તાજેતરમાં અયોધ્યા ખાતેથી એક ગેંગરેપનો કેસ આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી સમજવાદી પાર્ટીનો નેતા અને ફૈઝાબાદથી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ મોઇદ ખાન છે. તેની સાથે નોકર રાજુ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે થોડા દિવસ પહેલાં તંત્રે મોઇદ ખાનની માલિકીની એક બેકરી ધ્વસ્ત કરી દીધી હતી. ત્યારે હવે મોઇદ ખાનની માલિકીના એક કોમ્પ્લેક્સ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ કાર્યવાહી ગુરુવારે (22 ઑગસ્ટ) હાથ ધરવામાં આવી. આ કોમ્પ્લેક્સમાં અમુક એકમો ચાલતા હતા અને એક બૅન્ક પણ ચાલતી હતી. જગ્યા ગેરકાયદેસર હોવાનું સામે આવતાં તંત્રે બૅન્ક ખસેડવા માટે આદેશ આપ્યા હતા તેમજ અન્ય દુકાનો પણ બંધ કરાવી હતી. આખરે કોમ્પ્લેક્સ ખાલી થયા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. એકસાથે ત્રણ બુલડોઝર કામગીરીમાં લગાવવામાં આવ્યાં હોવાનું અહેવાલો જણાવે છે.
#WATCH | Ayodhya gang-rape incident | Police and administration carry out demolition drive at shopping complex owned by accused SP leader, for illegal construction. pic.twitter.com/r9TXr7Lidw
— ANI (@ANI) August 22, 2024
રિપોર્ટ અનુસાર, આ કોમ્પ્લેક્સનો ત્રીજા ભાગનો હિસ્સો સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો, જેમાં સરકારી બેન્ક પણ આવતી હતી. ત્યારબાદ પ્રશાસને આ ગેરકાયદેસર હિસ્સો દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ દુકાનદારોએ દુકાનો ખાલી કરવાની શરૂ કરી દીધી હતી. આખરે બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરાવી દેવામાં આવી.
આ મામલે સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી જ સતત મોઇદ ખાનને નોટિસ આપવામાં આવી રહી હતી, પરંતુ તે ન તો નોટિસ સ્વીકારતો હતો કે ન તંત્ર સમક્ષ શૉપિંગ કોમ્પ્લેક્સનો નકશો જમા કરાવી રહ્યો હતો. નોટિસનો જવાબ ન આપવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમના અનુસાર, અમુક હિસ્સો તળાવ અને ગ્રામ પંચાયતની જમીન પર બાંધવામાં આવ્યો હતો.
આ કેસ અયોધ્યાનો છે. આરોપ છે કે અહીં સમાજવાદી પાર્ટીના નેતા મોઇદ ખાન અને તેની બેકરી પર કામ કરતા રાજુએ મળીને એક 12 વર્ષીય સગીરાનો રેપ કર્યો હતો અને તેનો વિડીયો બનાવીને બંને બ્લેકમેલ કરતા હતા. આખરે 2 મહિના બાદ પીડિતા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો અને પરિવારને જાણ થઈ. હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યા બાદ બંને આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરી લેવાઈ હતી.
બીજી તરફ, પીડિત બાળકીના માતા-પિતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા. ત્યારબાદ તપાસ વધુ તેજ બની હતી અને ગત 3 ઑગસ્ટના રોજ મોઇદ ખાનની ગેરકાયદેસર બેકરી પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું હતું. હવે વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી છે.