વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઈ એક શબ્દ પણ બોલે તો તેને માથે ઊંચકીને ફરવાની કુટેવ ભારતના વિપક્ષો, તેમના સમર્થકો અને લેફ્ટ-લિબરલો છોડી શક્યા નથી. તાજેતરમાં એવું ‘કૉમેડિયન’ શ્યામ રંગીલા સાથે થઈ રહ્યું છે, જેઓ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવાની તૈયારી કરી રહ્યા છે. એક ઈકોસિસ્ટમ એવું સાબિત કરવા માટે મથી રહી છે કે રંગીલાને મોદી સામે ઉમેદવારી કરતા રોકવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ પીએમ મોદીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહ્યું હોવાનું મારી-મચડીને સાબિત કરવા માટે ધડમાથા વગરના દાવા કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં લેફ્ટિસ્ટ મીડિયા પોર્ટલ ‘ન્યૂઝલોન્ડ્રી’માં કામ કરી ચૂકેલા ‘પત્રકાર’ મેઘનાદે એક પોસ્ટમાં દાવો કર્યો કે વારાણસીથી ફોર્મ ભરતી વખતે પીએમ મોદી સાથે 1૦ પ્રસ્તાવકો ન હતા, જ્યારે શ્યામ રંગીલાને 1૦ પ્રસ્તાવકોની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું. એવો પણ આરોપ લગાવી દીધો કે ચૂંટણી પંચ નરેન્દ્ર મોદીને ‘સ્પેશિયલ ટ્રીટમેન્ટ’ આપી રહ્યું છે.
I don't see ten people proposing the nomination for Modi, like they are asking @ShyamRangeela even to procure a form.
— meghnad 🔗 (@Memeghnad) May 14, 2024
also, multiple camera angles while filing nomination.
special treatment being given by @ECISVEEP clearly. what a bloody sham. https://t.co/iSkHcllsRw
વારાણસીથી પીએમ મોદીએ ફોર્મ ભર્યા બાદ મેઘનાદે પોસ્ટ કરીને લખ્યું કે, ‘તેઓ શ્યામ રંગીલાને ફોર્મ ઉપાડવા માટે પણ 10 પ્રસ્તાવકો લાવવાનું કહેતા હતા અને હવે અહીં મને મોદી સાથે 1૦ પ્રસ્તાવકો દેખાઈ રહ્યા નથી. ચૂંટણી પંચ સ્પષ્ટ રીતે તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહ્યું છે, જે શરમજનક બાબત છે.’ સાથે ફોર્મ ભરતી વખતે અનેક કૅમેરા આસપાસ હોવાનાં રોદણાં પણ રડ્યાં, જે લિબરલો વર્ષોથી રડતા આવે છે. જોકે, રાહુલ ગાંધી કે અન્ય વિપક્ષી નેતાઓ ફોર્મ ભરતી વખતે કૅમેરા લઇ જાય ત્યાં તેઓ મૌન ધારણ કરી લે છે.
અહીં પ્રશ્ન એ છે કે શું ચૂંટણી પંચે પીએમ મોદીને ખરેખર ‘સ્પેશિયલ ટ્રીટમેન્ટ’ આપી અને માત્ર 1 જ પ્રસ્તાવક હોવા છતાં તેમનું ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું અને અપક્ષ લડતા શ્યામ રંગીલાને 10 પ્રસ્તાવકોની જરૂર હોવાનું કહેવાયું? ના. હકીકત જુદી છે.
વાસ્તવમાં ચૂંટણી પંચના નિયમો અનુસાર, કોઇ પણ અપક્ષ ઉમેદવાર કે રજિસ્ટર્ટ્સ અન-રિકગ્નાઇઝ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે 10 પ્રસ્તાવકો રજૂ કરવા જરૂરી છે. પરંતુ નોંધાયેલી રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો માટે માત્ર એક જ પ્રસ્તાવકની જરૂર પડે છે.
અહીં મોદી અને રંગીલાના કિસ્સામાં જોઈએ તો વડાપ્રધાન મોદી એક રાષ્ટ્રીય પાર્ટીના (ભાજપ) ઉમેદવાર છે, જેથી નિયમાનુસાર તેમણે ફોર્મ ભરતી વખતે માત્ર એક જ પ્રસ્તાવક રજૂ કરવાના રહે. જ્યારે શ્યામ રંગીલા અપક્ષ ઉમેદવાર છે. અપક્ષ ઉમેદવારે વારાણસી જ નહીં 543માંથી કોઇ પણ બેઠક પર ઉમેદવારી કરતી વખતે 10 પ્રસ્તાવકો રજૂ કરવા પડે છે.
આ નિયમો રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં બનાવવામાં આવ્યા છે. નોંધવું જોઈએ કે પ્રસ્તાવકો એટલે એ વ્યક્તિ જે ઉમેદવારના નામાંકન માટે પ્રસ્તાવ મૂકે છે. નિયમાનુસાર, આ વ્યક્તિ જે-તે વિધાનસભા કે લોકસભાનો ઉમેદવાર જ હોવો જોઈએ. પીએમ મોદીને આમ તો 1 જ પ્રસ્તાવકની જરૂર હોય છે, તેમ છતાં તેમણે 4 પ્રસ્તાવકોના હસ્તાક્ષર ફોર્મમાં રજૂ કર્યા. જેઓ આ મુજબ છે- પંડિત ગણેશ્વર શાસ્ત્રી (જેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત જોયું હતું), RSS સભ્ય બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર.
જેથી, અહીં ચૂંટણી પંચ પીએમ મોદીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતું હોવાના દાવા તદ્દન પાયાવિહોણા છે અને માત્ર મૂંઝવણ પેદા કરવા માટે કરવામાં આવી રહ્યા છે. નિયમો જોઈએ તો હકીકત તદ્દન જુદી છે.