લોકસભા ચૂંટણી-2024 પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. તેઓ જવાહરલાલ નહેરુ બાદના બીજા એવા રાજનેતા છે, જે વડાપ્રધાન તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ નિભાવી રહ્યા છે. તેઓ પહેલાં એવા બિનકોંગ્રેસી નેતા છે, જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ આ વિષયનો ઉલ્લેખ કરીને INDI ગઠબંધન પર પ્રહાર કર્યો છે. NDA સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે PM મોદીએ NDAના સાંસદોને રાહુલ ગાંધી જેવુ વર્તન ન કરવાની સલાહ પણ આપી છે.
PM મોદી મંગળવારે (2 જુલાઇ) NDA સંસદીય દળની બેઠકને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સહયોગી પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. તેમના ત્રીજા કાર્યકાળમાં PM મોદીએ પ્રથમ વખત NDAના સાંસદોને સંબોધન કર્યું છે. માહિતી અનુસાર, PM મોદીએ સાંસદોને ગૃહમાં યોગ્ય વર્તન રાખવાની સલાહ આપી છે. તેમણે સાંસદોને કહ્યું કે, લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેવુ વર્તન ન કરતાં. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, વિપક્ષ એટલા માટે હેરાન થઈ ગયું છે કારણ કે પહેલીવાર કોઇ બિનકોંગ્રેસી નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આ બેઠક વિશે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, PM મોદીએ NDA સાંસદોને ગૃહમાં કેવી રીતે વર્તન કરવાનું છે, તેને લઈને સલાહ આપી હતી. વડાપ્રધાને કહ્યું કે, તમામ સાંસદો દેશની સેવા કરવા માટે સંસદ સુધી આવ્યા છે. દેશની સેવા કરવી બધા સાંસદોની પ્રાથમિકતા હોય છે. તે સિવાય વડાપ્રધાને અનેક મુદ્દાઓ પર NDAના સાંસદોને સલાહ આપી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, “ગઈકાલે (1 જુલાઇ) ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે વર્તન કર્યું તે અમારા માટે એક પાઠ છે. તેમણે સ્પીકર તરફ પીઠ ફેરવીને તેમનું અપમાન કર્યું હતું. અમે આવું ન કરી શકીએ. વડાપ્રધાન હવે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીના એક-એક વાક્યનો જવાબ આપશે.”
નોંધનીય છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (જુલાઈ 1) લોકસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સંસદમાં બોલતા, રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત અને અસત્ય વિશે વાત કરે છે. આ નિવેદનના કારણે જ PM મોદીએ તેમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો.