સુપ્રીમ કોર્ટે કોલકાતા ટ્રેની મહિલા ડૉક્ટર હત્યા કાંડ મામલે પોતે જ સંજ્ઞાન લઈને કાર્યવાહી આરંભી છે. સુઓમોટો બાદ હવે બહુચર્ચિત આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલશે. આ મામલે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખાસ પીઠ સુનાવણી કરશે. આગામી મંગળવારે (20 ઑગસ્ટ 2024) સુપ્રીમ કોર્ટની આ સ્પેશ્યલ બેંચે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. નોંધવા જેવુ છે કે, હાલ કેસ મામલેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી માહિતી અનુસાર, આ સ્પેશિયલ બેંચ મંગળવારે સવારે 10:30 વાગ્યે જ કેસની સુનાવણી કરશે. નોંધનીય છે કે, મંગળવારની કોર્ટ સૂચી અનુસાર, કેસ 66માં નંબર પર છે. પરંતુ તેમ છતાં બેંચે તેને પ્રયોરિટી પર લઈને સવારમાં જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અહીં નોંધવું જોઈએ કે, ગત 17 ઑગસ્ટે દેશવ્યાપી હડતાલ અને પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટને સ્વતઃ સંજ્ઞાન લઈને આ અંગે કાર્યવાહી હાથ ધરવા માટેનું કહેવામાં આવ્યું હતું.
The Supreme Court has taken suo motu cognizance of the rape and murder of a doctor at RG Kar Hospital in Kolkata. A bench led by Chief Justice of India (CJI) DY Chandrachud will hear the matter on Tuesday. pic.twitter.com/4QrfXrkn1x
— IANS (@ians_india) August 18, 2024
આ અરજીમાં ચીફ જસ્ટિસને કોલકાતાના ટ્રેની મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા મામલે સંજ્ઞાન લેવા આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે પોતે આ કેસમાં સુઓમોટો લઈને તેના પર સુનાવણીઓ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે અરજદારે કોર્ટને અનુરોધ કર્યો હતો કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ આરજી મેડીકલ કોલેજ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, તેની નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. તે મામલે કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ CBI તપાસ પણ ચાલી રહી છે. સાથે એ નોંધવું પણ જરૂરી છે કે, કલકત્તા હાઈકોર્ટે આ જ કેસ મામલે પશ્ચિમ બંગાળની મમતા સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે TMC સરકારની મશીનરીઓને લઈને પણ ટકોર હતી. અદાલતે હોસ્પિટલ પર થયેલા હુમલાને સરકારી મશીનરીઓની નિષ્ફળતા ગણાવી હતી. તે ઉપરાંત હાઈકોર્ટે અનેક મુદ્દે મમતા સરકારનો ઉધડો લીધો હતો. જોકે, હવે આ કેસ મામલેની સુનાવણી મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં જ થશે.