બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો અને હત્યા-રેપના વિરોધમાં શુક્રવારે રાષ્ટ્ર્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. બાંગ્લાદેશના ચિત્તગોંગમાં શુક્રવારે હિંદુઓ પર થઇ રહેલા હુમલા, હિંદુ શિક્ષકોની હત્યા અને મહિલા પર બળાત્કારના વિરોધમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
બાંગ્લાદેશના લોકલ મીડિયા હિંદુ સંગબાદ દ્વારા આ વિરોધ પ્રદર્શનનો વિડીયો પણ ટ્વિટ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે હાથમાં મશાલ લઈને મોટી સંખ્યામાં લોકો માર્ચમાં જોડાયા હતા. વિડીયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે, ‘શાહપરામાં હિંદુઓ પર થયેલા જઘન્ય જિહાદી હુમલાઓના વિરોધમાં શાહબાગ અને દેશભરના અન્ય વિસ્તારોમાં હિંદુ સંગઠનો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનોનું આયોજન.’
A protest march is held today in Chittagong against the barbaric attacks on Hindus in #Narail, Bangladesh and the ongoing killing of Hindu teachers and rape of Hindu women. pic.twitter.com/xp6IuDPz21
— Hindu Sangbad – হিন্দু সংবাদ (@sangbad_bd) July 22, 2022
બાંગ્લાદેશમાં તાજેતરમાં ફરીથી હિંદુઓ પર હુમલાના બનાવો બન્યા હતા. ઇસ્લામ અંગેની એક ફેસબુક પોસ્ટ અંગે અફવા ઉડ્યા બાદ ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કરી દીધો હતો અને ક્યાંક આગચંપી પણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં શુક્રવારે વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યાં હતાં.
15 જુલાઈના રોજ, બાંગલાદેશના શાહપરા વિસ્તારમાં હિંદુઓનાં ઘરોને આગ લગાડી દેવામાં આવી હતી. શુક્રવારની નમાઝ બાદ ટોળું એકઠું થઈને હિંદુ વિસ્તારો તરફ ધસી ગયું હતું અને હિંસા આચરી હતી. ટોળાએ એક 18 વર્ષીય યુવક પર ફેસબુક પોસ્ટ કરીને તેમની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, આ ફેસબુક પોસ્ટ એક 18 વર્ષીય યુવક આકાશ સાહાએ કરી હતી. જે વાયરલ થયા બાદ શુક્રવારે જુમ્માની નમાજ બાદ યુવકના ઘરની બહાર ટોળું એકઠું થઇ ગયું હતું અને તેની ધરપકડની માંગ કરી હતી. જોકે, તે ઘરે ન હોવાનું જાણવા મળતાં ટોળાએ તેની આસપાસનાં ઘરોમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમને ફેસબુક પોસ્ટ સાથે કોઈ લેવાદેવા ન હતી.
ઇસ્લામી ટોળા દ્વારા થયેલ હિંસાનો ભોગ બનેલ એક હિંદુ મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “એક ટોળાએ આવીને લૂંટફાટ કર્યા બાદ અન્ય એક ટોળું આવ્યું હતું. તેમની પાસે લૂંટવા માટે કંઈ ન હતું તો તેમણે અમારા ઘરને આગ લગાડી દીધી.” તેમણે કહ્યું, “મને ખબર પડતી નથી કે ક્યાં સુધી અમે હિંસાનો ભોગ બનતા રહીશું? કોણ ન્યાય આપશે? કોણ અમને સુરક્ષા આપશે? જો હું ઘરમાં હોત તો તેમણે મને પણ સળગાવી દીધી હોત, પણ ભગવાને મને બચાવી લીધી. પણ હવે મારી પાસે શરીરે પહેરેલી સાડી સિવાય કશું જ નથી.”
આ ઉપરાંત, અન્ય બે ઘરોને આગ લગાડી દેવામાં આવી હતી અને 10થી વધુ દુકાનોને પણ તોડફોડ કરી સળગાવી દેવામાં આવી હતી.
હિંસા બાદ ‘સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે’ પોલીસે યુવક આકાશના પિતા અશોક સાહાની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, આકાશ વિરુદ્ધ ડિજિટલ સિક્યુરિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ, નિર્દોષ હિંદુઓના ઘરોમાં આગ લગાડી દેનારા ટોળામાંથી એકેય વિરુદ્ધ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈની ધરપકડ થઇ નથી.