ઈરાન (Iran) સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે (Hezbollah) ઇઝરાયેલ પર હવાઈ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 10 મહિનામાં હિઝબુલ્લાહે ઇઝરાયેલ (Israel) પર કરેલો આ સૌથી મોટો અને ભયાનક હુમલો છે. આ હુમલામાં ફૂટબોલ રમી રહેલા લગભગ 12 બાળકોના મોત થયા છે. આતંકી સંગઠને ઇઝરાયેલના ગોલાન હાઇટ્સના (Golan Heights) ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી (Lebanon) રોકેટ છોડ્યા હોવાનું સામે આવ્યું છે. 12 બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 30 જેટલા લોકો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. IDF (Israeli Defense Forces) દ્વારા જાણવા મળ્યું છે કે, જે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, તે ઇરાનીયન રોકેટ હતા.
આ ઘટના શનિવારે (27 જુલાઈ, 2024) બનવા પામી હતી. ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હવાઈ હુમલો કરી દીધો હતો. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ (Times Of Israel) અનુસાર, આ હુમલામાં 12 બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય 30 લોકો ઘાયલ થયા છે. હુમલા દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુ (Benjamin Netanyahu) અમેરિકાના પ્રવાસ પર હતા. પરંતુ હુમલાની માહિતી મળતા જ તેઓ ઇઝરાયેલ પરત ફર્યા હતા. હિઝબુલ્લાહે શરૂઆતમાં આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પરંતુ ત્યારપછી તેણે પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું. જોકે, અમેરિકા અને ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, આ હુમલો હિઝબુલ્લાહે કર્યો હતો.
Hezbollah’s terrorism doesn't differentiate between age, religion, ethnicity or gender.
— Israel Defense Forces (@IDF) July 28, 2024
We mourn the loss of 12 children from Majdal Shams who were murdered playing soccer on Saturday. pic.twitter.com/6rK9DNh50J
ઇરાની રોકેટથી થયો હતો હુમલો
ઇઝરાયેલી સેનાએ પણ આ હુમલા વિશેની વિગતે માહિતી આપી છે. IDF અનુસાર, આ હુમલો ફલક-1 (Falaq-1) રોકેટથી કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ માત્ર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે. ઇઝરાયેલી સેના અનુસાર, આ રોકેટ ઈરાન દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઇઝરાયેલના વિદેશ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. ઇઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝેએ કહ્યું છે કે, “આ ઘટનાને જોતાં હવે તેમાં કોઈ શંકા નથી કે, હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો યોગ્ય જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠનો સાથેના મહાયુદ્ધની શરૂઆતની ખૂબ નજીક છીએ.”
This is the Iranian-made rocket that Hezbollah shot toward Majdal Shams yesterday.
— Israel Defense Forces (@IDF) July 28, 2024
Iran spends their money enabling their proxies to commit acts of terrorism against innocent civilians. pic.twitter.com/CrzPSjj8m7
આ ઉપરાંત ઇઝરાયેલના વડાપ્રધાને પણ કહ્યું છે કે, “ઇઝરાયેલના નાગરિકો, તમારી જેમ હું પણ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ભયાનક તસવીરો જોઈને સ્તબ્ધ છું. અહીં મૃત્યુ પામેલા લોકોમાં નાના બાળકો અને અન્ય લોકો સામેલ હતા. આ દ્રશ્યોને જોઈને આપના સૌનું હ્રદય ભાંગી ગયું છે. આપણે આનો જડબાતોડ જવાબ આપીશું.” હાલ ઇઝરાયેલી સેના આ વિશે વધુ વિગતે તપાસ કરી રહી છે. શક્યતા છે કે, તપાસ પૂર્ણ થયા બાદ ઇઝરાયેલ સ્વભાવ મુજબ આતંકવાદ વિરોધી ઓપરેશન પર ઉતરી શકે છે.