Friday, November 22, 2024
More
    હોમપેજદેશસ્વામી પ્રસાદ મૌર્ય અને પુત્રી સંઘમિત્રા મૌર્ય ફરાર ઘોષિત, MP-MLA કોર્ટનો આદેશ:...

    સ્વામી પ્રસાદ મૌર્ય અને પુત્રી સંઘમિત્રા મૌર્ય ફરાર ઘોષિત, MP-MLA કોર્ટનો આદેશ: અનેક સમન્સ-વૉરન્ટ છતાં કોર્ટમાં હાજર નહતા થયા પૂર્વ સપા નેતા

    વાસ્તવમાં સંઘમિત્રા પર છૂટાછેડા લીધા વગર જ બીજાં લગ્ન કરીને છેતરપિંડી કરવાનો અને મારામારી કરવાનો આરોપ છે, જેમાં સ્વામી પ્રસાદ પણ સહઆરોપી છે. કોર્ટે બંનેને સમન્સ પાઠવ્યાં હતાં તેમજ વૉરન્ટ પણ ઇસ્યુ કર્યાં હતાં, પરંતુ તેમ છતાં હાજર ન થતાં આખરે ભાગેડુ ઘોષિત કરવામાં આવ્યાં.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમની પુત્રી સંઘમિત્રા મૌર્યને લખનૌની કોર્ટે ફરાર ઘોષિત કર્યાં છે. વારંવાર સમન્સ પાઠવવા છતાં હાજર ન રહેતાં MP-MLA કોર્ટે પૂર્વ સાંસદ સંઘમિત્રા મૌર્ય અને તેમના પિતા સ્વામી પ્રસાદ સહિત ત્રણ લોકો વિરુદ્ધ કલમ 82 હેઠળ આદેશ પસાર કર્યો હતો. વાસ્તવમાં સંઘમિત્રા પર છૂટાછેડા લીધા વગર જ બીજાં લગ્ન કરીને છેતરપિંડી કરવાનો અને મારામારી કરવાનો આરોપ છે, જેમાં સ્વામી પ્રસાદ પણ સહઆરોપી છે. કોર્ટે બંનેને સમન્સ પાઠવ્યાં હતાં તેમજ વૉરન્ટ પણ ઇસ્યુ કર્યાં હતાં, પરંતુ તેમ છતાં હાજર ન થતાં આખરે ભાગેડુ ઘોષિત કરવામાં આવ્યાં.

    ભાગેડુ જાહેર કર્યા પહેલાં કોર્ટે આરોપીઓને ત્રણ વખત સમન્સ, બે વાર જામીનપાત્ર વૉરન્ટ અને એક વખત બિનજામીનપાત્ર વૉરન્ટ ઇસ્યુ કર્યાં હતાં. પરંતુ ત્યારબાદ પણ કોર્ટમાં હાજર ન થતાં તમામ આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. પિતા-પુત્રી સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ દીપક કુમાર સ્વર્ણકાર નામના એક વ્યક્તિએ મારપીટ, ગાળાગાળી, જાનમાલની ધમકી અને ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

    દીપક કુમાર અનુસાર, સંઘમિત્રા મૌર્ય સાથે તેઓ 2016થી લિવ-ઇન રિલેશનમાં હતા અને 2019માં લગ્ન પણ થયાં હતાં. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સંઘમિત્રા અને સ્વામી પ્રસાદ બંનેએ લગ્ન વખતે કહ્યું હતું કે સંઘમિત્રાનાં પહેલાં લગ્નમાંથી છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ વાસ્તવમાં છૂટાછેડા થયા 2021માં. આરોપ છે કે લગ્નની વાત ઉજાગર ન થાય તે માટે દીપક પર જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કોર્ટમાં ફરિયાદ કરી હતી. 

    - Advertisement -

    દીપકનો આરોપ છે કે નવેમ્બર, 2021માં કુશીનગરની એક હોટેલમાં તેમની ઉપર હુમલો કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ લખનૌમાં આંબેડકર યુનિવર્સિટીમાં પણ હુમલો કરવામાં આવ્યો. તેમણે આ આરોપ સ્વામી પ્રસાદ, સંઘમિત્રા અને અન્યો પર લગાવ્યા છે.

    આ મામલે સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમની પુત્રી હાઈકોર્ટમાં પણ ગયાં હતાં પરંતુ ત્યાં તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું. હાઇકોર્ટે મૌર્યને ઠપકો આપતાં કહ્યું હતું કે તેમની સામે પુરાવાઓ છે અને તેમને MP-MLA કોર્ટમાં હાજર થવું જ પડશે. આ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ ત્યાંથી પણ રાહત મળી ન હતી.

    નોંધવું જોઈએ કે સ્વામી પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશની કુશીનગર સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર વિજય કુમાર દુબે સામે તેમણે હાર ચાખવી પડી હતી. આ સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન એક યુવકે તેમના ચંપલ ફેંકવાનો મામલો પણ સામે આવ્યો હતો. તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા. જ્યાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. જ્યાં તેમનો કાર્યકાળ અત્યંત વિવાદિત રહ્યો હતો. ફેબ્રુઆરી, 2024માં આખરે તેમણે સમાજવાદી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. હાલ તેમણે પોતાનો પક્ષ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી બનાવ્યો છે, જેના પોતે અધ્યક્ષ છે.

    એ પણ ઉલ્લેખનીય છે કે આ અગાઉ સ્વામી પ્રસાદ મૌર્ય હિંદુ સંતો માટે અપમાનજનક શબ્દો વાપરવાથી લઈને રામચરિતમાનસ વિરૂદ્ધ પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે, જેનો પછીથી દેશભરમાં વિરોધ પણ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં