Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ30 જુલાઈ 2012- ભારતીય ઇતિહાસનો એ કાળો દિવસ, જ્યારે કોંગ્રેસ સરકારના અણઘડ...

    30 જુલાઈ 2012- ભારતીય ઇતિહાસનો એ કાળો દિવસ, જ્યારે કોંગ્રેસ સરકારના અણઘડ વહીવટના કારણે આખા ઉત્તર ભારતમાં છવાયો હતો અંધકાર: એકસાથે 7 રાજ્યોની વીજળી થઈ હતી ગુલ

    7 રાજ્યોમાં અંધકાર હતો અને સરકાર પર જબરદસ્ત દબાણ ઊભું થયું હતું. બે ઘડી માટે કોંગ્રેસનું સિંહાસન પણ હલી ગયું હતું. માથા પરથી પાણી વહી ગયા બાદ કોંગ્રેસ સરકારની ઊંઘ તૂટી અને તાત્કાલિક રિપેરિંગ માટે કવાયતો શરૂ થઈ. પંરતુ તે બાદ બીજા દિવસે 22 રાજ્યોની વીજળી થઈ ગઈ ગુલ.

    - Advertisement -

    ઇતિહાસમાં તારીખનું મહત્વ ખૂબ માનવામાં આવે છે. તારીખ એટલે તિથી અને ઐતિહાસિક દ્રષ્ટિકોણમાં તારીખ એટલે એવી તિથી કે જે દિવસે કોઈ ઐતિહાસિક કાર્ય થયું હોય અથવા તો કોઈ કારણોસર તે દિવસ ઇતિહાસના ચોપડે નોંધાયો હોય. આજે તારીખ છે, 30 જુલાઈ. સામાન્ય જેવો દિવસ છે. પરંતુ આજથી 12 વર્ષ પહેલાં આ દિવસ સામાન્ય નહોતો. દેશમાં એક એવી માનવસર્જિત દુર્ઘટના સર્જાઇ હતી કે, જેના કારણે 30 જુલાઈનો દિવસ ઇતિહાસનો કાળો દિવસ (Black Day) બની ગયો. આજથી 12 વર્ષ પહેલાં 30 જુલાઈ, 2012ના દિવસે પાવર કટ (Power Cut) થયો હતો. હવે પ્રશ્ન થશે કે, વીજકાપ હોવો કે વીજળી ગુલ થવી એ મોટી દુર્ઘટના કઈ રીતે થઈ? તે તો અવારનવાર થયા કરે છે અને આજે પણ ઘણીવાર વીજકાપ હોય છે. તો ચાલો જાણીએ કે, શા માટે તે વીજકાપે તત્કાલીન કોંગ્રેસ સરકારની (Congress Govt.) બેદરકારીને છતી કરી હતી.

    વીજકાપ થવો એ સામાન્ય બાબત છે. ઘણીવાર વીજળી વિભાગ દ્વારા વીજકાપની જાહેરાત કરવામાં આવે છે. રિપેરિંગ વગેરે જેવા કામો પૂર્ણ થયા બાદ જે-તે વિસ્તારમાં ફરીથી વીજળી વિતરણ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ 30 જુલાઈ, 2012ના દિવસે જે વીજકાપ (2012 India Blackouts) થયો હતો, તે સહેજ પણ સામાન્ય નહોતો. કારણ કે, તે દિવસે આખા ઉત્તર ભારતની (North India) વીજળી ગુલ થઈ હતી. આખા ઉત્તર ભારતમાં અંધકાર છવાય ગયો હતો. એકસાથે 7 રાજ્યોમાં એક જ સમયે વીજળી ગુલ થઈ જવી ખૂબ જ મોટી સમસ્યા અને બેદરકારી ગણી શકાય છે. ભારતના ઇતિહાસમાં ક્યારેય પણ આવું થયું નહોતું. તે સમયનો વીજકાપ કોંગ્રેસ સરકારના શાસન અને વહીવટ પર કાળા ધબ્બા સમાન હતો, જેને દાયકાઓ બાદ પણ આ જ રીતે યાદ કરવામાં આવશે.

    મધરાતે અચાનક વીજળી ગાયબ, માનવજીવન ઠપ

    30 જુલાઈ, 2012ના દિવસે અચાનક રાત્રે 2:30 કલાકે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ વીજળી એકસાથે આખા ઉત્તર ભારતમાં ગુલ થઈ હતી. ઉત્તર ભારતના 7 રાજ્યોમાં અંધકાર છવાય ગયો હતો. કલ્પના કરી જુઓ કે, દેશના સાત રાજ્યોમાં કલાકો સુધી વીજળી જ નથી. શું સ્થિતિ ઊભી થઈ હશે? ગ્રામીણ વિસ્તારમાં તેની અસર ઓછી થઈ હતી, પરંતુ મોટા-મોટા શહેરોમાં તેની ખૂબ જ ગંભીર અસર ઊભી થઈ હતી. આખેઆખા શહેરો ઠપ થઈ ગયા હતા. દિલ્હી અને નોઇડા પણ અંધકારમાં ડૂબી ગયા હતા. આ વીજળીનું ગુલ થવું કોઈ સામાન્ય બાબત નહોતી, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારની બેદરકારીના કારણે ઉત્તરી ગ્રીડમાં (Northern Grid) ગંભીર ખામી સર્જાઇ હતી. જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના લગભગ 36 કરોડ લોકોને તેની અસર થઈ હતી.

    - Advertisement -

    સ્થિતિ ગંભીર અને ભયાવહ બની ગઈ હતી. કેટલીય ટ્રેનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ હતી. અનેક ટ્રેનો તો રદ પણ કરી દેવામાં આવી હતી. રાજધાની દિલ્હી તો જાણે કાળમીંઢ પથ્થર બની ગઈ હોય. દિલ્હીની મેટ્રો સેવા પણ ઠપ થઈ ગઈ હતી. વાહનવ્યવહાર ઠપ થઈ જવાથી હજારો લોકોના રોજિંદા જીવનમાં અંધકાર છવાય ગયો હતો. ઓફિસ, શાળાઓ, કોલેજો, ધંધા-વ્યાપાર બધુ જ બંધ થઈ ગયું હતું. વીજળી ન હોવાના કારણે ઘરો સુધી પાણી પણ પહોંચી શક્યું નહોતું. આખું ઉત્તર ભારત અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું. આટલી મોટી બેદરકારી ઉત્તર ભારતના લોકોને પ્રથમવાર નજરે પડી હતી.

    રિપેરિંગ બાદ ફરી વીજળી ગુલ, 22 રાજ્યોમાં અંધકાર!

    તત્કાલીન કોંગ્રેસ સરકારના અણઘડ વહીવટના કારણે 30 જુલાઈ, 2012ના રોજ વીજળી ગુલ થઈ હતી. ઉત્તરી ગ્રીડમાં ખરાબીની સમસ્યા સામે આવી હતી. 7 રાજ્યોમાં અંધકાર હતો અને સરકાર પર જબરદસ્ત દબાણ ઊભું થયું હતું. બે ઘડી માટે કોંગ્રેસનું સિંહાસન પણ હલી ગયું હતું. માથા પરથી પાણી વહી ગયા બાદ કોંગ્રેસ સરકારની ઊંઘ તૂટી અને તાત્કાલિક રિપેરિંગ માટે કવાયતો શરૂ થઈ. ‘યુદ્ધના ધોરણે’ સરકાર ઊઠીને દોડવા લાગી. ‘મહામહેનત’ બાદ ખામીને રીપેર કરવામાં આવી અને ત્યારબાદ સરકાર શાંત થઈ ગઈ. બધુ ઠીક થઈ ગયું છે તેવું માની લઈને સરકાર ફરી નિંદ્રાધીન થઈ હતી. પરંતુ 31 જુલાઈ, 2012ના દિવસે બપોરે 1 વાગ્યે ફરીથી ગ્રીડમાં ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.

    પહેલાં તો માત્ર 7 રાજ્યોમાં વીજળી ગુલ થઈ હતી. પરંતુ કોંગ્રેસ સરકારની ‘મહામહેનત’ બાદ 31 જુલાઈએ એકસાથે દેશના 22 રાજ્યોમાં વીજળી ગુલ થઈ ગઈ. 22 રાજ્યોમાં વીજળી ગુલ થવાના કારણે મોટી સમસ્યા ઊભી થઈ. ફરીથી દેશભરની અનેક ટ્રેનોને રોકી દેવામાં આવી, અનેક ટ્રેનો રદ કરવામાં આવી, લગભગ 300 ઇન્ટરસિટી ટ્રેનો ઠપ થઈ ગઈ. દેશ આખો ડામાડોળ થઈ ગયો. કોંગ્રેસ સરકાર ફરી ઊંઘમાંથી ઉઠી અને ફરી ‘યુદ્ધના ધોરણે’ કવાયત હાથ ધરી. જોકે, વીજળી તો આવી ગઈ, પરંતુ કોંગ્રેસ સરકારની બેદરકારી અને અણઘડ વહીવટની છાપ લોકોના મન, મસ્તિષ્ક અને હ્રદયમાં ઊંડી પડી. જેનું પરિણામ 2014માં દેશે જોયું. તત્કાલીન કોંગ્રેસ સરકારના ઉર્જા મંત્રી સુનિલકુમાર શિંદેએ આ ઘટના પાછળ તર્ક પણ વિચિત્ર રજૂ કર્યા હતા.

