહોંચવા માટે ઓછો સમય જશે, જે સેનાને આશિર્વાદ જેવું સાબિત થશે. 

    આ મુખ્ય-મુખ્ય પ્રોજેક્ટની વાત થઈ. આ સિવાય પણ અનેક પ્રોજેક્ટ BRO હેઠળ ચાલી રહ્યા છે અને મૂળ ઉદ્દેશ્ય ચીન સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનો છે. જવાહરલાલ નેહરુને આવ્યો હતો એવો વિચાર કોઇને આવે કે સરકાર ત્યાં આટલા રૂપિયા શું કામ ખર્ચી રહી છે, તો નોંધવું રહ્યું કે આ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના નહેરૂકાળમાં 1960માં જ થઈ હતી, ચીન સાથેનાં યુદ્ધનાં 2 વર્ષ પહેલાં. ત્યારે પૂરતી સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે સેનાએ બહુ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. તેનો જ લાભ લઈને પછીથી ચીન આવી ચડ્યું હતું. 

    મોટી-મોટી વાતો કરવી જુદી વાત છે અને જમીન પર કામ કરવું જુદી વાત. એક સમયે આપણે સરકારની ભૂલના કારણે જમીન ગુમાવી હતી, આજે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બની રહ્યું છે. કોણ કહે છે વિકાસ નથી થયો? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં