ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને લઇ જતું એક હેલિકૉપ્ટર ક્રેશ થઈ ગયું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્યાંક જણાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે તેનું ‘ક્રેશ લેન્ડિંગ’ કરવામાં આવ્યું હતું. આ ઘટના રવિવારે (19 મે) ઈરાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત જોલફા ખાતે બની. કહેવાય રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ રવાના થઈ ગઈ છે, પરંતુ તેમણે પણ ખરાબ હવામાનનો જ સામનો કરવો પડી રહ્યો છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સે ઈરાનના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે હેલિકૉપ્ટર ક્રેશ જ થયું છે. તે સમયે તેમાં ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી ઉપરાંત તેમના વિદેશ મંત્રી હુસૈન આમિરઅબ્દુલ્લાહીયન પણ હાજર હતા. તેઓ અઝરબૈજાનથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. જ્યાં ઘટના બની તે ઈરાનની રાજધાની તહેરાનથી 600 કિલોમીટર દૂર છે. વાસ્તવમાં તેઓ અઝરબૈજાન ખાતે બંને દેશો વચ્ચેના એક સંયુક્ત પ્રોજેક્ટ એવા એક ડેમના ઉદઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ઘટના બની. કુલ ત્રણ હેલિકૉપ્ટર હતાં, જેમાંથી જેમાં રાષ્ટ્રપતિ અને અન્યો હતા તેને જ અકસ્માત નડ્યો છે, બાકીનાં સલામત લેન્ડ કરી ચૂક્યાં છે.
The weather in the area of the accident is not helping the rescue operation pic.twitter.com/npyyde4FZX
— Iran Observer (@IranObserver0) May 19, 2024
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં એ જાણવા મળ્યું નથી કે રાષ્ટ્રપતિ રઈસી અને અન્ય મુસાફરોને કોઇ ઇજા પહોંચી છે કે કેમ કે તેમની પરિસ્થિતિ શું છે. રેસ્ક્યુ ટીમો રવાના કરી દેવામાં આવી છે પરંતુ હવામાનના કારણે તેઓ પહોંચી શકે તેમ નથી. વિસ્તારમાં ભારે વરસાદ છે અને જે તસવીરો સામે આવી છે તેમાં ધુમ્મસ પણ વધુ જોવા મળી રહ્યું છે.
ઇન્ટિરિયર મિનિસ્ટર (ભારતમાં ગૃહમંત્રીની સમકક્ષ) અહમદ વાહીદીએ મીડિયાને જણાવ્યું કે, ખરાબ હ્વમાનના કારણે રેસ્ક્યુ ટીમોને પહોંચવામાં હજુ સમય લાગી શકે તેમ છે. રેસ્ક્યુ ઑપરેશન માટે લગભગ 20 જેટલી ટીમો અને સાથે ડ્રોન મોકલવામાં આવી રહ્યાં છે. તેઓ સ્થળ પર પહોંચે પછી જ વધુ જાણકારી બહાર આવી શકશે. હાલ દુનિયાને ખબર નથી કે રાષ્ટ્રપતિ અને તેમની ટીમ કઈ સ્થિતિમાં છે. ઉપરાંત, સેના અધ્યક્ષે સેનાનાં તમામ સંસાધનોને રેસ્ક્યુ ઑપરેશન માટે કામે લગાડવા માટેના આદેશ આપી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.
Official Instagram page of Iran's President Ebrahim Raisi has called on Iranian people to pray for him and his entourage. pic.twitter.com/nbJFLlZVkz
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 19, 2024
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના અધિકારિક ઈન્સ્ટાગ્રામ પેજ પરથી એક પોસ્ટ કરીને તેમની સલામતી માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરવામાં આવી છે. હજુ સુધી તેમની સ્થિતિ વિશે કોઇ જાણકારી સામે આવી નથી.