Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા8-9 જુલાઈએ રશિયાની મુલાકાતે પીએમ મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત-રશિયા વાર્ષિક સમિટમાં...

    8-9 જુલાઈએ રશિયાની મુલાકાતે પીએમ મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ: 10મીએ ઑસ્ટ્રિયાની પણ કરશે યાત્રા

    આ બંને દેશોની મુલાકાત દરમિયાન જે-તે દેશનાં પાટનગરો મૉસ્કો અને વિયેનામાં વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે તેમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    આગામી 8-9 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ બાબતની અધિકારિક જાહેરાત કરી દેવામાં આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર PM મોદી આ વિદેશ યાત્રા કરશે. દરમ્યાન તેઓ ભારત-રશિયા વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. 1૦ જુલાઇના રોજ તેઓ ઓસ્ટ્રિયાની યાત્રા પણ કરશે તેમ જાણવા મળ્યું છે. 

    વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલી એક અધિકારિક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, PM મોદી 8થી 10 જુલાઇના રોજ રશિયા અને ઓસ્ટ્રિયાની યાત્રાએ હશે. 8 અને 9 જુલાઇના રોજ વડાપ્રધાન મૉસ્કો (રશિયાનું પાટનગર) ખાતે હશે, જ્યાં વ્લાદિમીર પુતિનને મળશે. અહીં બંને નેતાઓ 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી લઈને વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને પરસ્પર હિતોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામા આવશે. 

    9 અને 10 જુલાઇના રોજ PM ઓસ્ટ્રિયાની યાત્રા કરશે. 41 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયા જઈ રહ્યા છે. છેલ્લે 1983માં ઇન્દિરા ગાંધીએ યાત્રા કરી હતી. PM મોદી અહીં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે અને ચાન્સેલર સાથે પણ એક બેઠક યોજાશે. વડાપ્રધાન અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રિયાના બિઝનેસ લીડર્સ સાથે પણ વાર્તાલાપ કરશે. 

    - Advertisement -

    આ બંને દેશોની મુલાકાત દરમિયાન જે-તે દેશનાં પાટનગરો મૉસ્કો અને વિયેનામાં વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે તેમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2022માં રશિયાએ યુક્રેન પર સૈન્ય આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત રશિયા જઈ રહ્યા છે. આ પહેલાં તેમણે પાંચ વર્ષ અગાઉ 2019માં એક ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે યાત્રા કરી હતી. જ્યારે 2015માં તેઓ અંતિમ વખત મૉસ્કો ગયા હતા. હવે ફરી જઈ રહ્યા છે. 

    વડાપ્રધાનની મુલાકાતને લઈને ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) તરફથી જણાવવામાં આવ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની બેઠક થશે અને બંને નેતાઓ વ્યાપાર અને આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરશે. 

    નોંધવું જોઈએ કે શીતયુદ્ધ બાદથી જ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તે વધુ ઘનિષ્ઠ બનતા ગયા. બંને દેશો આર્થિક દ્રષ્ટિએ પણ એકબીજા માટે ઘણા મહત્વના છે. બીજી તરફ, બંને રાષ્ટ્રાધ્યક્ષો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પણ સારા સંબંધો રહ્યા છે. વ્લાદિમિર પુતિન અનેક વખત જાહેરમંચ પરથી પીએમ મોદી અને તેમની નીતિઓની પ્રશંસા કરી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં