પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડવા મામલે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી જ જૈન સમાજના અગ્રણીઓ વિરોધમાં ઉતર્યા છે. સુરતમાં લગભગ 2500 જેટલા જૈન સમાજના અનુયાયીઓએ કલેકટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યો હતો. જેના પગલે અડધી રાત્રે કલેકટર કચેરી ખોલવાની ફરજ પડી હતી. જૈન સમાજના અગ્રણીઓએ સુરત, વડોદરા સહિતના તમામ શહેરોના કલેક્ટરોને આ મામલે આવેદન પત્ર આપ્યા હતા. આ સાથે જ તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે હવે રાજ્ય સરકાર પણ આ મામલે એક્શનમાં આવી છે. હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મૂર્તિઓને ફરીથી મૂળ સ્થાન પર સ્થાપિત કરવાનું આશ્વાસન આપ્યું છે.
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડી પાડવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. સોમવારે (17 જૂન, 2024) તેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, “પાવગઢ ખાતે હજારો વર્ષોથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ હતી. તેનું પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી હતી. કોઈપણ ટ્રસ્ટ કે સંસ્થાને તીર્થંકરોની આ પ્રતિમાઓ તોડવાની પરવાનગી ના જ હોય શકે.”
#WATCH | Gandhinagar: On Pavagadh Jain temple issue, Gujarat Minister Harsh Sanghvi says, "Pavagadh is a historic land. Many Jain teerthankars' statues had been established on the mountains of Pavagadh…No trust, organisation or individual has the right to demolish such historic… pic.twitter.com/WzCiptEZoM
— ANI (@ANI) June 17, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “ટ્રસ્ટ દ્વારા કે જે કોઈપણ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે, તેની અરજીઓ લેવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેકટરને સૂચના આપવામાં આવી છે કે, નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી, તેને હટાવવાની કોઈ પરવાનગી હોય જ ન શકે. તે મૂર્તિઓ જ્યાં હતી, જે દાદર પાસે હતી, ત્યાં જ તેને પુનઃ સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની આસ્થાને ક્યાંકને ક્યાંક ઠેસ પહોંચી છે. કલેકટર, SP, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક તે પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે.”
સાથે જ સ્થાનિક જૈન સમાજ અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ વચ્ચે સુખદ સમાધાન થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ બાબતે જૈન સમાજના અગ્રણી અને સાથે જ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ નિવેદન પણ આપ્યું છે.
પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરવાના વિવાદ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ#Gujarat #Pavagadh #News #BreakingNews pic.twitter.com/pXomjXxYMt
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2024
શું છે વિવાદ?
આ વિવાદની શરૂઆત રવિવારના (16 જૂન) રોજ થઈ હતી. રવિવારે પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે તોડી નાખી હતી. મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓને સારી સુવિધા આપવા માટે વિકાસકાર્ય કરી રહ્યું હતું. જે અંતર્ગત તેમણે મૂર્તિઓને મૂળ સ્થાન પરથી હટાવી દીધી અને ખંડિત કરી દીધી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો છે. જૈન સમાજની એક જ માંગ છે કે, આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જિર્ણોધ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.”
જૈન અગ્રણીઓએ કહ્યું છે કે, “મહાકાળી માતાના મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે.” અન્ય એક જૈન અગ્રણીએ આ મામલે હાઇકોર્ટમાં રજૂઆત કરવાની ચીમકી આપી હતી. પરંતુ હવે સરકારે હસ્તક્ષેપ કરીને પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા માટેના આદેશ આપ્યા છે.