આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. ત્યારે ભારતના જમ્મુ-કાશ્મીરમાં આતંકી દ્વારા અવાર-નવાર સેના પર હુમલા કરાતાં હોય છે. હાલમાં પણ જમ્મુ-કશ્મીરના ડોડા ખાતે આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણ ચાલી રહી છે. ત્યારે પોલીસે ડોડા ખાતે ભલ્લેસામાં રહેતા શૌકત અલી નામક વ્યક્તિની ધરપકડ કરી છે. શૌકત અલી પર આતંકવાદીઓને શરણ આપવાના અને તેમની મદદ કરવાના આરોપ છે.
ગુરુવારે વહેલી સવારે સેના દ્વારા ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સેના હાઈ એલર્ટ સાથે સઘન તપાસ કરી રહી હતી. ત્યારે સેનાએ સવારે લગભગ 4:45 વાગે શંકાસ્પદ હિલચાલ જોઈ. સેના દ્વારા ચાલી રહેલા સર્ચ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પ્રારંભિક અથડામણમાં બે જવાનો ઘાયલ થયા હતા.
અથડામણમાં હાજર સૈનિકોની મદદ કરવા ઘટનાસ્થળે અન્ય સૈનિક ટુકડી મોકલવામાં આવી. સેના દ્વારા આતંકીઓને ઘેરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ જ હતી ત્યાં પોલીસને બાતમી મળી હતી કે ડોડાના જ કોઈ ગદ્દારે આતંકવાદીઓની મદદ કરી છે. પોલીસે ભલ્લેસાના ઓવરગ્રાઉંડ વર્કર (સ્લીપિંગ સેલ) શૌકત અલી જે સામાન્ય નાગરિક તરીકે રહતો હતો તેની ધરપકડ કરી છે. ઓવરગ્રાઉંડ વર્કર (Sleeping Cell) એટલે જે સામાન્ય નાગરિકના વેશમાં રહેતા હોય પરંતુ આતંકીઓને શરણ આપવી, તેમને ફંડિંગ કરવું જેવા કૃત્યો કરી આતંકીઓને મદદ કરતાં હોય છે.
અહેવાલ અનુસાર જાણકારી મળી છે કે શૌકત અલીએ સેના પર હુમલો કરવાવાળા 3 આતંકીઓને શરણ આપી હતી. આતંકીઓને ખાવાનું પૂરું પાડ્યું હતું. શૌકત અલીએ આ આતંકીઓને વાઇફાઇની સુવિધા પણ પૂરી પાડી હતી. આ વાઇફાઇના માધ્યમથી જ આતંકીઓએ પાકિસ્તાનમાં બેઠેલા અન્ય આતંકી હેંડલર્સ સાથે વાત કરી હતી. શૌકત અલી સાથેની પૂછપરછમાં એના જેવા બીજા સ્લીપિંગ સેલની માહિતી સામે આવે તેવી સંભાવના છે. આ અગાઉ પણ જમ્મુ-કાશ્મીરના રિયાસી ખાતે થયેલ હુમલા માટે પર પોલીસે રાજૌરીના હકીમ દીન નામક વ્યક્તિની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે ડોડા જીલ્લામાં આતંકવાદીઓએ સેના પર હુમલો કરી દીધો હતો જેના જવાબમાં સેનાએ પણ આતંકવાદીઓ પર વળતો હુમલો કર્યો હતો. આ અથડામણમાં સેનાના 2 જવાનો ઘાયલ થયા હતા. તેમની પ્રાથમિક સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ બાદ તેમને એયરલિફ્ટ કરીને આર્મી હોસ્પિટલમાં લઈ જવાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડોડામાં હુમલો કરવાવાળા આંતકીઓ એજ છે જેમણે 15 જૂલાઈને સોમવારે દેસાના જંગલોમાં ચાલી રહેલી સેનાની પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પણ કેપ્ટન બૃજેશ થાપા, અજયસિંહ, ડી રાજેશ અને બૃજેન્દ્રસિંહ 4 જવાનો હુતાત્મા થયા હતા.