લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામો પણ આવી ચૂક્યાં છે. NDAએ બહુમતી મેળવીને ફરી એકવાર વડાપ્રધાનની ખુરશી પર નરેન્દ્ર મોદીને બેસાડવાનો નિર્ણય પણ લઈ લીધો છે. કેટલીક બેઠકો વિપક્ષના ભાગે ચોક્કસ ગઈ છે, પરંતુ ત્યાં પણ હવે વિખવાદ થતો નજરે પડી રહ્યો છે. તાજેતરમાં બનાસકાંઠામાં કોંગ્રેસ તરફે લોકસભા ચૂંટણી જીતેલાં ગેનીબેન ઠાકોરે પોતાની પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન આપેલું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. બીજી તરફ, પાર્ટીના નેતાઓ પણ તેમના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતમાં એક માત્ર બેઠક કોંગ્રેસના ખાતે ગઈ તેવી બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત બાદ ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું “બનાસકાંઠાના મતદારોએ ખૂબ દિલથી ગરીબ સમાજની દીકરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી. કોઈ એકલી પાર્ટી નથી ચાલવાની, ક્યાંક પાર્ટી તો ક્યાંક કેન્ડિડેટ ચાલે છે. આ ચૂંટણી ભાજપ સામે ન હતી, સિસ્ટમ સામે હતી. લોકોએ નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય આ વખતે બેનને જીતાડવાં છે એટલે લોકોના કહેવા પરથી ટિકિટ આપવામાં આવી હતી.”
વ્હાલા-દવલાની નીતિ, સંગઠનમાં ખામી: ગેનીબેન ઠાકોર
પોતાની જ પાર્ટી પર સવાલો ઉભા કરતાં ગેનીબેને કહ્યું કે, “હું કોંગ્રેસના કાર્યકર્તાઓને ચોક્કસ કહીશ કે એક સમય હતો કે કોંગ્રેસના નામે ગમે તેને ટિકિટ મળે તે જીતી જતો હતો. પાછલો દશકો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો. ગુજરાતમાં પચ્ચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સમય છે. હવે તે શહેર પૂરતું રહ્યું છે. 2017માં કોંગ્રેસના 77 ધારાસભ્યો પહોંચ્યા હતા. આ વખતે પણ અમે જ્યાં પણ લડ્યા ત્યાં તાકાતથી લડ્યા છીએ. પરંતુ મારે ન કહેવું જોઈએ પણ કોંગ્રેસના સંગઠનમાં કમી છે, એ કમી દૂર કરીને મજબૂતાઈથી કામ કરવું પડે. નવા માણસોને તક આપવી પડે. વહાલા-દવલાની નીતિ બાજુ પર મૂકીને ‘સારો એ મારો નહીં પણ સારો એ સહુનો’ તેમ કરીને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કોંગ્રેસને એટલો સંદેશો આપીશ કે તમે વ્હાલા-દવલા કરવાનું બાજુ પર મૂકીને લોકો વચ્ચે જાઓ.”
કોંગ્રેસને પોતાની પેઢી માને છે, સિસ્ટમ બદલવાની જરૂર છે: ગેનીબેન ઠાકોર
તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં 2027માં કોંગ્રેસને બહુમતી અપાવવા માટે કોંગ્રેસ સમિતિએ કામ કરવું પડશે, જેથી હું કાર્યકર્તાઓને કહીશ કે તેઓ બહાર નીકળે અને વ્યક્તિગત સ્વાર્થમાંથી બહાર નીકળીને કામ કરે. નીતિ સાથે સંકળાયેલા રહેશો તો વાંધો નહીં આવે. ગ્રાઉન્ડ ઝીરો પર જવું પડશે. સંગઠનનું માળખું તૈયાર કરવું પડશે. જે લોકો દોષી છે, જેઓ પોતાની પેઢી માને છે અને ખોટું કરનારને પણ બચાવવાની જે સિસ્ટમ છે તે સિસ્ટમ બંધ કરી દેવી પડે અને નવી યુવા પેઢી તૈયાર કરવી પડે. ઉપરાંત, આવનાર સમયની અંદર જિલ્લાથી લઈને બૂથ લેવલનું પ્લાનિંગ થાય એ જરૂરી છે.”
હજારે એક માણસ સંગઠનનો નહતો, કોંગ્રેસ નહીં, કેન્ડીડેટ ચૂંટણી લડે છે: ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું કે, “બનાસકાંઠામાં જે મતદાન થયું છે, તે લોકોએ કર્યું છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી લોકો લડ્યા છે. હજારે એક પણ માણસ સંગઠનનો નહતો. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને જ ખબર ન હોય કે ચૂંટણી શું છે, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ન હોય ચૂંટણી શું છે, આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણી લડવી એ અઘરો વિષય છે અને કડવો અનુભવ છે. આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન બનાવે, કોઈ વ્યક્તિ કે સમાજનું નહીં. કોઈ પરિસ્થિતિને અનુરૂપ કે લાલચમાં ન આવે તેવું અડીખમ સંગઠન તૈયાર થાય એવું કોંગ્રેસ કરે એવું હું ઇચ્છું છું.
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશ છે કે, ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં ગ્રાઉન્ડ ઝીરો પરની સંગઠનની કામગીરીનો અભાવ છે. સિસ્ટમનો ઘણો મોટો અભાવ છે. આ કારણે ઉમેદવારને પોતાના દમ પર અને પોતાના સમાજના દમ પર ચૂંટણી લડવી પડે છે. પાર્ટી જ્યારે ચૂંટણી લડશે ત્યારે મને લાગે છે કે લોકોના જનઆશીર્વાદ મળતા થશે.”
ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી
બીજી તરફ નવા ચૂંટાયેલાં સાંસદ સભ્ય ગેનીબેન દ્વારા આપવામાં આવેલું આ નિવેદન સ્થાનિક સ્તરે સંગઠનને ખૂંચી ગયું છે. તેમના આ નિવેદનને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, ગેનીબેન ઠાકોરનું સંગઠન મામલે નિવેદન દુઃખદ છે. જે નિવેદન આપ્યું તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડનારું છે.
મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ગેનીબેને જે નિવેદન આપ્યું કે પાર્ટીમાં સંગઠનની ઉણપ છે, ત્યારબાદ અનેક કાર્યકર્તાઓના મારા પર ફોન આવ્યા. તેમને દુઃખ પહોંચ્યું કે અમે રાત દિવસ કામ કર્યું, આટલી મહેનત-મજૂરી કરી તે છતાં કેમ આમ કહ્યું. પાર્ટીએ કે સંગઠને કામ ન કર્યું હોય તો અમને રજૂઆત કરી હોત તો અમે બેનની સાથે છીએ. જ્યારે નાના અને પાયાના કાર્યકર્તાઓની વાત આવતી હોય ત્યારે કહું છું કે આપ પૂછી જોજો કે અમે કેટલું કામ કર્યું છે. અમે રાત-દિવસ લોહી રેડ્યું છે ત્યારે આ પરિણામ મળ્યું છે. અમે બહેન સાથે રહીને તેમને પરિણામ સુધી પહોંચાડ્યાં છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “આખા ગુજરાતમાં જો માત્ર એક જ બેઠક આવતી હોય તો કોંગ્રેસે કરેલી મહેનત છે. પાયાના કાર્યકર્તાઓનું કામ દેખાય છે. સંગઠને કાળી મજૂરી કરી છે રાત દિવસ જોયા વગર, ત્યારે આ પરિણામ મળ્યું છે. ગેનીબેનની વાત બધાને લાગુ નથી પડતી. સંગઠનમાં ક્યાંક ઉણપ રહી છે, જવાબદાર લોકોને લાગુ પડે છે.”