પેરિસ ઓલિમ્પિક્સમાં (Paris Olympic) મહિલા કુશ્તીમાં ફાઈનલમાં પહોચેલા વિનેશ ફોગાટને (Vinesh Phogat) તેમનું વજન નિયમ કરતાં વધુ હોવાના કારણે સ્પર્ધા માટે આયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતવાસીઓને આ બાબતે દુઃખ થયું હતું. પરંતુ વિપક્ષ આ મુદ્દાનો પણ પોતાની જૂઠની રાજનીતિ ચમકાવવા ઉપયોગ કરી રહ્યો છે. ત્યારે રાજ્યસભામાં આ મુદ્દે હોબાળો કરી રહેલા વિપક્ષને સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) દ્વારા ફટકાર લગાવવામાં આવી છે.
વિનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવાથી લઈને અત્યાર સુધી વિપક્ષ વારંવાર આ મુદ્દાને સંસદમાં ઉઠાવી રહ્યો છે. 8 ઓગસ્ટે પણ વિપક્ષના સાંસદો આ મુદ્દે બોલવા પરવાનગી માંગવાનુ શરૂ કર્યું હતું. આ દરમિયાન જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને સંસદમાં બૂમો પાડીને હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે ભરાયા હતા અને વિપક્ષને ફટકાર લગાવી હતી.
TMC સાંસદ જ્યારે સંસદમાં બૂમો પડી રહ્યા હતા ત્યારે જગદીપ ધનખડે કહ્યું, “તમારી આ રીતે બૂમો પાડવાની હિંમત કેવી રીતે થઈ? અને વરિષ્ઠ નેતાઓ તેની નોંધ લેતા નથી. તમારું વર્તન ગૃહમાં સૌથી ખરાબ છે. હવે જો તમે આવું વર્તન કરશો તો હું તમને કાઢી મૂકીશ.” ઉલ્લેખનીય છે કે ધનખડ આ બાદ ગૃહ છોડીને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા.
સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષને ઉઘાડો પાડતાં કહ્યું કે, “વિપક્ષના નેતાઓ એવું માને છે કે જાણે વિનેશના અયોગ્ય જાહેર થવાથી માત્ર તેમના જ હ્રદયમાં દુઃખ થઈ રહ્યું છે. પરંતુ હકીકતમાં આ કારણે સમગ્ર દેશ પીડામાં છે, દરેક વ્યક્તિ દુઃખમાં છે. પરંતુ તેનું રાજનીતિકરણ કરવું એ વિનેશનું સૌથી મોટું અપમાન છે. એ વિનેશે હજી બહુ લાંબી મજલ કાપવાની છે.”
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar stopped presiding over the House for a brief while and left the House saying that he did not "get the support he should have received."
— ANI (@ANI) August 8, 2024
He said, "Making this sacred House a centre of anarchy, attacking Indian democracy, tarnishing… pic.twitter.com/07iVVL0935
ઉલ્લેખનીય છે આ બાદ વિપક્ષના નેતાઓ ગૃહ છોડીને ચાલ્યા ગયા હતા. સભાપતિએ વિપક્ષના નેતાઓ પર અધ્યક્ષની સત્તાને ‘પડકાર’ કરવાનો અને પોતાની ‘બંધારણીય ફરજમાંથી બહાર ભગવાનો’ આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેઓએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), જયરામ રમેશ અને ડેરેક સહિતના વિપક્ષી સભ્યોના વર્તનની ટીકા કરી હતી. બાદમાં સભાપતિએ દરેક પક્ષના નેતાઓની બેઠક પણ બોલાવી હતી.
નોંધનીય બાબત છે કે વિપક્ષ આટલા સંવેદનશીલ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષના નેતાઓએ 7 ઓગસ્ટે પણ સંસદના ચાલુ સત્ર દરમિયાન આવી જ હરકતો કરી હતી અને ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. કોઈ પણ મહત્વના મુદ્દા પર ચર્ચા ન થવા દેવી, સંસદમાંથી વોક આઉટ કરવું અને ગૃહનો સમય બગાડવો એ જાણે વિપક્ષની આદત બની રહી છે.
બુધવારે પણ વિપક્ષના નેતાઓએ વારંવાર આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, સંસદની બહાર નારાઓ પણ લગાવ્યા હતા. ત્યારે ખેલમંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું હતું. IOA અધ્યક્ષ પી.ટી ઉષાએ પણ વિનેશ સાથે મુલાકાત કરી તેમને સરકાર, IOA અને દેશવતી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.