કોમનવેલ્થ ગેમ્સ 2022માં વેઈટ લિફ્ટર અચિંતા શુલી 73 કિલોગ્રામ વર્ગમાં દેશ માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યા છે. અચિંતાએ સ્નેચ રાઉન્ડમાં 143 કિલો વજન ઉઠાવ્યું હતું અને ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન ઉઠાવીને દેશ માટે ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યું હતું. જ્યારે 73 કિલો વર્ગમાં 313 કિલોનું વજન ઉઠાવતાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.
માત્ર 20 વર્ષની વયના અચિંતા શુલીએ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. તેમણે આ વર્ષની ટૂર્નામેન્ટમાં દેશને ત્રીજો મેડલ જીતાડ્યો છે. આ પહેલાં મીરાંબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અચિંતા શુલીની અહીં સુધી પહોંચવાની યાત્રા કઠિન રહી છે. હાવડાના ધૂલાગઢમાં રહેતા અચિંતા 10 વર્ષની ઉંમરથી જ તેમના ભાઈ આલોક સાથે જિમમાં ટ્રેનિંગ માટે જતા હતા અને એક પણ દિવસ વિરામ લીધા વગર સતત મહેનત કરતા હતા. શરૂઆતમાં સરળ કસરત કર્યા બાદ તેમણે વેઇટ લિફ્ટિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તેમના પિતા મજૂરી કામ કરતા હતા. પરંતુ વર્ષ 2013માં તેમનું નિધન થયા બાદ જવાબદારી આવતાં તેમના ભાઈ આલોકે વેઇટલિફ્ટિંગ છોડી દીધું હતું. પરંતુ અચિંતાએ દ્રઢ સંકલ્પ સાથે વેઇટ લિફ્ટિંગ ચાલુ રાખ્યું હતું.
અચિંતા શુલીએ પહેલીવાર વર્ષ 2013માં ગુવાહાટીમાં નેશનલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ ચતુર્થ સ્થાને આવ્યા હતા. 2018માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે બાદ જુલાઈ 2019માં જુનિયર અને સિનિયર બંને શ્રેણીઓમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એપિયા અને સમોઆમાં વિવિધ મેડલ જીત્યાં હતાં. તેમણે ગત વર્ષે તાશ્કંદમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 73 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને છ નેશનલ વેઇટલિફ્ટિંગ એવોર્ડ તોડી નાંખ્યા હતા.
અચિંતા શુલી કહે છે કે, તેઓ પોતાની રમતને લઈને દ્રઢ સંકલ્પ ધરાવે છે. તેઓ કહે છે કે, ‘તમારે જીવનમાં એક લક્ષ્ય રાખવું પડે છે. હું આગળ વધવા માંગતો હતો. મારી પારિવારિક સ્થિતિ ઠીક ન હતી. મને ખબર હતી કે મારે બહુ પડકારોનો સામનો કરવો પડશે અને જેથી હું દરેક ડગલે સુધારો કરવાનો પ્રયત્ન કરતો રહું છું.’
Delighted that the talented Achinta Sheuli has won a Gold Medal at the Commonwealth Games. He is known for his calm nature and tenacity. He has worked very hard for this special achievement. My best wishes to him for his future endeavours. pic.twitter.com/cIWATg18Ce
— Narendra Modi (@narendramodi) August 1, 2022
અચિંતાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું કે, તેઓ તેમના શાંત સ્વભાવ અને દ્રઢતા માટે જાણીતા છે. આ વિશેષ ઉપલબ્ધિ મેળવવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’ આ ઉપરાંત, દેશભરમાંથી પણ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.