જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ પોલીસે ખૂંખાર રહીમ ખૂરી ગેંગના 10 સભ્યો વિરુદ્ધ GujCTOC અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓ ડબલ મર્ડર સહિત ઘરફોડ ચોરી,લૂંટ પ્રોહિબિશન ,રાયોટીંગ ,ખંડણી ,અપહરણ ગેરકાયદેસર કબજા, મારામારી, ધાકધમકી તેમજ ગેરકાયદેસર હથિયાર અને જુગાર સંબંધી અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. તમામ આરોપીઓ ગેંગ સ્વરૂપે કામ કરતા અને આખા પંથકમાં તેમનો ત્રાસ હતો.
મળતી માહિતી અનુસાર જૂનાગઢ પોલીસે તાજેતરમાં જ ગત 11 મેના રોજ વંથલીના રવની ગામે થયેલા ડબલ મર્ડર કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી 7 ઘાતક હથીયારો પણ મળી આવ્યા હતા. ધરપકડ બાદ ચાલેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ સાતેય આરોપીઓ જૂનાગઢ પંથકમાં હત્યા, અપહરણ, હિંસા, ધમકીઓ, લૂંટફાટ તેમજ હત્યા અને હત્યાના પ્રયાસો જેવા ગુના આચરી તરખાટ મચાવતી ગેંગ રહીમ ખૂરી ગેંગના સભ્યો છે.
તમામ આરોપીઓ વિરુદ્ધ 4થી વધુ ગુના દાખલ
ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અઢળક ગુના નોંધાયેલા છે. તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાની વાત કરીએ તો રહીમ ઉર્ફે ખુરી ઈસ્માઈલ ઉર્ફે ઈશા સાંઘ પર 9 ગુના નોંધાયેલા છે, ઇમરાન ઉર્ફે ભીખો હબીબ સાંઘ પર 4, હનીફ ઉર્ફે હનો ઇસ્માઈલ સાંઘ પર 3, હુસેન અલ્લારખા સાંધ પર 4, અમીન ઈસ્માઈલ સાંઘ પર 8, બોદુ અબુ પલેજા પર 9, રહીમ ઉર્ફે અંતુડી પર સૌથી વધુ 24 ગુના, અનિશ ઉર્ફે અનલો ઈસ્માઈલ સાંઘ પર 5, ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા પર કુલ 16 ગુના નોંધાયેલા છે.
આ ગેંગનો એટલો ખોફ હતો કે કોઈ વ્યક્તિ આ ગેંગના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત નહોતું કરતું. જે લોકોએ ગુના નોંધાવ્યા તેઓ કાંતો પોતાની ઓળખ છુપાવતા કાંતો ડરી-ડરીને જીવન વ્યતીત કરતા. ગેંગને કાયદા કે પોલીસનો જાણે ડર જ નહતો તેમ તેઓ ગુનાખોરી આચરતા. તેવામાં આ ગેંગની અસ્તિત્વ પોલીસ બેડા માટે પડકાર બની ચૂક્યો હતો. તેવામાં ગેંગના 10 સભ્યો વિરુદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
વંથલી ગામના રવની ગામમાં થયેલા પિતા પુત્રના મર્ડર મામલે નોંધાયેલા ગુનામાં પકડાયેલ સાત આરોપીઓ પૈકી ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પહેલા આ ગેંગ સાથે સંડોવાય ગુના આચરતા 2 આરોપીઓ અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓ મળી કુલ 10 શખ્સો વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.