બૉલીવુડની એક ફિલ્મ ‘હમારે બારહ’ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે, જેમાં મુસ્લિમ મહિલાઓ પર થતાં ઘરેલું અત્યાચાર અને સામાજિક દબાણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, આ ફિલ્મ લાંબા વિવાદમાં ફસાઈ ગઈ હતી, કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથીઓ આ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર અન્નુ કપૂરનું છે, જેમની સાથે અદિતી ધીમાન તેમની પુત્રી ઝરીનનું પાત્ર ભજવી રહી છે. હવે અદિતી ધીમાને ખુલાસો કર્યો છે કે તેમને ‘સર તન સે જુદા કરવા’, ‘રેપ કરવા’ અને જાનથી મારી નાખવા જેવી ધમકીઓ મળી રહી છે.
આજતક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં હમારે બારહ ફિલ્મની અભિનેત્રી અદિતી ધીમાને કહ્યું, “મને એટલી બધી રેપ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે કે, બાપ રે! અત્યારે પણ દરેક ધમકીઓ મારા મેસજમાં પડી છે. સોશિયલ મીડિયા પર ખાનગી રીતે મેસેજ કરે છે અને તેમાંથી અડધાથી વધુ નકલી અને ફેસલેસ એકાઉન્ટ છે. મતલબ, એક દિવસ હું અચાનક જાગી અને આટલા બધા મેસેજ જોયા. વિચાર્યું કે અમે સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અમને જ મારી નાખશે, સર તનથી જુદા કરી નાંખશે. રેપ કરશે. આવા મેસેજ આવી રહ્યા છે. એક આર્ટિસ્ટ તરીકે આ ખૂબ દુઃખી કરનારી બાબત છે. પરંતુ તમારી પાસે તેને ઇગ્નોર કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી.”
‘હમારે બારહ‘માં અદિતી ધીમાન અન્નુ કપૂરની દીકરી ઝરીનનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં તેનું પાત્ર એક એવી પુત્રીનું છે, જે બળવાખોર છે, પરંતુ સાથે જ તેના માતા-પિતાના સન્માનનું પણ ધ્યાન રાખે છે. તેમને દુઃખ પણ પહોંચાડવા નથી માંગતી. તેનો જન્મ એક એવા પરિવારમાં થયો છે, જેમાં સ્ત્રીઓનું કોઈ અસ્તિત્વ જ નથી માનવામાં આવતું. તેમ છતાં, તે સ્વપ્ન જોવામાં અચકાતી નથી, આ બધાની વચ્ચે ઝરીન કેવી રીતે તેની ઓળખ બનાવે છે તે ફિલ્મનો મુખ્ય ભાવ છે.
નોંધનીય છે કે, ફિલ્મ ‘હમારે બારહ’ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે પણ આ ફિલ્મ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જ્યારે ઈસ્લામિક કટ્ટરપંથીઓ આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને સતત ધમકીઓ આપી રહ્યા છે.