    તત્કાલીન ઉર્જા મંત્રીએ કારણ જણાવતા કહ્યું હતું કે, કેટલાક રાજ્યોએ ગ્રીડમાંથી વધારે વીજળી ખેંચી લીધી હતી, જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી. કેન્દ્ર સરકારના મંત્રીએ આવું કારણ આપીને હાથ અધ્ધર કરી દીધા હતા. જોકે, હવે તે ઘટના ભૂતકાળ બની ગઈ છે. પરંતુ દાયકાઓ અને સદીઓ બાદ પણ તે ઘટનાને વારંવાર કોંગ્રેસ સરકારની બેદરકારી અને અણઘડ વહીવટના કારણે યાદ કરવામાં આવશે, તેમાં કોઈ શંકા નથી.

    અણઘડ વહીવટનો ભૂતકાળ ધરાવતી કોંગ્રેસ કાયમ મોદી સરકાર પર કરે છે પ્રહાર

    30 જુલાઈ, 2012ના રોજ સર્જાયેલી વીજળીની તે સમસ્યા ભારતના ઇતિહાસમાં કોંગ્રેસ સરકારની અણઆવડત અને બેદરકારીનું જીવતું ઉદાહરણ છે. સુશાસન તેને કહેવામાં આવે, જ્યાં સમસ્યા પહેલાં જ તેના પર કામ શરૂ થઈ જાય. જો પહેલાંથી સંપૂર્ણ આયોજન અને વહીવટી કુશળતાથી કાર્ય કરવામાં આવે તો કોરોના જેવી મહામારીમાં પણ દેશનું અર્થતંત્ર ડામાડોળ થયા વિના સતત આગળ વધતું રહે. જે મોદી સરકારે યથાયોગ્ય કરી બતાવ્યું છે. ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ પર વર્તમાનમાં કાર્ય કરવાની કુશળતાને જ વહીવહી કુશળતા કહેવાય છે. ગુજરાતમાં આદિકાળથી એક કહેવત પ્રચલિત છે કે, ‘પાણી પહેલાં પાળ બંધાય.’ જેનો અર્થ છે કે, સમસ્યા આવ્યા પહેલાં જ તેનું સમાધાન શોધી લેવું જોઈએ. તત્કાલીન કોંગ્રેસ સરકાર તેમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી હતી. તેમ છતાં કોંગ્રેસીઓ કાયમ મોદી સરકારના વહીવટ પર પ્રશ્નો ઊભા કરતાં નજરે પડે છે.

    કુદરતી આફત કે હોનારત સમયે પણ જો કદાચ જાનહાનિ થાય તો આ ઇકોસિસ્ટમ તેમાં પણ મોદીને અને તેમની સરકારને દોષ આપી દે છે. પરંતુ જ્યારે જવાહરલાલ નહેરુ કે તેમના પછીના કોંગ્રેસકાળના નેતાઓની વહીવટી ખામી પર વાત કરવામાં આવે તો તે જ લોકો તે સાંભળી શકવા પણ સક્ષમ નથી. ઘટના ભલે ગમે તે હોય, પણ તેમાં મોદી સરકારની ભૂલ શોધવાની ‘ચપળ આવડત’ માત્ર કોંગ્રેસ ઇકોસિસ્ટમ પાસે જ છે. જોકે, કોઈ ભૂલ મળે નહીં પછી રોકકળ કરવી એ બે નંબરની વાત છે. પરંતુ આજે પણ કોંગ્રેસે પોતાના ભૂતકાળમાંથી કોઈ બોધપાઠ લીધા વગર માત્ર મોદીને ટાર્ગેટ કરવાની અને તેને કોઈપણ ભોગે હરાવવાની રણનીતિને જ અપનાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં