દિલ્હીથી બનારસ જઈ રહેલી ઈન્ડીગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ફ્લાઈટ વહેલી સવારે દિલ્હીથી બનારસ માટે ઉડાન ભરવાની હતી. ટેક-ઓફ પહેલા જ બોમ્બની વાત સામે આવી અને તાત્કાલિક સવાર યાત્રીઓને ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોમ્બની સૂચના મળતાની સાથે જ સુરક્ષા દળો અને બોમ્બ સ્કવોડ વિમાન સુધી પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર વિમાનના બાથરૂમમાં એક ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી લખેલી હતી. ટીશ્યુ મળતાની સાથે જ માનક પ્રોટોકોલનું પાલન કરતા યાત્રીઓને તાત્કાલિક વિમાનમાંથી ઇવેક્યુએટ કરી દેવામાં આવ્યા. તમામ યાત્રીઓ સુરક્ષિત બહાર આવી ગયા બાદ સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ સ્કવોડ દ્વારા વિમાનને કોર્ડન કરી દેવામાં આવ્યું અને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યું. વિમાનની સંપૂર્ણ તપાસ કરતા કશું વાંધાજનક નહોતું મળી આવ્યું.
આ મામલે પોલીસે ધમકી આપનાર વ્યક્તિને ઝડપી લેવા કવાયદ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને CISFએ જણાવ્યું હતું કે, “ફ્લાઈટ નંબર 6E2211 જે વારાણસી માટે ઉડાન ભરવાની હતી તેમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર બોમ્બ લખેલું હતું. ફ્લાઈટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ યાત્રીઓને સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે.
A senior CISF official says "A tissue paper, with the word 'bomb' written on it, was found in the lavatory of Indigo flight 6E2211 from Delhi to Varanasi at Delhi airport, prompting security agencies to conduct an inspection but it turned out to be a hoax"
— ANI (@ANI) May 28, 2024
આ મામલે ઈન્ડીગોએ પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “દિલ્હીથી બનારસ જઈ રહેલી ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હતી. સૂચના મળતા જ આવશ્યક પ્રોટોકોલ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી, તાત્કાલિક સુરક્ષાદળોને જાણ કરવામાં આવી. સુરક્ષાદળોના નિર્દેશ અનુસાર વિમાનને કોર્ડન કરવામાં આવ્યું અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. હાલ તપાસ ચાલી રહી છે, તપાસ બાદ વિમાનને ફરી ટર્મિનલમાં લઈ આવવામાં આવશે.”