Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસહકારથી સમૃદ્ધિ: ડેરી, સુગર અને બેન્કિંગ જેવા અનેક સેક્ટરોમાં સફળ સાબિત થયેલું...

    સહકારથી સમૃદ્ધિ: ડેરી, સુગર અને બેન્કિંગ જેવા અનેક સેક્ટરોમાં સફળ સાબિત થયેલું ગુજરાતનું સહકાર મોડેલ

    ગુજરાતમાં સહકાર ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે. ગુજરાત સરકારના ડેટા અનુસાર, રાજ્યમાં ડેરી, હાઉસિંગ, માર્કેટિંગ સોસાયટી, લેબર કોન્ટ્રાકટ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં સહકાર મંડળીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને સાબરકાંઠામાં મિલ્ક પાઉડર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને એસેપ્ટિક મિલ્ક પેકેજીંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, તેમજ સાબર ચીઝ અને વ્હે ડ્રાઇંગ પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમહુર્ત કર્યું હતું. પીએમ મોદીએ હજારો કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમહુર્ત કર્યું છે ત્યારે ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને તેના વિકાસની ચર્ચા જરૂરી બને છે.

    આ તમામ પ્રોજેક્ટ મળીને કુલ 1000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. 120 મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતા ધરાવતો મિલ્ક પાઉડર પ્લાન્ટ 300 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જ્યારે 3 લાખ લિટર પ્રતિ દિનની ક્ષમતા ધરાવતો પેકેજીંગ પ્લાન્ટ 125 કરોડના ખર્ચે સ્થાપવામાં આવ્યો છે. તેમજ ચીફ અને વ્હે પ્લાન્ટ પાછળ કુલ 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 

    વડાપ્રધાને કહ્યું કે, આ ડેરી પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને વધુ સક્ષમ બનાવશે અને તેમની આવકમાં પણ વધારો કરશે. પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ વિસ્તારમાં ગ્રામ્ય અર્થવ્યવસ્થાને પણ વેગ આપશે. 

    - Advertisement -

    સાબર ડેરી કે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, એ ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ 1964 હેઠળ નોંધાયેલ એક જિલ્લા કક્ષાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી છે. જેના માલિક સભાસદ ખેડૂતો છે અને તેઓ ગ્રામ્ય મંડળીઓ અને સંઘના સંચાલન માટે પોતાનામાંથી પ્રતિનિધિઓને ચૂંટે છે. સંસ્થા વ્યવસાય ચલાવવા અને ડેરીના સંચાલન માટે કર્મચારીઓની પણ નિમણૂંક કરે છે. 

    સાબર ડેરી ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો (GC MMF) એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરવા માટે જાણીતું છે. આ નવા ત્રણ પ્રોજેક્ટમાં ડેરી યુનિયન દ્વારા થયેલ હજાર કરોડથી વધુનું રોકાણ ગુજરાતમાં દૂધ ઉત્પાદક મંડળીઓ અને સહકાર ક્ષેત્રમાં થયેલ વિકાસને પ્રતિબિંબિત કરે છે. 

    વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ હેઠળ આખા ભારતમાં સફેદ ક્રાંતિ લાવવા માટે પ્રખ્યાત છે. ડેરી સેક્ટરમાં આવેલ આ ક્રાંતિના પરિણામે ભારત દુનિયામાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની શક્યો છે. 

    વર્ષ 1946માં કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના બાદ ગુજરાતમાં દૂધ ઉત્પાદક મંડળીઓની શરૂઆત થઇ હતી. આ સંઘની રચના મુંબઈને દૂધ સપ્લાય કરવા માટે કરવામાં આવ્યો હતો કારણ કે તે સમયે વેપારીઓ પોતાની રીતે દૂધની કિંમત નક્કી કરતા હતા અને ઉત્પાદકોને બહુ ઓછું વળતર આપતા હતા. સંઘની સફળતા બાદ રાજ્યમાં આવી અનેક મંડળીઓ શરૂ થઇ અને જે તમામને ત્યારબાદ ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ લાવવામાં આવી.

    આજે GCMMF હેઠળ 18 જિલ્લા સહકારી સંઘ આવેલા છે. આ તમામ હેઠળ ગ્રામ્ય સહકારી મંડળીઓ આવેલી છે. આખા રાજ્યમાં આવી 18,600 જેટલી સહકારી મંડળીઓ છે અને તેઓ 36.4 લાખ દૂધ ઉત્પાદકો ધરાવે છે. 2020-21 માં GCMMF દ્વારા 2020-21માં દરરોજ 246 લાખ લિટર દૂધ એકઠું કરવામાં આવતું હતું. જ્યારે તેની દૈનિક ક્ષમતા 390 લાખ લિટરની છે. આ  ઉપરાંત, સંઘ પાલતૂ પશુના ખોરાક માટેના પ્લાન્ટ પણ ચલાવે છે. 

    GCMMF દ્વારા દૂધના એકત્રીકરણની પ્રક્રિયા એક ચોક્કસ પદ્ધતિ અને પ્રણાલીથી ચાલે છે. આ સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે. પહેલાં ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં દૂધ એકઠું કરવામાં આવે છે અને તેને જિલ્લા કક્ષાની મંડળીમાં મોકલવામાં આવે છે. જેઓ ત્યારબાદ પ્રવાહી દૂધ સીધું માર્કેટમાં વેચે છે જ્યારે બાકીનું GCMMFને મોકલવામાં આવે છે, જેઓ ત્યારબાદ પ્રક્રિયા કરીને વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. 

    આ માળખા હેઠળ આવા 18 જિલ્લાઓમાં ડેરી પ્લાન્ટ આવેલા છે. જેમાંથી 12 GCMMF હેઠળ અને બાકીના 6 ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળ છે. 

    આ સહકારી મંડળીઓના માલિકો દૂધ ઉત્પાદકો કહેવાય છે, પરંતુ તેનું સંચાલન જાણકારો અને પ્રોફેશનલ લોકો દ્વારા કરવામાં આવે છે. આ મોડેલ એટલું સફળ સાબિત થયું છે કે તેના થકી GCMMF દેશની સૌથી મોટી ફૂડ પ્રોસેસિંગ કંપની બની શકી છે. આ GCMMF મોડેલ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ ડેરી ઉત્પાદનને વેગ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

    જોકે, ગુજરાતમાં માત્ર ડેરી સેક્ટરમાં જ સહકાર મોડેલ સફળ થયું હોય તેમ નથી. અન્ય પણ કેટલાંક ક્ષેત્રમાં આ મોડેલ બહુ અસરકારક સાબિત થયું છે. ખાંડ ઉદ્યોગ એવું જ એક ક્ષેત્ર છે. સહકારી સુગર મિલ મામલે ગુજરાત દેશમાં આગળ પડતું રાજ્ય છે. જે રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ડેરી પ્લાન્ટ ચલાવવામાં આવે છે તે રીતે ખાંડ સહકારી મંડળીઓ દ્વારા રાજ્યમાં સુગર મિલ ચલાવવામાં આવે છે. જેના પણ માલિકો શેરડી ઉત્પાદક ખેડૂતો કહેવાય છે. 

    ગુજરાત રાજ્ય ખાંડ સહકારી મંડળીઓ હેઠળ 22 સુગર ફેકટરીઓ આવેલી છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આટલી મોટી સંખ્યામાં સહકારી સુગર મિલ આવેલી છે. આ મિલ નહીં નફા-નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. 

    બારડોલી સુગર ફેક્ટરી ગુજરાતની પહેલી સહકારી ફેક્ટરી હતી અને જેના થકી ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે નવી કર્ણતી આવી હતી. બારડોલી સુગર ફેક્ટરીએ ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ખાંડ સહકારી મંડળીઓ અને ફેક્ટરીઓ સ્થાપવા માટે યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડીને અગત્યનો ભાગ ભજવ્યો હતો. 

    ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરમાં પણ સહકાર મંડળીઓનું મોડેલ લાગુ કરવામાં આવ્યું છે અને સફળ પણ થયું છે. જોકે, હવે બેન્કિંગ સેક્ટરના નિયમો બદલાય પછી સહકારી બેન્કિંગ ક્ષેત્રમાં ગ્રાફ થોડો નીચે આવ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં અર્બન કૉ-ઓપરેટિવ બેન્ક આવેલી છે. 

    રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કુલ 211 નૉન-શિડ્યુલ અર્બન કૉ-ઓપરેટિવ બેન્કને માન્યતા આપવામાં આવેલ છે. જે દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં આવેલ 196 કૉ-ઓપરેટીવ બેન્ક કરતાં પણ વધુ છે. 

    જોકે, બેન્કિંગ ટેક્નોલોજી, ખાનગી બેન્કોનું વધતું પ્રમાણ અને આરબીઆઈના અમુક નિયમોને લીધે બેન્કિંગ સેક્ટરે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, કેટલાંક કૌભાંડ પણ બહાર આવ્યાં, જેનાથી પણ અસર પડી હતી. 

    જોકે, એક બૃહદ દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુજરાતમાં સહકાર ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે. ગુજરાત સરકારના ડેટા અનુસાર, રાજ્યમાં ડેરી, હાઉસિંગ, માર્કેટિંગ સોસાયટી, લેબર કોન્ટ્રાકટ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં સહકાર મંડળીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 

    દેશમાં સહકાર સેક્ટરના વિકાસ માટે મોદી સરકાર વિશેષ ધ્યાન આપતી રહી છે. જેના ભાગરૂપે જ ગત વર્ષે કેન્દ્ર સરકારમાં સહકાર મંત્રાલયની પણ રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ સહકાર મંત્રાલયનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ મંત્રાલયનો ધ્યેય છે- ‘સહકારથી સમૃદ્ધિ’

    મંત્રાલયની રચના વખતે સરકારે જણાવ્યું હતું કે, ‘સહકાર મંત્રાલય’ની રચના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવી છે, જે સમાજ આધારિત વિકાસ અને ભાગીદારી પર ધ્યાન આપશે. આ ઉપરાંત, એમ પણ જણાવવામાં આવ્યું હતું કે દેશમાં સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મંત્રાલય અલગ પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું પૂરું પાડશે અને સહકાર સમિતિઓ માટે ‘ઇઝ ઑફ ડૂઈંગ બિઝનેસ’ને વધુ સુવ્યવસ્થિત બનાવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં