પેરિસ ઓલમ્પિક્સમાં 50 કિલો વર્ગ મહિલા કુશ્તીની ફાઇનલમાં પહોંચ્યા બાદ ડિસ્કવોલિફાય થયેલી રેસલર વિનેશ ફોગાટને કોઇ મેડલ નહીં મળે. મહિલા પહેલવાને બહાર થયા બાદ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી છે. જેથી હવે અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.
#BREAKING: Indian Wrestler Vinesh Phogat’s appeal has been dismissed by the Court of Arbitration for Sports (CAS). pic.twitter.com/I6nxS2EIc4
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 14, 2024
કોર્ટે ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ કમિટીનો નિર્ણય માન્ય રાખ્યો છે. કોર્ટ સમક્ષ વકીલોએ દલીલ કરી હતી કે, મંગળવારે (આગલા દિવસે) સાંજે કુદરતી પ્રક્રિયાઓના કારણે વજન વધ્યું હતું અને પોતાના શરીરની કાળજી રાખવી એ ખેલાડીનો મૂળભૂત અધિકાર છે. દલીલો આપવામાં આવી કે પહેલા દિવસે વજન જે-તે મર્યાદા અનુસાર જ રહ્યું હતું અને ત્યારબાદ રિકવરીના કારણે વજન થોડુંઘણું વધ્યું હતું, પરંતુ તે કોઇ ફ્રોડ નથી. કોર્ટે આ દલીલ જોકે માન્ય રાખી નથી.
આ મામલે 8 ઑગસ્ટના રોજ અપીલ સ્વીકારવામાં આવ્યા બાદ 9 ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 13 ઑગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 13મીએ બંને પક્ષને સાંભળ્યા બાદ પોતાની દલીલોને સમર્થન આપતા વધુ પુરાવાઓ રેકર્ડ પર રજૂ કરવાનો સમય આપીને ડેડલાઈન 16 ઑગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી હતી. પરંતુ ચુકાદો હવે આવી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
વિનેશ ફોગાટને વધુ વજનના કારણે બહાર કરી દેવામાં આવી હતી. ઓલમ્પિક્સના નિયમો અનુસાર, 50 કિલો વર્ગ રેસલિંગ માટે વજન જાળવવું જરૂરી છે. ફાઈનલ મેચના દિવસે સવારે વજન કરવામાં આવતાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તે ફાઇનલમાં પહોંચી ગઈ હોવા છતાં ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી. ઓલમ્પિક્સમાં ડિસ્કવોલિફાય થયેલા ખેલાડીઓને પૉઇન્ટ્સ ટેબલમાં અંતિમ સ્થાન પર મોકલી દેવામાં આવે છે, આ સ્થિતિમાં કોઇ મેડલ મળવાની શક્યતાઓ રહેતી નથી.
વિનેશ ફોગાટ સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં પહોંચી હોવાના કારણે તેનો ગોલ્ડ કે સિલ્વરમાંથી એક મેડલ નિશ્ચિત હતો. જો જીત મળી હોત તો ગોલ્ડ જીત્યો હોત અને પરાજય પણ થયો હોત તો સિલ્વર મેડલ મળ્યો હોત. પરંતુ બરતરફ થવાના કારણે સિલ્વર મેડલ પણ મળી શક્યો નહીં. ત્યારબાદ વિનેશે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં અપીલ કરીને સિલ્વર મેડલની માંગ કરી હતી.
કોર્ટે આ અરજી સ્વીકારી લેતાં મેડલની આશા બંધાઈ હતી. ત્યારબાદ સુનાવણી પણ હાથ ધરવામાં આવી અને વિનેશ તરફથી ભારતના શ્રેષ્ઠ વકીલો પૈકીના એક હરીશ સાલવેએ પક્ષ રાખ્યો હતો. પહેલાં નિર્ણય 13 ઑગસ્ટની સાંજે સંભળાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી મામલો 16 ઑગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યો. પરંતુ બુધવારે (14 ઑગસ્ટ) સમાચાર પ્રાપ્ત થયા કે અપીલ ફગાવી દેવામાં આવી છે.