થોડા સમય પહેલાં મુંબઈથી પ્રકાશિત થતા અખબાર ‘મિડ ડે’ના એક રિપોર્ટમાં EVMને લઈને જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો કે શિવસેના સાંસદના એક ઓળખીતા વ્યક્તિએ મોબાઈલ ફોનમાં OTP જનરેટ કરીને EVM અનલૉક કર્યું હતું. જે સદંતર ખોટી વાત હતી. પરંતુ તેની સ્પષ્ટતા કરવામાં આવે તે પહેલાં અનેક લોકોએ સમાચારને હાથો બનાવીને ચૂંટણી પંચ અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ચૂંટણી પંચે જાહેરમાં ખુલાસો આપવો પડ્યો હતો. ત્યારે હવે EVMને લઈને જુઠ્ઠાણું ફેલાવવા બદલ મિડ-ડે, રાજદીપ સરદેસાઈ, ધ્રુવ રાઠી સહિત અનેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિવેકાનંદ દયાનંદ ગુપ્તા નામના એક વકીલે મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં EVMને લઈને જુઠ્ઠાણું ફેલાવવા બદલ મિડ-ડે, રાજદીપ સરદેસાઈ, ધ્રુવ રાઠી અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે જેમણે પણ જુઠ્ઠાણું ચલાવ્યું છે, તેમના વિરુદ્ધ FIR કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. વકીલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં મિડ-ડે અખબારના પત્રકાર શિરીષ વક્તાણિયા તેમજ આ અહેવાલનાને વધારી-ચઢાવીને પ્રસ્તુત કરવા બદલ ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈ, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, NCPના ધારાસભ્ય જીતેન્દ્ર આહ્વાડ, કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલનાં પ્રમુખ સુપ્રિયા શ્રીનેત, આમ આદમી પાર્ટી સમર્થક યુટ્યુબર ધ્રુવ રાઠી, કોંગ્રેસ નેતા સરલ પટેલ અને અર્પિત શર્માના નામનો સમાવેશ થાય છે.
આ અરજીમાં વકીલે માંગ કરી છે કે પોલીસને આ મામલે તપાસ કરવા CRPCની કલમ 165 (3) અંતર્ગત નિર્દેશ આપવામાં આવે. અરજીમાં તેવી પણ માંગ કરી છે કે પોલીસ ભારતીય દંડ સંહિતાની કલમ 34 અને 120 B તેમજ કલમ 505 (2) અંતર્ગત તપાસ કરે તેવા આદેશ આપવામાં આવે.
Filed Complaint at Metropolitan Magistrate #court to direct police to register #FIR against #FakeNews #Midday on EVM. Against @Awhadspeaks @dhruv_rathee @SupriyaShrinate @priyankac19 @sardesairajdeep @iArpitSpeaks @SaralPatel.
— Adv.Vivekanand Gupta 🇮🇳 (@vivekanandg) June 29, 2024
Fake narrative has to be punished.@BJP4Maharashtra pic.twitter.com/2zqZlbCcO1
ઉલ્લેખનીય છે કે ગત 16 જૂને મિડ-ડેએ એક ભ્રામક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવા ચૂંટાયેલા સાંસદ રવીન્દ્ર વાયકરના મંગેશ પંડીલકર નામના એક પરિચિતે 4 જૂને સામાન્ય ચૂંટણીની મત ગણતરી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એક OTP જનરેટ કર્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ OTPના માધ્યમથી EVMને અનલોક કરવામાં આવ્યું હતું. અહેવાલમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મત ગણતરીના સમયે શરૂઆતમાં વાયકર પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ OTP દ્વારા ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમને અનલોક કરવામાં આવી અને બાદમાં તેમના મત વધવા લાગ્યા અને અંતે એક દમ સામાન્ય ફરકથી શિવસેના ઉમેદવાર વિજેતા બન્યા.
નોંધનીય છે કે આ પછી ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત અહેવાલ આપીને મિડ-ડેના આહેવાલની પોલ ખોલી હતી. અમે જણાવ્યું હતું કે મોબાઈલ ફોનથી કોઈ કાળે EVMને અનલોક ન કરી શકાય કારણકે EVMમાં લોક અનલોક જેવી કોઈ સિસ્ટમ હોતી જ નથી, અને તેના માટે કોઇ OTPની પણ જરૂર નથી પડતી, કારણ કે આ સિસ્ટમ એવી નથી કે વાયરલેસ રીતે કોઇ અન્ય ડિવાઇસ સાથે જોડી શકાય. આટલું જ નહીં, તેમનો ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમને લઈને કરવામાં આવેલો દાવો પણ પોકળ સાબિત થયો હતો, કારણ કે ETPBSમાં મતદારોને ઇલેક્ટ્રિક સ્વરૂપે મત સેવા આપવા માટે ઇલેક્ટ્રોનિક રીતે મતપત્રો મોકલવામાં આવે છે. ત્યારબાદ મતદારોએ ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવવાની હોય છે અને પોતાનો મત ચિહ્નિત કરીને તે મતપત્રને પોસ્ટ કરવાનું હોય છે. આ પ્રિન્ટેડ બેલેટ પેપર્સની ગણતરી મત ગણતરીની પ્રક્રિયા સાથે જ શરૂઆતમાં કરવામાં આવે છે.
મિડ-ડે દ્વારા ભ્રામક અહેવાલ આપતાંની સાથે જ ભાજપ વિરોધી લોકોએ તરખાટ મચાવી દીધો હતો. લોકોએ ધડાધડ તેને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ એ જ લોકો હતા જેમને પોતાની, કે પોતે જે પાર્ટીને સમર્થન આપે છે તેમની હારથી વિચલિત થઈને EVM હેક કરવાના જુઠ્ઠાણાં ફેલાવતા રહે છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ચતુર્વેદી, આદિત્ય ઠાકરે, રાજદીપ સરદેસાઈ, સુપ્રિયા શ્રીનેત, ધ્રુવ રાઠી, પ્રશાંત ભૂષણ અને અન્ય અનેક લોકો સામેલ છે.
જોકે મિડ-ડેના અહેવાલ બાદ તરત જ ચૂંટણી પંચે તેના દાવાનું ખંડન કર્યું અને જણાવ્યું હતું કે, ‘આ અખબાર દ્વારા ફેલાવવામાં આવી રહેલું જુઠ્ઠાણું છે, જે કેટલાક નેતાઓ આગળ વધારી રહ્યા છે.’ ઘટનામાં એક વ્યક્તિ ફોન લઈને અનધિકૃત રીતે પ્રવેશ્યો હતો તે મામલે FIR દાખલ કરવામાં આવી હતી, જેને EVM કે પોસ્ટલ બેલેટ અનલોક કરવા સાથે કોઈ લેવાદેવા નથી. તે સમયે ચૂંટણી પંચે પણ અખબારને ચૂંટણી પ્રક્રિયામાં શંકા ઉભી કરવા બદલ નોટિસ ફટકારી હતી.
હોબાળો થયા બાદ મિડ-ડેએ પોતાની વેબસાઈટ પરથી આખા અહેવાલને ઉડાવી દીધો હતો અને પહેલા પાને ખૂણામાં એક સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, “તેમના અહેવાલમાં અજાણતા એક ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી વ્યક્તિએ EVMને અનલોક કરવા માટે OTP જનરેટ કરવા પોતાના ફોનનો ઉપયોગ કર્યો હતો.”