શુક્રવાર 16 ઑગસ્ટે ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા હરિયાણા રાજ્ય અને જમ્મુ-કાશ્મીર બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની (Legislative Election) તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન 3 તબક્કામાં યોજાશે. જ્યારે હરિયાણામાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
16 ઓગસ્ટે ભારતીય ચૂંટણી પંચના અધ્યક્ષ રાજીવ કુમારે આ વિશે માહિતી આપવા (Rajeev Kumar) નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે હરિયાણા (Haryana) અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જાહેરાત કરતાં તેમણે માહિતી આપી કે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબર 2024ના રોજ એક જ તબક્કામાં યોજાશે. જ્યારે 4 ઓકટોબરે મતગણતરી કરવામાં આવશે.
In true spirit of keeping promises, here is a shorter electioneering period and in the best possible conducive weather. Schedule for Elections in J&K to be held in 3 phases : CEC Kumar pic.twitter.com/ck9tFVoFFD
— Election Commission of India (@ECISVEEP) August 16, 2024
તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંગે માહિતી આપતાં જણાવ્યુ કે, ત્યાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન 3 તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 18 સપ્ટેમ્બરના રોજ, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરના રોજ અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરના રોજ યોજાશે. જેની મતગણતરી પણ 4 ઓકટોબરના રોજ કરવામાં આવશે.
અધ્યક્ષ રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરની મતદાર યાદી 20 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે. જ્યારે હરિયાણાની મતદાર યાદી 27 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે. હરિયાણામાં લગભગ 2 કરોડ મતદારો છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 8.70 લાખ મતદારો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં હવે પરિવર્તન આવી રહ્યું છે અને લોકોએ હિંસાને નકારી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદની જાહેરાત કરવામાં આવી ત્યારે એવી અટકળો ચાલી હતી કે, અધ્યક્ષ રાજીવ કુમાર હરિયાણા તથા ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર એમ ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીની તારીખો આપશે, પરંતુ અધ્યક્ષ રાજીવ કુમારે આ પત્રકાર પરિષદમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીર એમ બે જ રાજયોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવામાં થોડો સમય લાગશે.
નોંધનીય છે કે, વર્ષ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર રાજયનું નવેસરથી સીમાંકન કરવામાં આવ્યું હતું. જે બાદ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ. નવી સીમાંકન પ્રક્રિયા બાદ જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાની 47 બેઠકો છે. જેમાં અગાઉની બેઠકો કરતાં એક બેઠકનો વધારો થયો હતો.