Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાઈરાનમાં સત્તા પરિવર્તન, કટ્ટરપંથી જલીલીને હરાવીને સુધારાવાદી મસૂદ પેઝેશ્કિયને જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી:...

    ઈરાનમાં સત્તા પરિવર્તન, કટ્ટરપંથી જલીલીને હરાવીને સુધારાવાદી મસૂદ પેઝેશ્કિયને જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી: હિજાબ-ઈન્ટરનેટ સંબંધિત નિયંત્રણો હળવાં થવાનાં એંધાણ

    ઈરાનમાં કુલ 6.1 કરોડ મતદારો છે, જેમાંથી 3 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જે આજ સુધીની સૌથી ઓછી મતદાનની ટકાવારી છે. પેઝેશ્કિયનને ચૂંટણીમાં 1.7 કરોડ મતો જ્યારે હારેલા ઉમેદવાર જલીલીને 1.3 કરોડ મત મળ્યા. 

    - Advertisement -

    2024નું વર્ષ એવું છે, જેમાં અડધી દુનિયા ચૂંટણીપ્રક્રિયા હેઠળથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચૂંટણી ગઈ. શુક્રવારે (5 જુલાઈ) જ બ્રિટનમાં પરિણામો જાહેર થયાં. નવેમ્બરમાં અમેરિકાની પણ ચૂંટણી યોજાનાર છે. દરમ્યાન તાજેતરમાં ઇરાનમાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી (Iran Presidential Election) યોજાઇ ગઈ, જેનાં પરિણામો પણ સામે આવી ગયાં છે. ઈરાનમાં આ વખતે સત્તામાં મોટું પરિવર્તન આવ્યું છે અને સુધારાવાદી તરીકે ઓળખાતા મસૂદ પેઝેશ્કિયનની (Masoud Pezeshkian) જીત થઈ છે. તેમના કટ્ટરપંથી હરીફ ઉમેદવાર સઈદ જલીલીને હરાવીને તેઓ ઈરાનના આગલા રાષ્ટ્રપતિ બન્યા છે. 

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પેઝેશ્કિયનને 53.3% મત મળ્યા હતા, જ્યારે જલીલીને 44.3% મતો મળી શક્યા. ઈરાનની ઈન્ટીરિયર મિનિસ્ટ્રી (ભારતમાં ગૃહમંત્રાલય સમકક્ષ) દ્વારા પરિણામોની આધિકારિક જાહેરાત પણ કરી દેવામાં આવી છે.  

    ગત મે મહિનામાં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 28 જૂનના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઇરાનની ક્રાંતિ પછી (1979) સૌથી ઓછું મતદાન (લગભગ 40%) નોંધાયું હતું. પ્રથમ તબક્કામાં પણ પેઝેશ્કિયન આગળ હતા પરંતુ કોઇ ઉમેદવારને બહુમતી મળી ન હતી. જેથી પ્રથમ બે ઉમેદવારો વચ્ચે બીજા તબક્કામાં ફરી ચૂંટણી યોજાઈ, જેનું મતદાન 5 જુલાઇના રોજ થયું. આખરે 6 જુલાઇની સવારે પરિણામો ઘોષિત કરવામાં આવ્યાં. 

    - Advertisement -

    ઈરાનમાં કુલ 6.1 કરોડ મતદારો છે, જેમાંથી 3 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જે આજ સુધીની સૌથી ઓછી મતદાનની ટકાવારી છે. પેઝેશ્કિયનને ચૂંટણીમાં 1.7 કરોડ મતો જ્યારે હારેલા ઉમેદવાર જલીલીને 1.3 કરોડ મત મળ્યા. 

    નોંધવું જોઈએ કે ઇરાનમાં રાષ્ટ્રપતિની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવે છે. તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. છેલ્લે 2021માં ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી, જેથી કાર્યકાળ જૂન 2025માં પૂર્ણ થતો હતો, પરંતુ મે, 2024માં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના આકસ્મિક અવસાન બાદ તાત્કાલિક ચૂંટણી યોજવી પડી. 

    ઈરાનમાં રાષ્ટ્રપતિ સરકારના વડા છે અને બીજું સર્વોચ્ચ પદ છે. ‘હેડ ઑફ સ્ટેટ’ તરીકે (ભારતમાં હેડ ઑફ સ્ટેટ જેવી રીતે રાષ્ટ્રપતિ હોય છે) ત્યાં સુપ્રીમ લીડર હોય છે, જે પદે હાલ આયોતુલ્લાહ અલી ખુમૈની છે. આ પદનો કાર્યકાળ નક્કી હોતો નથી. પદ ધરાવનાર વ્યક્તિના નિધન બાદ નવી નિમણૂક કરવામાં આવે છે. જોકે, તેના માટે ચૂંટણી થતી નથી અને 11 સભ્યોની એક સમિતિ નક્કી કરે છે. કહેવાય છે કે આગલા સુપ્રીમ લીડરનું નામ નક્કી થઈ ગયું છે, પરંતુ સત્તાવાર જાહેરાત ક્યાંય કરવામાં આવી નથી. 

