‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતે એક વાંધાજનક નિવેદન આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે સ્પષ્ટ ધમકી સાથે ભારતનો હાલ બાંગ્લાદેશ જેવો કરવાની ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું કે, છેલ્લી વખતે લોકો ભડકી ઉઠ્યા હતા અને લાલ કિલ્લા તરફ જતાં રહ્યા હતા, તે પણ 25 લાખ લોકો હતા, સંસદ તરફ ટ્રેક્ટર વાળી દીધા હોત તો કામ તમામ થઈ ગયું હોત. આ સાથે બાંગ્લાદેશ રેપ-મર્ડર કેસને લઈને પણ તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, મમતા સરકાર વિરુદ્ધ પ્રોપગેન્ડા ઊભો કરવા માટે આ ષડયંત્ર રચાયું છે. તેમણે મહિલા ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાને મમતા વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી દીધું છે.
‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતે મેરઠની એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે ભારતનો હાલ બાંગ્લાદેશ જેવો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં 15 વર્ષથી જે માણસ સત્તા પર છે, વિપક્ષના બધા નેતા જેલમાં બંધ થઈ ગયા છે. તો આવો જ હાલ થાય છે. આવો જ હાલ અહીં પણ થશે.” તેમણે ધમકી આપતા કહ્યું કે, “આ લોકો શોધ્યા પણ નહીં મળે, જનતા ભડકી ઉઠી છે. જ્યારે આંદોલનના સમયે ખેડૂતો ટ્રેક્ટરો લઈને દિલ્હી ગયા હતા તો ત્યારે તેમને લાલ કિલ્લા પર મોકલી દેવાયા હતા. 25 લાખ લોકો હતા, ટ્રેક્ટર સંસદ તરફ વાળી દીધા હોત તો કામ તમામ થઈ ગયું હોત.”
Rakesh Tikait: "Why is this issue Highlighted? It is a CONSPIRACY against Bengal Govt
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 20, 2024
~ This Govt will have the same fate as Bangladesh. They diverted us to Red Fort during Tractor Parade or else we were 25 Lakhs & WOULD'VE DONE IT THAT DAY ITSELF."😧
Open THREAT 😱 pic.twitter.com/mywDbOLOnO
કોલકાતા રેપ-મર્ડર કેસ મમતા વિરુદ્ધ ષડ્યંત્ર -રાકેશ ટિકૈત
આ સાથે રાકેશ ટિકૈતનું એવું પણ કહેવું છે કે, “તે સમયે ચૂક થઈ ગઈ હતી અને આ વખતે સંપૂર્ણ તૈયારી છે અને બાંગ્લાદેશ જેવો હાલ થશે જરૂર, સરકાર શોધી નહીં મળે.” ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈત આટલે નથી અટકતા. તેમણે કોલકાતાના રેપ-મર્ડર કેસને પણ માત્ર એક ષડયંત્ર ગણાવી દીધું છે. જે કેસ માટે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે અને હાલ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી પણ ચાલી રહી છે, તેને રાકેશ ટિકૈતે મમતા સરકાર વિરુદ્ધ રચવામાં આવેલું ષડયંત્ર ગણાવી દીધું છે.
તેમણે કહ્યું કે, “કોલકાતામાં રેપ અને હત્યા થઈ, જેનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ આખા દેશમાં આ કેસને હાઇલાઇટ કરવો, શું સરકારને બદનામ કરવાનું ષડયંત્ર નથી? આ ષડયંત્ર છે. તેની પાછળનો ધ્યેય બંગાળમાં સરકાર તોડી પાડવાનો અને રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાનો છે.” રાકેશ ટિકૈતનું આ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયામાં તે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.