પશ્ચિમ બંગાળના કોલકાતાની સરકારી હોસ્પિટલ ખાતેથી પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ તપાસમાં સામે આવ્યું હતું કે મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. એક તરફ હત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો અને તેણે ગુનો કબૂલ કરી લીધો હતો. બીજી તરફ આ હિચકારી હત્યા બાદ આખા દેશમાં તેના પડઘા પડ્યા છે. એક તરફ કોલકાતા ટ્રેની ડૉક્ટર હત્યા મામલે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (FORDA)એ સોમવારે હડતાલની જાહેરાત કરતા દેશભરમાં સરકારી દવાખાનાઓની OPD બંધ છે. તો બીજી તરફ IMAએ પણ સ્વાસ્થ્યમંત્રીને પત્ર લખીને ત્વરિત ન્યાયની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર IMAના બંગાળના અધ્યક્ષ ડૉ. એસ શ્રીનિવાસને તાજેતરમાં જ એક નિવેદન આપીને કહ્યું હતું કે, “અમારી માંગ છે કે અધિકારીઓ 48 કલાકની અંદર જ આ મામલે કાર્યવાહી કરે, અન્યથા IMA દેશવ્યાપી હડતાલ કરશે.” બીજી તરફ IMAએ સ્વાસ્થ્ય મંત્રીને પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “દેશના તબીબો આ નૃસંશ હત્યાકાંડથી સ્તબ્ધ છે. પીડિતા કોલકાતાની આરજી મેડીકલ કૉલેજની દ્વિતીય વર્ષની પીજી સ્ટુડન્ટ હતી. તેની હત્યા પહેલા તેનો બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું IMAનું માનવું છે. આ ઘટના કેમ્પસમાં અરાજકતા અને અસુરક્ષાની સૂચક છે. ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરીને ન્યાયની માંગ કરવામાં આવે છે.”
डॉक्टर की हत्या पर 'संग्राम', डॉक्टरों के प्रदर्शन को IMA का समर्थन.#Kolkata #Protest #DoctorMurder pic.twitter.com/bK7UpPbTlM
— News18 India (@News18India) August 13, 2024
તો બીજી તરફ સોમવારે હડતાલની જાહેરાત કરનાર FORDAએ મંગળવારે પણ હડતાલની ઘોષણા કરી હતી. સંગઠનના અધ્યક્ષ અવિરલ માથુરે આ મામલે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીને મળ્યા બાદ પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો હોય તેવું ન લગતા મંગળવારે પણ હડતાલ યથાવત રહેશે. માત્ર FORDA કે IMA જ આ વોરોધ નથી કરી રહ્યા, જે આરજી મેડિકલ કૉલેજની આ ઘટના છે, ત્યાંના મેડીકલ વિદ્યાર્થીઓ પણ ઘટના થઈ તે દિવસથી રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામની એક જ માંગ છે કે મૃતકને ત્વરિત ન્યાય આપવામાં આવે.
શું હતી આખી ઘટના?
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં બનેલી આ ઘટના 8-9 ઑગસ્ટ, 2024ની હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની વિગતો અનુસાર, કોલકાતાની સરકારી હોસ્પિટલ (આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ)ના સેમિનાર હૉલમાં શુક્રવારે (9 ઑગસ્ટ) પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપ છે કે મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, 8-9 ઑગસ્ટની રાત્રે નાઈટ ડ્યુટી દરમિયાન મહિલા ડૉક્ટર તેમના જુનિયર સાથી મિત્રો સાથે બેસીને નીરજ ચોપડાની ઓલમ્પિક ગેમ જોઈ રહી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા સુધી તેણે તેના સાથી મિત્રો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ એપ પરથી ઓર્ડર કરીને ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રોને જાણ કરીને સેમિનાર હૉલમાં આરામ કરવા માટે ગઈ હતી.
હૉલમાં જઈને તેણે શરૂઆતમાં થોડું વાંચન કર્યું અને ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ ઊંઘી હતી. પરંતુ બીજા દિવસે શુક્રવારે (9 ઑગસ્ટ) સવારે સેમિનાર હૉલમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અર્ધનગ્ન હાલતમાં હતો. મોંઢામાંથી, આંખોમાંથી અને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ વહી રહ્યું હતું હતું. પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં શરૂઆતી સમયે દુષ્કર્મની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ અધિકારીઓએ પણ નિવેદન આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી.
CCTV કેમેરા અને અન્ય તપાસના આધારે પોલીસે શનિવારે (10 ઑગસ્ટ) એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેનું નામ સંજય રૉય હોવાનું સામે આવ્યું હતું. આરોપ છે કે, તેણે જ ટ્રેની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તરત જ તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતે ગુનો કર્યો હોવાની તમામ કબૂલાત પણ કરી લીધી છે. હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. તેના પર BNSની કલમ 64 (દુષ્કર્મ) અને 103 (હત્યા) હેઠળ ગુનો નોંધાયો છે. 23 ઑગસ્ટ સુધી તે પોલીસ કસ્ટડીમાં રહેશે.