નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTએ 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં સૌથી મહત્વની બાબત એ છે કે 12માના પોલિટીકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ દૂર કરી દેવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં તેને બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજવાળો ઢાંચો કહેવામાં આવ્યો છે. આ સાથે જ પુસ્તકમાં અયોધ્યા પરનું પ્રકરણ ચાર પાનાંથી ઘટાડીને બે પાનાનું કરી દેવામાં આવ્યું છે.
વાસ્તવમાં નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, સોમનાથથી અયોધ્યાની લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વસ્ત બાદ થયેલાં રમખાણો, 2002નાં ગુજરાત રમખાણો અને ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા, રાષ્ટ્રપતિ શાસનવાળી ઘટનાઓ વગેરે દૂર કરવામાં આવી છે. આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25થી અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે.
જૂના પુસ્તકની જો વાત કરીએ તો જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદને ’16મી સદીની મસ્જિદ’ તરીકે રજૂ કરવામાં આવી હતી, તેમાં ઉલેખ કરવામાં આવ્યો હતો કે બાબરીને મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બકીએ બંધાવી હતી. સાથે જ જૂના પુસ્તકમાં 2 પાના ભરીને અયોધ્યામાં બાબરી ધ્વંસ, હિંદુ-મુસ્લિમ વચ્ચે રમખાણો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ પુસ્તકમાં બાબરીની જગ્યાએ ત્રણ ગુંબજવાળો ઢાંચો લખવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, “1986માં, ત્રણ ગુંબજવાળા ઢાંચાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો, જ્યારે ફૈઝાબાદ (હવે અયોધ્યા) જિલ્લા અદાલતે ઢાંચાના તાળાઓ ખોલવાનો ચુકાદો આપ્યો અને લોકોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી. આ વિવાદ ઘણા દાયકાઓથી ચાલી રહ્યો હતો, કારણ કે એવું માનવામાં આવતું હતું કે શ્રીરામના જન્મસ્થળ પર એક મંદિરને તોડીને ત્રણ ગુંબજવાળી રચના બનાવવામાં આવી હતી.”
નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદની જગ્યાએ ‘રામ જન્મભૂમિ મંદિર આંદોલન’ તરીકે વર્ણવામાં આવ્યું છે. તેમાં રાજનીતિક તેમજ કાયદાકીય વિવાદનો ભારતીય રાજકારણ પણ પડેલો પ્રભાવ પણ દર્શાવવામાં આવ્યો છે. નવા પુસ્તકમાં અયોધ્યાને પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે સન 1528માં અહીં ત્રણ ગુંબજવાળો ઢાંચો બનાવી દેવામાં આવ્યો હતો.
NCERTના નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો હતો કે આ જમીન મંદિરની છે. આ સાથે જૂના પુસ્તકમાં કેટલાક અખબારોના કટિંગની તસવીરો જોડવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કલ્યાણ સિંહની સરકારને હટાવવાના આદેશનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે નવા પુસ્તકમાં તેને હટાવી દેવામાં આવ્યું છે.