દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે આજથી 25 વર્ષ પહેલાં 1999માં કાશ્મીરના કારગિલમાં ખેલાયેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ત્રીજી વખત પછડાટ આપી હતી. આ પરાજય એવો હતો કે ત્યારબાદ પાકિસ્તાન ક્યારેય સામી છાતીએ ભારત સામે લાડવા આવ્યું નથી. આતંકવાદીઓ મોકલીને અવળચંડાઈ કરતું રહે છે, પરંતુ ભારતના જાંબાઝો તેમને ફાવવા દેતા નથી. ‘કારગિલ વિજય દિવસ’ સેનાના સાહસ અને પરાક્રમને બિરદાવવાનો દિવસ છે. તેમાં ક્યાંય પક્ષ-વિપક્ષ કે રાજકારણને સ્થાન હોતું નથી. પણ કોંગ્રેસે તેમાં પણ રાજકારણ શોધી કાઢ્યું હતું.
ઉપર પહેલી લીટીમાં લખ્યું કે, દર વર્ષે 26 જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ મનાવવામાં આવે છે, પણ અહીં એક ફૂંદદી કરીને એટલું ઉમેરવું પડે કે 2004થી 2009ને બાદ કરતાં. કારણ કે આ વર્ષો દરમિયાન કારગિલ વિજય દિવસ નહતો મનાવાયો. તે સમયે કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકાર હતી. આજે તેઓ INDI નામનું એક ઝૂંડ બનાવીને ફરે છે. ત્યારે આ UPA નામ હતું.
જે કોંગ્રેસ આજે સેનાના નામે રાજકારણ કરવાનું ચૂકતી નથી તે કોંગ્રેસે પાંચ વર્ષ સુધી આટલો મહત્વપૂર્ણ દિવસ ઊજવ્યો ન હતો. કારણ એ હતું કે 1999માં કેન્દ્રમાં અટલ બિહારી બાજપાઈની આગેવાનીવાળી NDA સરકાર હતી. કોંગ્રેસના નેતાઓ માનતા હતા કે યુદ્ધ NDAના સમયમાં થયું હતું અને તેમણે વિજય મેળવ્યો હતો, એટલે તેઓ ભલે ઉજવણી કરે પરંતુ કોંગ્રેસ માટે તેનું મહત્ત્વ નથી. કોંગ્રેસ નેતા રાશીદ અલ્વીએ કહ્યું હતું કે, “કારગિલ કોઇ ઉજવણીની બાબત નથી. યુદ્ધ આપણી ભૂમિ પર લદાયું હતું. પાકિસ્તાની સેના સરહદપાર કરીને આવી ગઈ અને આપણી ભૂમિ પર બંકરો બાંધી દીધાં ત્યાં સુધી આપણને ખબર પણ ન હતી. NDA તેની ઉજવણી કરી શકે.”
પાંચ વર્ષ આ મામલે ખૂબ ટીકા થયા બાદ અને ખાસ કરીને 2009માં રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ કોંગ્રેસે ફરી આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું. 2017માં તેમણે X પર પોસ્ટ કરીને તે સમયે તેમણે લખેલા પત્રોના ફોટો મૂક્યા હતા.
Did u know 2004-2009 Cong led UPA did not celebrate or honor #KargilVijayDiwas on July26 till I insistd in #Parliament #ServingOurNation pic.twitter.com/kDEg4OY1An
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) July 25, 2017
રાજ્યસભામાં તેમણે મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, “કારગિલ વિજય દિવસ ન માત્ર એક ગર્વિત દેશ માટે વિજયનો દિવસ હતો, પરંતુ આ દિવસ સેનાના હજારો જવાનોનાં બલિદાનની પણ યાદ અપાવે છે. આ જવાનોનાં શૌર્ય અને સાહસ જ છે જેઓ આગલી પેઢીઓને રાષ્ટ્રવાદની પ્રેરણા આપતાં રહેશે. સેનાની આ બહાદુરીને આપણે સલામ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ તે જરૂરી છે.”
તેમણે આગળ લખ્યું હતું કે, “હું રક્ષા મંત્રાલય અને સરકારને વિનંતી કરું છું કે આ દિવસને દર વર્ષે ઉજવવામાં આવે. જેઓ આ યુદ્ધને ‘ભાજપનું યુદ્ધ’ કહીને મજાક ઉડાવે છે તેમને પણ તેમ ન કરવા માટે હું અપીલ કરું છું. આ પ્રકારની ટિપ્પણીઓ સેનાના બલિદાની જવાનોનું અપમાન છે. બલિદાનીઓના સન્માન માટે આ દિવસની ઉજવણી કરવી એ સમગ્ર રાષ્ટ્રની જવાબદારી છે.”
2010થી ફરી થઈ હતી શરૂઆત
આ મામલો 2009માં રાજ્યસભામાં ખૂબ ચગ્યો હતો. સંસદમાં અને દેશભરમાં ટીકા થયા બાદ આખરે 2010થી કોંગ્રેસ સરકારે ફરીથી ‘કારગિલ વિજય દિવસ’ ઉજવવાનું શરૂ કર્યું હતું. 16 જુલાઈ, 2010ના રોજ તત્કાલીન રક્ષા મંત્રી એ. કે એન્ટનીએ રાજીવ ચંદ્રશેખરને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમર જવાન જ્યોતિ ખાતે બલિદાનીઓને યાદ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પછીથી ફરી દર વર્ષે ઉજવણી કરવામાં આવતી રહી છે.
નોંધનીય છે કે કારગિલ યુદ્ધ 3 મે, 1999થી 26 જુલાઈ, 1999 દરમિયાન ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે લડવામાં આવ્યું હતું. પાકિસ્તાને ભૂમિ કબજે કરવાના બદઇરાદે કારગિલમાં LOC (લાઈન ઑફ કન્ટ્રોલ) પાર કરીને સૈનિકો મોકલીને ઠેકાણાં સ્થાપવાનાં શરૂ કરી દીધાં હતાં. ભારતીય સેનાને જાણ થતાં જ ‘ઑપરેશન વિજય’ લૉન્ચ કરીને પાકિસ્તાનીઓને ખદેડી દીધા હતા. 84 દિવસના યુદ્ધ બાદ અંતે 26 જુલાઇના રોજ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી. આ વિજયની યાદમાં દર વર્ષે ‘કારગિલ વિજય દિવસ’ મનાવાય છે. અપવાદ માત્ર કોંગ્રેસનાં શાસનનાં પાંચ વર્ષ રહ્યાં છે.