તમિલનાડુમાં સ્થિત કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. અહીં લઠ્ઠાકાંડથી હમણાં સુધીમાં 56 લોકોના મોત થઈ ચૂક્યાં છે. કલ્લાકુરિચી જિલ્લો તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી 250 કિમીના અંતરે આવેલો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઝેરીલો દારૂ પીવાના કારણે લગભગ 200 લોકો હાલ પણ હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલ છે. મૃતકોમાં ઘણા કરુણાપુરમ જિલ્લાના રહેવાસી પણ છે. ઘટનાના પગલે 7 ધરપકડ થઈ હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ ઘટનાને લઈને હવે ભાજપે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, DMK નેતાઓ અને INDI ગઠબંધનના અન્ય નેતાઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપે સવાલ કર્યો છે કે, આ બધા નેતાઓ હવે ચૂપ કેમ છે?
મળતી માહિતી અનુસાર, ઝેરીલો દારૂ પીનારા 200 લોકોને કલ્લાકુરિચી હોસ્પિટલ, પોંડિચેરીમાં JIPMER હોસ્પિટલ, સલેમ સરકારી હોસ્પિટલ અને વિલુપ્પુરમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર હેઠળના 30 લોકોની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. તમિલનાડુમાં ઝેરીલા દારૂના કારણે મોત થવાનો સિલસિલો 19 જૂનના રોજ બપોરથી શરૂ થયો હતો. પહેલાં દિવસે જ આ ઘટનાથી 34 લોકોના મોત થયા હતા. તેમાંના 24 તો માત્ર કલ્યાણપુરમના લોકો હતા. 20 જૂનના રોજ તમામ મૃતકોના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
21 જૂનના રોજ મૃતકોનો આંકડો વધીને 47 સુધી પહોંચી ગયો હતો. જ્યારે હવે 23 જૂનના રોજ આ આંકડો 56 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ લઠ્ઠાકાંડને લઈને દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ પહેલીવાર નથી કે, રાજ્ય સરકાર ઝેરીલા દારૂના કારણે થનારા મોતને રોકી શકી નથી. કોર્ટે કહ્યું કે, તેમણે આ ઘટના પહેલાં પણ કલ્લાકુરિચીમાં વેચાઈ રહેલા ઝેરીલા દારૂ વિશેનો એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો હતો. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મે મહિનામાં તમિલનાડુ સરકારને નોટિસ પણ ફટકારી હતી. તેમ છતાં તે બાબતે ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
‘રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ચૂપ કેમ?’- ભાજપ
તમિલનાડુમાં લઠ્ઠાકાંડથી 56 લોકોના મોત થયા હોવાની ઘટના બાદ હવે ભાજપે પણ INDI ગઠબંધન અને કોંગ્રેસ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, જો સમયસર સારવાર અને ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. આ ઘટનાના પગલે ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી હતી. ભાજપ નેતાએ પત્રકાર પરિષદમાં કહ્યું છે કે, તમિલનાડુની ઘટના પર INDI ગઠબંધનના તમામ નેતાઓનું મૌન આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું, આ મામલો દુઃખદ અને ગંભીર છે. તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં અવૈદ્ય દારૂના કારણે હમણાં સુધી 56 લોકોના મોત થયા છે. ખાસ કરીને કરુણાપુરમ ગામમાં પણ આ દુર્ઘટના જોવા મળી છે. આ ગામ અનુસૂચિત જાતિ બાહુલ્ય ગામ છે.
#WATCH | BJP MP Sambit Patra says "Today we are here to discuss news from Tamil Nadu, it is about a hooch tragedy, illicit liquor from Kallakurchi, a district of Tamil Nadu…When I came to hold this press conference and was checking the figures, the number of dead was 56. More… pic.twitter.com/ldHaFYjZM9
— ANI (@ANI) June 23, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “56 લોકોના મોત થયા છે અને ઘણાની હાલત ગંભીર છે. લગભગ 200 આસપાસ લોકો હોસ્પિટલમાં છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. પરંતુ મને આશ્ચર્ય છે કે, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, DMK અને INDI ગઠબંધનના તમામ લોકો આના પર ચૂપ કેમ છે?” તેમણે વધુમાં કહ્યું કે, “અમારા બોલવાથી વધારે તેમનું મૌન બોલી રહ્યું છે. આ દેશમાં 32થી વધુ દલિતોની પ્રયોજિત હત્યા થાય છે. તેના પર આટલી બધી રાજકીય પાર્ટીઓ ચૂપ છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ ઘટનાનો કિનપિંગ ગોવિંદ રાજ છે. તેના ઘરના ફોટો પણ મીડિયામાં દેખાડવામાં આવ્યા હતા. તેના ઘરની બહાર અને અંદર DMKના સ્ટીકર લાગેલા છે. કલ્પના કરો કે, ઘટનાનો કિનપિંગ DMK સાથે સંકળાયેલો હોય શકે છે.” આ સાથે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સ્ટાલિનને પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકોને ઘટના વિશે જાણ કરવાની વાત કરી હતી.