    કોણ છે મસૂદ પેઝેશ્કિયન?

    વાત મસૂદ પેઝેશ્કિયન કરવામાં આવે તો તેમને સુધારાવાદી નેતા માનવામાં આવે છે. વ્યવસાયે હાર્ટ સર્જન એવા આ નેતા 2008થી ઈરાનની સંસદમાં સભ્ય છે. 2016થી 2020 સુધી તેઓ ઇરાનની સંસદમાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેઓ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2011 અને 2021માં પણ તેમણે ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ 2011માં ઉમેદવારી પરત ખેંચી હતી અને 2021માં ડિસ્કવોલિફાય થયા હતા.

    પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવાના પક્ષમાં

    નવા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો બનાવવાના પક્ષમાં રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જો તેઓ સત્તા પર આવશે તો 2015ની ન્યુક્લિયર ડીલ પર કામ કરશે, જે હેઠળ ઇરાને પોતાના પરમાણુ સંવર્ધન કાર્યક્રમને સીમિત કરવાની સહમતિ દર્શાવી હતી અને તેના બદલામાં પશ્ચિમી દેશોએ અમુક નિયંત્રણોમાં ઢીલ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ, જલીલી આ ડીલના સંદર્ભમાં એ મત ધરાવતા હતા કે જે સ્થિતિ હાલ છે તેને જાળવી રાખવામાં આવે. કટ્ટરપંથી વિચારધારા ધરાવતા જલીલીને પશ્ચિમી દેશોના વિરોધી માનવામાં આવે છે. 

    પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે લોકો કટ્ટરપંથીઓથી નારાજ હતા અને અનુમાન હતું કે ઉમેદવારોમાં કોઈ વધુ પસંદગીના વિકલ્પો ન હોવાના કારણે જલીલી જ સત્તા પર આવશે અને કોઇ ખાસ પરિવર્તન જોવા નહીં મળે. પરંતુ પ્રથમ તબક્કામાં સુધારાવાદી ઉમેદવારને બઢત મળતાં બીજા તબક્કામાં થોડું મતદાન વધ્યું હતું, જેથી તેમને બહુમતી મળે અને કટ્ટરપંથીઓ સત્તામાંથી બહાર રહે. જોકે, પેઝેશ્કિયને પણ ચૂંટણી પહેલાં જ વચન આપ્યું હતું કે તેઓ ઈરાનના શિયા ધર્મતંત્રમાં કોઈ ફેરફાર નહીં કરે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાનના સુપ્રીમ લીડરને જ દેશને લગતી તમામ બાબતોના અંતિમ મધ્યસ્થી તરીકે સ્વીકારે છે. 

    હિજાબ વિવાદ વખતે જાહેરમાં લીધું હતું સ્ટેન્ડ

    2022માં ઇરાનમાં હિજાબને લઈને મોટાપાયે વિવાદ સર્જાયો હતો. મહસા અમીની નામની એક યુવતીને માત્ર હિજાબ સરખો ન પહેરવા બદલ કસ્ટડીમાં મારી નાખવામાં આવી હતી, ત્યારબાદ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ સરકારે કોઇ મચક ન આપીને હિજાબના નિયમો વધુ કડક બનાવ્યા હતા. તે સમયે પેઝેશ્કિયને જાહેરમાં કહ્યું હતું કે, ઈસ્લામિક શાસનમાં હિજાબ માટે એક યુવતીની ધરપકડ કરીને પછી તેના પરિવારને મૃતદેહ સોંપી દેવો એ ક્યારેય પણ સ્વીકાર્ય ન હોય શકે. 

    ચૂંટણી અગાઉ ટેલિવિઝન ડિબેટ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ પ્રતિબંધો હળવા કરશે તેમજ મહિલાઓને ફરજિયાત હિજાબ પહેરવા માટેના નિયમનું પાલન કરાવવા માટે થતા પોલીસ પેટ્રોલિંગ પર સંપૂર્ણપણે રોક લગાવી દેશે. તેમણે કહ્યું હતું કે, “આપણે આપણાં વર્તન, વધુ મોંઘવારી, મહિલાઓ સાથેના આપણા વ્યવહાર અને ઈન્ટરનેટ પ્રતિબંધ વગેરે બાબતોના કારણે સમાજ પરથી પકડ ગુમાવી રહ્યા છીએ. જેની ઉપર કામ કરવાની જરૂર છે.” જોકે, નોંધવું જોઈએ કે ઇરાનમાં નીતિગત બાબતો ઉપર અંતિમ નિર્ણય મોટેભાગે સુપ્રીમ લીડરની ઇચ્છાથી વિપરીત થતા નથી, પરંતુ સરકારના વડા તરીકે રાષ્ટ્રપતિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં