દિલ્હીની 7 લોકસભા બેઠકો પર 25 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન પહેલાં ભાજપે પોતાની બનતી તમામ તાકાત દિલ્હી પર લગાવી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પણ દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે. એટલું જ નહીં, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ રોડ શૉ કરીને પોતાના પક્ષના ઉમેદવારો માટે વોટ માંગી રહ્યા છે. આ જ ક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ ભાજપના પૂર્વ દિલ્હીના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં જાહેરસભાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપ 400 પાર જશે તો કાશી અને મથુરામાં ભવ્ય મંદિર બનશે.
દિલ્હીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, જો ભાજપ 400 પાર કરશે તો મથુરામાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને જ્ઞાનવાપીની (કાશી) જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, “જ્યારે કોંગ્રેસ અમને પૂછતી રહી છે કે, તમારે 400 પાર સીટો કેમ જોઈએ છે, તો મને લાગ્યું કે તેનો જવાબ પણ આપવો જોઈએ. મે કહ્યું કે, જ્યારે અમારી 300 બેઠકો હતી, તો રામ મંદિર બનાવ્યું. હવે અમારી 400 બેઠકો હશે તો મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર બનશે અને જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનશે.”
अबकी बार 400 पार का मतलब है ज्ञानवापी में शिवालय, मथुरा में भव्य श्रीकृष्ण मंदिर और पाकिस्तान अधिकृत कश्मीर वापस भारत में। #DelhiCampaign2024 pic.twitter.com/f3YyPiUh6K
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 14, 2024
તેમણે કહ્યું કે, “એટલા માટે તમે અમને બેઠકો આપતા રહો અને અમે મુગલોએ કરેલા કારનામાંઓને સાફ કરતાં રહીશું.” આ સાથે જ તેમણે કોંગ્રેસ સરકાર સમયે દેશની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે કાશ્મીરને લઈને પણ વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલાં ક્યારેય પણ PoKની વાત સંસદમાં થતી નહોતી અને કોઈને રસ પણ નહોતો.
તેમણે કહ્યું કે, “જ્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે અમને જણાવવામાં આવ્યું હતું કે, એક રીતે કાશ્મીર ભારતમાં પણ છે અને પાકિસ્તાનમાં પણ છે. આપણી સંસદમાં ક્યારેય તે અંગેની ચર્ચા થતી નહોતી કે, જે કાશ્મીર પાકિસ્તાન પાસે છે, તે કબજો કરેલું છે અને ખરેખર તે આપણું છે. હવે 7 દિવસથી ત્યાંની તસવીરો સામે આવી રહી છે. દરેક દિવસે ત્યાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ત્યાંના લોકો ભારતનો ઝંડો લઈને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તે જોઈને મને એવું લાગે છે કે, શરૂઆત થઈ ચૂકી છે. મોદીજીને 400 સીટો મળવા પર PoK પણ ભારતનું થઈ જશે. એટલા માટે કોંગ્રેસને હું જણાવી દઉં કે, અમારે 400 બેઠકો આ માટે જોઈએ છે.”